માત્ર રાહુલ ગાંધી નહીં, પણ તેમના દાદી અને માતાએ પણ લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું છે

PC: moneycontrol.com

કેરળની વાયનાડ લોકસભા સીટથી સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. એક દિવસ અગાઉ, સુરત સેશન્સ કોર્ટે મોદી સરનેમના કેસમાં તેમની વિવાદાસ્પદ ટિપ્પણી માટે તેમને દોષિત ઠેરવ્યા હતા. રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી તેમની લોકસભાની સદસ્યતા જોખમમાં હતી. આખરે, શુક્રવારે, તેમણે લોકસભાની સદસ્યતા ગુમાવી દીધી. આ રીતે લોકસભાની ચૂંટણીના 1 વર્ષ પહેલાં વાયનાડ લોકસભાની બેઠક સાંસદ વગરની થઇ ગઇ છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું વાયનાડની ખાલી પડેલી આ બેઠક પર પેટા ચૂંટણી થશે? એનો જવાબ તો હવે આગળની પ્રક્રિયા થશે પછી ખબર પડશે, પરંતુ આ વાક્યએ એ યાદ અપાવ્યું કે લોકસભામાં સભ્ય પદ ગુમાવવાનો ગાંધી પરિવારનો આ પહેલો મામલો નથી. આ પહેલાં રાહુલ ગાંધીના દાદી ઇંદિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી પણ લોકસભામાં સભ્ય પદ ગુમાવી ચૂક્યા છે.

આજે ભલે લોકસભાની સદસ્યતા રદ થયા પછી રાહુલ ગાંધીના પક્ષમાં માહોલ બનતો જોવા મળ્યો નથી, પરંતુ એક સમય હતો, જ્યારે રાહુલના દાદી પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીની લોકસભા સદસ્યતા રદ થઇ એ જ તેમના માટે સંજીવની સાબિત થઇ હતી.

આ કિસ્સો ઇમરજન્સી વખતનો છે. કટોકટીના ખરાબ સમયમાં જ્યારે ચૂંટણી થઇ ત્યારે ઇંદિરા ગાંધી ખરાબ રીતે હારી ગયા હતા. એ પછી 1977-78નું વર્ષ નાટકીય રહ્યું. 1978માં ઇંદિરા ગાંધી કર્ણાટકના ચિકમંગલૂરથી પેટા ચૂંટણી જીતીને લોકસભામા પહોંચ્યા હતા.

વિરોધીઓએ તેમની છાવણી પહેલેથી જ તૈયાર કરી લીધી હતી. 18 નવેમ્બરના રોજ લોકસભામાં તેમના આગમન પર, તત્કાલીન PM મોરારજી દેસાઈએ પોતે ઇંદિરા ગાંધીને તેમના કાર્યકાળ દરમિયાન સરકારી અધિકારીઓનું અપમાન કરવા અને પદનો દુરુપયોગ કરવા બદલ  વિરુદ્ધ પ્રસ્તાવ રજૂ કર્યો અને પાસ થઇ ગયો હતો. 7 દિવસની લાંબી ચર્ચા પછી, ઇન્દિરા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે ઓફિસ કેસના દુરુપયોગ સહિત ઇન્દિરા પરના અનેક આરોપોની તપાસ કર્યા પછી એક મહિનામાં રિપોર્ટ કરવાનો હતો. વિશેષાધિકાર સમિતિ એવા નિષ્કર્ષ પર આવી કે ઈન્દિરા સામેના આક્ષેપો સાચા હતા. તેમણે વિશેષાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે અને ગૃહની અવમાનના પણ કરી છે, તેથી તેમને સંસદમાંથી હાંકી કાઢવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે અને તિહાર મોકલવામાં આવે છે. જોકે, જનતા સરકારમાં જ સંવાદિતા ન હતી અને 3 વર્ષમાં જ સરકાર પડી ગઈ હતી. આ પછી ઈન્દિરા ગાંધી 1980માં ભારે સમર્થન સાથે ફરીથી ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા.

હવે વાત કરીએ વર્ષ 2006ની. જ્યારે સંસદમાં લાભના પદનો મામલો જોર શોરથી ચાલતો હતો, તે વખતે દેશમાં UPA સરકાર હતી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આરોપોથી  ઘેરાયેલા હતા. સોનિયા ગાંધી તે વખતે રાયબરેલીથી સાંસદ હતા. એની સાથે તેઓ UPA સરકારમાં બનેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદના ચેરમેન પણ હતા.જેને લાભનું પદ કહેવામાં આવ્યું હતું. જેને લીધે સોનિયા ગાંધીએ લોકસભા સભ્ય પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ રાયબરેલીથી ફરી ચૂંટણી લડ્યા.

જો કે, ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી બંનેએ રાજકીય કસોટીઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યા પછી મજબૂતી સાથે પાછા ફર્યા હતા. રાહુલ, ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે, જેમનું સભ્યપદ ગયું છે. અગાઉ તેઓ અમેઠીમાં સત્તા ગુમાવી ચૂક્યા છે અને હવે વાયનાડ પણ હાથમાંથી બહાર છે. હવે જોવાનું એ રહેશે કે માતા અને દાદીની જેમ રાહુલ મજબુતી સાથે પાછા ફરે છે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp