માયાવતીએ પોતાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી દીધી, જાણો BSPની કમાન કોણ સંભાળશે?

PC: twitter.com/TeamAkashAnand_

બહુજન સમાજ પાર્ટી(બસપા)ના સુપ્રીમો માયાવતીએ તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરી દીધી છે. આ નેતા હવે બસપાની કમાન સંભાળશે.

બસપાના વડા માયાવતીએ તેમના ઉત્તરાધિકારી એટલે કે અનુગામીની જાહેરાત કરી છે.રવિવારે યોજાયેલી બેઠકમાં માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા હતા. માયાવતીની ગેરહાજરીમાં હવે આકાશ આનંદ BSPની કમાન સંભાળશે. થોડા મહિના પહેલા જ માયાવતીએ આકાશ આનંદને BSPના રાષ્ટ્રીય કો-ઓર્ડિનેટર બનાવ્યા હતા. આકાશને બસપાએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મોટી જવાબદારી સોંપી હતી. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં અનેક ચૂંટણી રેલીઓ કરી હતી.

બહુજન સમાજ પાર્ટી ના નેતા ઉદયવીર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે માયાવતીએ આકાશ આનંદને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. ઉદયવીર સિંહે જણાવ્યું કે પાર્ટી નેતાઓની બેઠકમાં માયાવતીએ કહ્યું કે તેમની ગેરહાજરીમાં આકાશ આનંદ BSPની કમાન સંભાળશે. જે રાજ્યોમાં BSPનું સંગઠન નબળું છે ત્યાં પણ આકાશ આનંદ પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે.

ઉદયવીર સિંહે કહ્યું કે બસપાના પ્રમુખ માયાવતીએ પાર્ટી નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે દરેક જણ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જાય. પાર્ટી કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. માયાવતીએ કહ્યું કે ગઠબંધનથી પાર્ટીને નુકસાન થાય છે.

હવે તમને એ જાણવામાં રસ હશે કે માયાવતીએ જેમને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા છે તે આકાશ આનંદ કોણ છે? તો તમને જણાવીએ કે આકાશ એ માયાવતીના નાના ભાઇ આનંદ કુમારનો પુત્ર છે. આકાશે લંડનમાં MBAનો અભ્યાસ કર્યો હતો. આનંદ માયાવતી સાથે પહેલીવાર વર્ષ 2017માં સહારનપુરમાં થયેલી બસપાની એક રેલીમાં જોવા મળ્યા હતા. છેલ્લાં 6 વર્ષથી આકાશ બસપામાં સક્રિય છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થઇ હતી ત્યારે બહુજન સમાજ પાર્ટીના સ્ટાર પ્રચારકોમાં આનંદનું નામ બીજા ક્રમ પર હતું.

જાણવા મળેલી વિગત મુજબ આકાશ આનંદને વિધાનસભા ચૂંટણીઓ માટે પાર્ટી કેડર તૈયાર કરવા માટે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પાર્ટી સંગઠનને વધારે મજબુત કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે.

BSPમાં જ્યારે આકાશ આનંદની એન્ટ્રી થઇ એ પછી અનેક મોટા નિર્ણયો લેવાયા હતા. અનેક મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી, કારણકે આ નેતાઓને બસપાના ઉત્તરાધિકારી બનવાની મહત્વકાંક્ષા હતી, પરંતુ માયાવતીએ આ પહેલા આકાશને ઉત્તરાધિકારી બનાવવાના અનેક વખત સંકેતો આપી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp