Online સટ્ટાબાજી ગેરકાયદે નથી, સરકાર 28 ટકા GST લે છે,કોંગ્રેસનો પલટવાર

PC: hindustantimes.com

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે 2 દિવસની વાર છે તે પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સામે આરોપ મુકીને મોટો ધડાકો કરી દીધા છે, જેને કારણે છત્તીસગઢના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. EDનો આરોપ છે કે સટ્ટા કીંગ મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ પાસેથી મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે 508 કરોડ રૂપિયા લીધા છે.

છત્તીસગઢમાં ચૂંટણી પહેલા મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું છે. એક દિવસ પહેલા EDની કાર્યવાહીમાં CM ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યા બાદ ભાજપ લગાતાર હુમલાઓ કરી રહ્યું છે. શનિવારે જ્યારે ભાજપે છત્તીસગઢ સરકારની સંડોવણી પર સવાલ ઉઠાવ્યા ત્યારે કોંગ્રેસે પણ વળતો પ્રહાર કર્યો અને ED અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ, સંચાર વિભાગના વડા જયરામ રમેશ અને રાજ્યસભાના સાંસદ અભિષેક મનુ સિંઘવીએ ભાજપના બધા આરોપોનો જવાબ આપ્યો હતો.

જયરામ રમેશે કહ્યું કે આ બદલાની રાજનીતિ છે. આ બિલકુલ સ્પષ્ટ છે કે સરકારી એજન્સીનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે.તેમણે કહ્યું કે ઓનલાઇન બેટિંગ મામલે છત્તીસગઢ સરકાર માર્ચ 2022થી કાર્યવાહી કરી છે. ઓડિશા, મધ્ય પ્રદેશ, દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દુબઇ જઇને તો દરોડા ન પાડી શકે. એ કાર્યવાહી કેન્દ્ર સરકારે કરવાની હોય છે, પરંતુ અત્યાર સુધી કેન્દ્ર સરકારે કશું કર્યું નથી.

જયરામ રમેશે દાવો કર્યો કે ઓનલાઇન બેટિંગ એપને કેન્દ્ર સરકારે કાયદેસર બનાવી દીધી છે. કેન્દ્ર સરકાર આવી એપ પર 28 ટકા GST વસુલે છે.

કોંગ્રેસે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી,શાહ,સીતારામને ભારતમાં તમામ Online સટ્ટાબાજીની એપને કાયદેસર બનાવવાનો અને આ પ્રવૃત્તિઓ પર 28 ‘ke GST લાદવાનો નિર્ણય કર્યો છે. કથિત ગુનેગાર મહાદેવ એપના ઓપરેશનલ સ્ટેટસને જોતાં, અમે માનીએ છીએ કે ભાજપને મહાદેવ એપ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તે બીજેપીને તપાસ એજન્સીઓ દ્વારા તેના રાજકીય પ્રચારને આગળ વધારવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. ભંડોળ બંધ થવાના ડરથી તેઓ રિંગલીડરની ધરપકડ કરવામાં આનાકાની કરી રહ્યા છે.

મહાદેવ ઓનલાઇન બેટિંગ એપની સામે ED ઘણા સમયથી મની લોન્ડરીંગ કેસની તપાસ કરી રહી છે. મૂળ ઉત્તરાખંડનો સૌરભ ચંદ્રાકર દુબઇમાં બેસીને મોટો સટ્ટા કીંગ બની ગયો છે. સૌરભના લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ધૂમાડો કરવામાં આવ્યો હતો અને બોલિવુડના સ્ટાર્સ પરફોર્મ કરવા ગયા હતા. EDએ રણવીર કપૂર, કપિલ શર્મા, શ્રધ્ધા કપૂર સહિત અનેક કલાકારોની પુછપરછ કરી છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો હતો કે સત્તામાં રહીને સટ્ટાખોરીનો ધંધો કરવો એ છત્તીસગઢમાં કોંગ્રેસની વાસ્તવિકતા છે. સ્મૃતિએ કહ્યું કે, ભૂપેશ બઘેલ સત્તામાં રહીને સટ્ટાની મોટી રમત રમી રહ્યા છે. ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીને લઈને મોટા ખુલાસા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp