મધ્ય પ્રદેશના CM તરીકે મોહન યાદવની પસંદગી, જાણો કોણ છે આ નેતા

PC: twitter.com

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે નામની જાહેરાત થઈ ગઈ છે અને ફરીએકવાર હાઇકમાને ચોંકાવી દીધા છે. CM પદ માટે મોહન યાદવના નામ પર મુહર લાગી ગઈ છે. મધ્ય પ્રદેશના CMના ચહેરા માટે ઘણા દિવસથી ચર્ચા ચાલતી હતી. શિવરાજ સિંહ ચૌહાણને ફરી CM નહીં બનાવે તેવી ચર્ચા તો ચાલતી હતી. સાથે નરેન્દ્ર તોમર, પ્રહલાદ પટેલના નામની પણ ચર્ચા ચાલતી હતી, પરંતુ હાઇકમાને મોહન યાદવને CM તરીકે પસંદ કરીને બધાને ચોંકાવી દીધા હતા. રિપોર્ટ મુજબ શિવરાજસિંહ ચૌહાણે જ મોહન યાદવના નામના પ્રસ્તાવને ધારાસભ્યદળની બેઠકમાં મૂક્યો હતો.

પૂર્વ કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર તોમરને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય  જગબીર દેવડા અને રાજેશ શુક્લાની ડેપ્યુટી CM તરીકે પસંદગી કરવામાં આવી છે. OBC CM સાથે દલિત અને બ્રાહ્મણનું સમીકરણ બનાવવામાં આવ્યું છે.

મોહન યાદવનો જન્મ ઉજ્જૈનમાં થયો હતો. તેમણે BSc, LLB, MA, MBA અને Ph.D કરી છે. તેઓ શિવરાજ સિંહની સરકાર દરમિયાન મંત્રી હતા. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય છે. તેમને RSSના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. તેઓ 3 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2020-2023 સુધી તેઓ શિવરાજસિંહ સરકારમાં શિક્ષા મંત્રી રહ્યા હતા.

CM તરીકે પસંદગી થતા મોહન યાદવે કહ્યું હતું કે, હું પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું. હું બધાનો આભાર માનું છું. રાજ્ય લીડરશીપ અને સેન્ટ્રલ લીડરશીપનો પણ આભાર માનું છું. તમારા પ્રેમ અને સમર્થનથી હું મારી જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરીશ.

કોણ છે મોહન યાદવ...

ઉંમરઃ 58 વર્ષ,

રાજકીય કરિયરઃ 1982મા માધવ વિજ્ઞાન યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના સહ-સચિવ, 1984મા અધ્યક્ષ

2013મા ધારાસભ્ય બન્યા

2018મા બીજીવાર ચૂંટાઈને ઉચ્ચ શિક્ષા મંત્રી બન્યા

ડૉ. મોહન યાદવે 1984માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેમની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેમને ઉજ્જૈનના શહેર મંત્રીની જવાબદારી સોંપાઈ હતી. 1986માં તેમને ABVPના ડિપાર્ટમેન્ટ હેડની જવાબદારી સોંપાયેલી. થોડા સમયમાં તેઓ ABVPના રાજ્ય સહમંત્રી બની ગયા. તેઓ RSSની વિદ્યાર્થી પાંખના રાષ્ટ્રીય મંત્રી પણ બન્યા હતા. આ સિવાય મોહન યાદવ RSSના કો-સેક્શન સેક્રેટરી અને સિટી સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. 1997માં તેઓ સ્ટુડન્ટ્સ પોલિટિક્સમાંથી ભાજપ યુવા મોરચામાં આવ્યા. 2003માં મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમનું પ્રમોશન થયું અને તેમને ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન બનાવાયા. શિવરાજસિંહ ચૌહાણે તેમને 2011માં મધ્ય પ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ બનાવ્યા હતા. 2013માં ધારાસભ્ય બન્યા બાદ તેમને મોટી જવાબદારી સોપવામાં આવી હતી. 2020માં જ્યારે ફરી શિવરાજસિંહની સરકાર બની ત્યારે તેમને ઉચ્ચ શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp