હાર્દિક પટેલ બદનામ થઈ ગયો, હવે ભાજપ હાર્દિક વિરૂદ્ધ કયો પ્રચાર કરશે?

PC: twitter.com/hardikpatel_

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ દ્વારા સુરત અને ભરૂચમાંથી ત્રાસવાદીઓ પકડાયા ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી આખા મામલામાં સોનીયા ગાંધીની રાજકીય સલાહકાર અહેમદ પટેલને ઢસડી જવાનો પ્રયાસ કર્યો હતો, પણ હવે હિન્દુ-મુસ્લિમના વિષયને સારી સમજી ગયેલી પ્રજાએ આખા મુદ્દા તરફ ધ્યાન જ આપ્યુ નહીં, હવે હાર્દિક પટેલની સેક્સ CD બહાર પડી છે. આ CD પાટીદાર આંદોલન અને હાર્દિક ઉપર ભરોસો કરનાર ઉપર શું અસર કરશે તે તો આવનાર સમય કહેશે, પણ ભાજપે પોતાના ભાથામાં રહેલુ છેલ્લું હથિયાર વાપરી નાખ્યું છે. 

કોઈ પણ માણસને બદનામ થવા કરતા બદનામ થવાનો ડર વધુ સતાવતો હોય છે. હાર્દિક પટેલે થોડા દિવસ પહેલા જ કહ્યુ હતું કે મારી સેક્સ CD આવી શકે છે. જેનો અર્થ હાર્દિકને ખબર હતી અથવા હાર્દિકને કોઈ સેક્સ CDના નામે ડરાવી સમાધાન કરવા ફરજ પાડી રહ્યુ હતું, પણ હાર્દિક માન્યો અને ડર્યો નહીં, તેના કારણે સેક્સ CD જાહેર થઈ ગઈ, હવે જે જાહેર થવાની બીક હતી તે થઈ ગયું, હવે હાર્દિક પાસે ગુમાવવા જેવું કઈ રહ્યું નથી, જ્યારે માણસના મનમાંથી ડર જતો રહે ત્યારે તે વિરોધી માટે જોખમી બની જતો હોય છે. તે વાત CD જાહેર કરનાર અશ્વીન અને ભાજપના નેતાઓ ભૂલી ગયા. પહેલા હાર્દિક ઉપર આર્થિક આરોપો મૂકવામાં આવ્યા, પણ પાટીદારોએ ભાજપના તે આર્થિક આરોપો તરફ ધ્યાન આપ્યુ નહીં. જેના કારણે છેલ્લુ હથિયાર કોઈને પણ ચારિત્રના મુદ્દે બદનામ કરવાનું  હતું, ભાજપનું જે હથિયાર હતું તે પણ વપરાઈ ગયુ. 

હવે હાર્દિક અને ભાજપની ખુલ્લી લડાઈ શરૂ થઈ ગઈ છે, ચીંતા તે વાતની છે, કે કાચના ઘરમાં રહેનારે બીજાના ઘર ઉપર પથ્થર માર્યો છે. જે આ પ્રકારની હલકી રાજનીતિ શરૂ થશે તો ગુજરાતમાં રોજ એક નવા નેતાની CD ગુજરાતની પ્રજાને જોવાનો વખત આવશે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp