સાઉદીના મુસ્લિમ નેતા સામે NSA ડોભાલની સલાહ- જ્યારે મક્કા પર હુમલો થયો તો..

PC: abplive.com

મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ અને સાઉદી અરબના પૂર્વ ન્યાય મંત્રી મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઈસા ભારતના પ્રવાસ પર છે. મંગળવારે ઈસ્લામિક કલ્ચર સેન્ટરની એક ઇવેન્ટમાં અલ-ઈસા સાથે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ઉપસ્થિત હતા. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું કે, આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે જોડાયેલો નથી. એવામાં આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું કર્તવ્ય છે કે હિંસાનો માર્ગ અપનાવનારા લોકોનું કાઉન્ટર કરે. ઇવેન્ટ દરમિયાન ધાર્મિક નેતાઓ, સ્કૉલર્સ અને રાજનાયિકોને સંબોધિત કરતા અજીત ડોભાલે કહ્યું કે, આતંકવાદ કોઈ પણ ધર્મ સાથે જોડાયેલો નથી. તેઓ એ લોકો હોય છે જેમને ભરમાવી દેવામાં આવે છે. એવામાં સંભવતઃ આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓનું એ કર્તવ્ય છે કે તેઓ એ લોકોનો પ્રભાવી રીતે સામનો કરે, જેમણે હિંસાનો માર્ગ અપનાવ્યો છે.

એ વ્યક્તિ કોઈ પણ ધર્મ, વિશ્વાસ કે રાજનીતિક વિચારધારા સાથે સંબંધિત હોય શકે છે. વૈશ્વિક આતંકવાદના પડકારોનો ઉલ્લેખ કરતા અજીત ડોભાલે કહ્યું કે, દેશની સીમાઓની અંદર અને બહાર સુરક્ષા અને સ્થિરતાને બનાવી રાખવા માટે ભારત એ વ્યક્તિઓ અને સંગઠનો વિરુદ્ધ લડાઈનું નેતૃત્વ કરી રહ્યું છે. જે ઉગ્રવાદ, નશીલા પદાર્થો અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે. ભારતમાં કોઈ પણ ધર્મ જોખમમાં નથી. ભારત એક સમાવેશી લોકતંત્રના રૂપમાં પોતાના બધા નાગરિકોને તેમની ધાર્મિક, જાતીય કે સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની ચિંતા કર્યા વિના તેમનું સન્માન કરવામાં સફળ રહ્યું છે.

ઇવેન્ટ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, એક ગૌરવશાળી દેશના રૂપમાં ભારત સમયના પડકારોને પહોંચીવળવા માટે સહિષ્ણુતા, સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ કરે છે. એ કોઈ સંયોગ નથી કે લગભગ 20 કરોડ મુસ્લિમ વસ્તી છતા વૈશ્વિક આતંકવાદમાં ભારતીય નાગરિકોની ભાગીદારી અવિશ્વસનીય રૂપે ઓછી રહી છે. ભારતમાં ઉપસ્થિત ઘણા ધર્મો વચ્ચે ઇસ્લામ પણ એક અદ્વિતીય અને મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે. ભારતમાં દુનિયાની બીજી સૌથી મોટી મુસ્લિમ વસ્તી રહે છે. ભારતમાં મુસ્લિમોની વસ્તી ઈસ્લામિક સહયોગ સંગઠનના લગભગ 33 દેશોની કુલ વસ્તી બરાબર છે. એવું એટલે સંભવ થઈ શક્યું કેમ કે ભારતે વિશ્વના બધા વિચારો, ધર્મો અને સંસ્કૃતિઓનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. ભારત દુનિયાના બધા ધર્મોના સતાવેલા લોકો માટે એક ઘરના રૂપમાં ઉભર્યું છે.

1979માં સાઉદી અરબના મક્કામા ગ્રેન્ડ મસ્જિદ પર થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કેવી રીતે એ ઘટનાએ આતંકવાદને લઈને સાઉદી અરબનો નજરિયો બદલી દીધો. આ હુમલાના કારણે આતંકવાદનો મુદ્દો ફરી સામે આવ્યો અને સાઉદી અરબને પોતાના સુરક્ષા ઉપાયો અને વિદેશ નીતિનું પુનર્મૂલ્યાંકન કરવા મજબૂર થવું પડ્યું. 20 નવેમ્બર 1979ના રોજ ઇસ્લામની પવિત્ર જગ્યાઓમાંથી એક મક્કામાં આખી દુનિયાથી લાખોની સંખ્યામાં મુસ્લિમ એકત્ર થયા હતા.

સવારની નમાજ પૂરી થતા જ મસ્જિદમાં પહેલાથી ઉપસ્થિત સેકડો હથિયારધારી લોકોએ હુમલો કરીને લાખો લોકોને બંધક બનાવી લીધા હતા. હથિયારધારી લોકોએ 14 દિવસ સુધી લોકોને બંધક બનાવીને રાખ્યા. સાઉદી સરકારે હુમલાવારો વિરુદ્ધ અલ હરમ મસ્જિદમાં સૈન્ય કાર્યવાહી કરવી પડી. ફ્રાંસ અને પાકિસ્તાને સાઉદી અરબની મદદ માટે કમાન્ડો ટીમ મોકલી. 14 દિવસની સૈન્ય કાર્યવાહી બાદ 4 ડિસેમ્બરના રોજ આ લડાઈ સમાપ્ત થઈ. આ સૈન્ય કાર્યવાહીમાં સેકડો હુમલાવર માર્યા ગયા હતા. જીવતા બચેલા હુમલાવરોએ સરેન્ડર કરી દીધું હતું.

મક્કાની ગ્રેન્ડ મસ્જિદ પર કબજો કરનારા બધા હુમલાવર અલ-જમા અલ-સલાફિયા અલ-મૂહતાસિબા (JSM) સંગઠન સાથે સંબંધિત હતા. JSM સંગઠન સાઉદી અરબમાં થઈ રહેલા આધુનિકરણનો વિરોધ કરતું હતું. સંગઠનનું માનવું હતું કે તેનાથી સાઉદી અરબનું સામાજિક અને ધાર્મિક રૂપે પતન થઈ રહ્યું છે. સાઉદી સરકારે 63 લોકોની ધરપકડ કરીને 9 જાન્યુઆરી 1980ના રોજ સાર્વજનિક રૂપે મોતની સજા આપી. માનવામાં આવે છે કે આ સૈન્ય કાર્યવાહી બાદ સાઉદી અરબની સુરત જ બદલાઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp