PM મોદીના મંત્રીમંડળમાં NCP સામેલ નહીં થાય, જાણો અજિત પવારે શું કહ્યું?

PC: twitter.com

રવિવારે મહારાષ્ટ્રમાંથી આખો દિવસ અલગ-અલગ સમાચાર આવતા રહ્યા. ગઠબંધનમાં મતભેદો પણ સામે આવ્યા હતા, પરંતુ હવે બધું બરાબર છે. મામલો સ્પષ્ટ થઈ ગયો છે. NCP (અજિત પવાર) પોતે આગળ આવ્યા છે અને કહ્યું છે કે તેઓ હાલમાં કેબિનેટમાં સામેલ નથી થઈ રહ્યા.પ્રફુલ પટેલને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) પદ આપવાની વાત થઈ હતી, પરંતુ તેમણે તેનો ઈન્કાર કરી દીધો હતો.

ભાજપના તમામ સાથી પક્ષોના દિગ્ગજ નેતાઓને મંત્રી તરીકે શપથ લેવા માટે ફોન ગયા હતા. જેમને ફોન આવ્યા હતા તેઓ વડાપ્રધાનના નિવાસસ્થાને નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે કેબિનેટ મંત્રી પદને લઈને NDAના સહયોગી NCPમાં લડાઈ શરૂ થઈ ગઈ છે. જોકે, રવિવારે સાંજે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી.

રવિવારે સાંજે એ વાત સામે આવી કે NCPમાં કોઈ આંતરિક મતભેદ નથી, પરંતુ તેઓ રાજ્ય મંત્રી તરીકેના સ્વતંત્ર હવાલાને બદલે કેન્દ્રીય મંત્રી મંડળમાં પદ માંગે છે. મીડિયાને સંબોધતા અજિત પવારે કહ્યું કે, અમને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી વિશે માહિતી મળી હતી, પરંતુ પ્રફુલ પટેલ પોતે અગાઉ ભારત સરકારના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. અમને ખુશી છે કે તેમણે અમને જાણ કરી પરંતુ તેમના માટે આ પદ લેવું મુશ્કેલ હતું. અજિત પવારે કહ્યું કે મતભેદો અંગે જે અટકળો લગાવવામાં આવી રહી છે તે ખોટી છે, કોઈ મતભેદ નથી.

NCP નેતા પ્રફુલ્લ પટેલે પણ આજ વાત કરી. તેમણે કહ્યું કે ગઠબંધનમા કોઇ મતભેદ નથી. મને રાજ્યમંત્રીના સ્વતંત્ર હવાલા માટેની સૂચના મળી હતી, પરંતુ હું આ પહેલાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યો હતો એટલે આ હોદ્દો સ્વીકારાવાની મેં ના પાડી દીધી હતી.

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને NCP વડા અજિત પવારે કહ્યુ કે,પ્રફુલ પટેલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે અને અમને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી હોદ્દો યોગ્ય નથી લાગ્યો. અમે ભાજપને કહ્યુ કે, અમે તેના માટે તૈયાર છીએ, થોડા દિવસો રાહ જુઓ, પરંતુ અમને કેબિનેટ મંત્રાલય જ જોઇએ. અમે આજે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી પણ આપવાના છે.

તેમણે વધુમાં કહ્યું કે, આજે અમારી પાસે એક લોકસભા અને એક રાજ્યસભા સાંસદ છે, પરંતુ આગામી 2-3 મહિનામાં રાજ્યસભામાં અમારી પાસે કુલ 3 સભ્યો હશે અને સંસદમાં અમારા સાંસદોની સંખ્યા 4 થઈ જશે. એટલે અમે કહ્યું કે અમને કેબિનેટ મંત્રાલય આપવામાં આવે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, અમે NCP ને રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો આપવા માટે તૈયાર હતા અને પ્રફુલ પટેલનું નામ અમારા માટે ફાઈનલ હતું, કારણ કે તેઓ અગાઉ પણ મંત્રી હતા. પરંતુ NCP ને કેબિનેટ જોઈતું હતું, તેમણે રાહ જોવાનો નિર્ણય લીધો અને અમને કહ્યું કે, આગામી વિસ્તરણમાં તમે જ્યારે ઈચ્છો ત્યારે આપી શકો છો, પરંતુ અમને કેબિનેટ આપો.

પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, કેબિનેટ મંત્રી પદને લઈને NDAના સહયોગી NCPમાં લડાઈ શરૂ થઈ ગઈ છે. એવું બહાર આવ્યું છે કે મંત્રી પદ NCPના ખાતામાં ગયું છે, જેના કારણે પાર્ટીના બે વરિષ્ઠ નેતાઓ પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે વચ્ચે મતભેદો શરૂ થયા છે. મોદી સરકાર 3.0માં NCPને આપવામાં આવેલા કેબિનેટ મંત્રી પદ પર બંને નેતાઓએ દાવો કર્યો છે. બંનેમાંથી કોઈ પોતાનો દાવો છોડવા તૈયાર નથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp