સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આપ્યો મોટો ઝટકો, સજા પર નહીં લાગે રોક

PC: indiatv.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે રાહુલ ગાંધીની એ અરજી ફગાવી દીધી છે, જેમાં તેમણે ‘મોદી સરનેમ’ને લઈને માનહાનિના કેસમાં નીચલી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા પર રોક લગાવવાની માગ કરી હતી. રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં એક રેલી દરમિયાન ‘મોદી સરનેમ’ને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.

4 વર્ષ બાદ 23 માર્ચ 2023ના રોજ સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષી કરાર આપતા 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ જનપ્રતિનિધિ અધિનિયમ હેઠળ લોકસભા સચિવાલય તરફથી રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. જનપ્રતિનિધિ કાયદામાં પ્રવધાન છે કે, જો કોઈ સાંસદ કે ધારાસભ્યને કોઈ કેસમાં 2 વર્ષ કે તેનાથી વધારે સજા થાય છે તો તેમની સભ્યતા (સંસદ અને વિધાનસભા) રદ્દ થઈ જાય છે. એટલું જ નહીં સજાની અવધિ પૂરી કર્યા બાદ 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય પણ થઈ જાય છે.

સેશન્સ કોર્ટમાં અત્યાર સુધી શું થયું?

રાહુલ ગાંધીએ 2 એપ્રિલના રોજ નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ સુરત સેશન્સ કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો. તેમના દ્વારા 2 અરજીઓ દાખલ કરવામાં આવી છે. પહેલી અરજીમાં સજા પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી, જ્યારે બીજી અરજીમાં અપીલનો નીકાલ ન થાય ત્યાં સુધી કન્વિક્શન પર રોક લાગાવનરી અરજી પર નોટિસ જાહેર કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે, નીચલી કોર્ટમાં કેસની સુનાવણી ઉચિત નહોતી. આ કેસમાં મહત્તમ સજાની કોઈ જરૂરિયાત નથી. રાહુલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, જો નીચલી કોર્ટના 23 માર્ચના નિર્ણયને સસ્પેન્ડ અને સ્થગિત ન કર્યો તો તેનાથી તેમની પ્રતિષ્ઠાને ક્ષતિ થશે.

હવે રાહુલ ગાંધી પાસે શું છે વિકલ્પ?

રાહુલ ગાંધીની અરજી પર સેસન્સ કોર્ટના આજના નિર્ણયને ખૂબ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે કેમ કે કોર્ટ જો સજા પર રોક લગાવતી તો તેનાથી રાહુલ ગાંધીની સંસદ સભ્યતા પાછી આવી શકતી હતી. હાલમાં જ લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલના કેસમાં પણ એવું જોવા મળ્યું હતું. જાન્યુઆરીમાં તેમને હત્યાના પ્રયાસમાં દોષી ઠેરવતા નીચલી કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ ફૈઝલની લોકસભા સભ્યતા રદ્દ થઈ ગઈ હતી.

ફૈઝલે નીચલી કોર્ટના નિર્ણય વિરુદ્ધ કેરળ હાઇ કોર્ટ જવાનો નિર્ણય લીધો હતો. જ્યાં ફૈઝલની સજા પર રોક લગાવી દેવામાં આવી હતી. જો કોર્ટ નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખે છે તો રાહુલ ગાંધી હાઇ કોર્ટ જઈ શકે છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ના રોજ ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, ‘નીરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદીનું સરનેમ કોમન કેમ છે? બધા ચોરોનું સરનેમ મોદી કેમ હોય છે?’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp