શું કેરળ અને બંગાળમાં નહીં લાગૂ થઈ શકે CAA? જાણો શું કહે છે કાયદાકીય પ્રાવધાન

PC: indiatoday.in

કેન્દ્ર સરકારે CAAને લાગૂ કરવાની નોટિફિકેશન જાહેર કરી દીધી છે. તેની સાથે જ હવે CAA દેશભરમાં લાગૂ થઈ ગયો છે. નાગરિકતા સંશોધન બિલ ડિસેમ્બર 2019માં સંસદના બંને સદનોમાં પાસ થઈ ગયું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે X પર લખ્યું કે, 'મોદી સરકારે નાગરિકતા સંશોધન નિયમ, 2024નું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. તેનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારના કારણે ભારતમાં આવેલા લઘુમતીઓને અહીની નાગરિકતા મળી જશે. ત્યારબાદ કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે લખ્યું કે, 'જે કહ્યું, એ કર્યું.. મોદી સરકારે CAAની નોટિફિકેશન જાહેર કરીને પોતાની ગેરન્ટી પૂરી કરી.

પરંતુ હવે તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. પશ્ચિમ બંગાળ અને કેરળ સરકારે તેનો વિરોધ કર્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, અત્યારે નિયમ જોયા નથી. નિયમ જોયા બાદ કંઈક કહેવામાં આવશે. જો કે, તેમણે કહ્યું કે, જો ધર્મ, જાતિ કે ભાષાના આધાર પર કોઈ ભેદભાવ થાય છે તો અમે તેને મંજૂર નહીં કરીએ. જો CAA અને NRCના માધ્યમથી કોઇની નાગરિકતા છીનવાઇ જાય છે તો અમે ચૂપ નહીં બેસીએ. તેનો સખત વિરોધ કરીશું. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે, આ બંગાળ છે, અહી અમે CAAને લાગૂ નહીં થવા દઈએ.

તો કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, અમારી સરકાર ઘણી વખત પુનરાવર્તન કરી ચૂકી છે કે અમે અહી CAAને લાગૂ નહીં થવા દઈએ, જે મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક માને છે. આ સાંપ્રદાયિક કાયદાના વિરોધમાં આખું કેરળ એક સાથે ઊભું થશે. કેરળ પહેલું રાજ્ય હતું, જેણે CAA વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. કેરળ સરકારે 2019માં જ વિધાનસભામાં એક પ્રસ્તાવ પાસ કરીને આ કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી. એવામાં સવાલ ઉઠે છે કે શું કેરળ અને બંગાળ જેવા રાજ્યોમાં CAA લાગૂ નહીં થાય? એ જાણવા અગાઉ 3 પોઈન્ટમાં સમજીએ શું છે CAA?

શું છે CAA?

CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદો. 2016માં સૌથી પહેલા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2019માં તેને રજૂ કરવામાં આવ્યો. એ વર્ષે લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયો હતો.

કોને મળશે નાગરિકતા?

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા એવા હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને પારસી ધર્મના લોકો, જે 31 ડિસેમ્બર 2014 અગાઉ ભારત આવીને વસી ગયા હતા તેમને નાગરિકતા મળશે. ભલે તેમની પાસે ભારત આવવાના કાયદેસર દસ્તાવેજ ન હોય.

કેવી રીતે મળશે નાગરિકતા?

કાયદા હેઠળ નાગરિકતા માટે યોગ્ય અરજીકર્તાઓએ ઓનલાઇન અરજી કરવી પડશે. તેના માટે સરકાર જલદી જ એક વેબ પોર્ટલ લોન્ચ કરશે.

અહી લાગૂ નહીં થાય CAA

CAAની નોટિફિકેશન સરકારે ભલે લાગૂ કરી દીધી હોય, પરંતુ અત્યારે પણ એ આખા દેશમાં લાગૂ નહીં થાય. કાયદા મુજબ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના એ આદિવાસી વિસ્તારોમાં CAAના પ્રાવધાન લાગૂ નહીં થાય, જેમને સંવિધાનની છઠ્ઠી અનુસૂચિ હેઠળ સંરક્ષિત કરવામાં આવ્યા છે. તેની સાથે જ ઇનર લાઇન પરમિટ સિસ્ટમવાળા પૂર્વોત્તરના રાજ્યોમાં પણ એ લાગૂ નહીં થાય.

આ લાઇન પરમિટ અને સંવિધાનની છઠ્ઠી અનુસૂચિ પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારોમાં જનજાતિયા સમૂહોને સંરક્ષણ આપવાના ઉદ્દેશ્યથી લાગૂ કરવામાં આવી હતી. મણિપુર પહેલા ઇનર લાઇન પરમીટમાં આવતું નહોતું, પરંતુ ત્યારબાદ તેને પણ તેમાં સામેલ કરી લેવામાં આવ્યું. ઇનર લાઇન પરમિટ એક પ્રકારના યાત્રા દસ્તાવેજ હોય છે, જે એક સમિતિ અવધિ માટે બીજા રાજ્યોના લોકોને યાત્રા કરવા માટે આપવામાં આવે છે.

શું રાજ્ય સરકારો તેને નકારી શકે છે?

એ સમજવા અગાઉ સંવિધાનના કેટલાક મહત્ત્વના પ્રાવધાન સમજી લઈએ. સંવિધાનમાં સંઘ, રાજ્ય અને સમાવર્તી સૂચિ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારમાં કયા કયા વિષય આવે છે. સાતમી અનુસૂચીમાં તેની બાબતે બતાવવામાં આવ્યું છે. સંઘ સૂચીમાં એ વિષયોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં કાયદો બનાવવાનો અધિકાર માત્ર સંસદને છે. તેમાં રક્ષા, વિદેશ મામલા, વસ્તી ગણતરી, રેલ અને નાગરિકતા જેવા 100 વિષય સામેલ છે.

રાજ્ય સૂચીમાં સામેલ વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર માત્ર સરકારને છે. તેમાં કોર્ટ, પોલીસ, સ્વાસ્થ્ય, વન, રોડ, પંચાયતી રાજ જેવા 61 વિષય છે. તો સમવર્તી સૂચીમાં એ એ વિષયોને સામેલ કરવામાં આવ્યા છે જેના પર કેન્દ્ર અને રાજ્ય, બંને કાયદો બનાવી શકે છે. જો કેન્દ્ર કોઈ વિષય પર કાયદો બનાવી લે છે તો રાજ્યોએ તેને માનવો પડશે.તેમાં શિક્ષણ, વીજળી, વસ્તી નિયંત્રણ, કારખાના જેવા 52 વિષય આવે છે. કુલ મળીને કેન્દ્રની સૂચીમાં આવતા વિષય સાથે જોડાયેલા નિર્ણયો પર સરકારોને નિર્ણય લેવાનો અધિકાર હોતો નથી.

તો પછી શું છે રસ્તો?

આ આખો મામલો નાગરિકતા સાથે જોડાયેલો છે એટલે તેને કોઈ કોર્ટમાં પણ પડકાર નહીં આપી શકાય. જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે CAA સાથે કોઈ પણ કેસ હાઇકોર્ટમાં સાંભળવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટમાં CAAના વિરોધમાં અને સમર્થનને લઈને પહેલા જ 200 કરતા વધુ અરજીઓ દાખલ છે. તેના પર અત્યાર સુધી કોર્ટનો નિર્ણય આવ્યો નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમમાં 150 પાનાંની એફિડેવિટ દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે તેને ગેર ભેદભાવપૂર્ણ બતાવ્યો હતો.

ગૃહ મંત્રાલયે એફિડેવિટમાં કહ્યું કે, આ કાયદો માત્ર 6 સમુદાયોના સભ્યોને નાગરિકતા આપે છે, જે 31 ડિસેમ્બર 2014 કે તે અગાઉ ભારત આવ્યા હતા. આ કાયદાથી કોઈ પણ ભારતીય નાગરિકના કાયદાકીય, લોકતાંત્રિક કે ધર્મનિરપેક્ષ અધિકાર પ્રભાવિત થતા નથી. એટલું જ નહીં સંવિધાનનો અનુચ્છેદ 14 કહે છે કે કોઈ પણ વ્યક્તિને કાયદ હેઠળ સમાન સંરક્ષણ આપવાથી ઇનકાર નહીં કરી શકાય. ભલે તે નાગરિક કે ગેર નાગરિક હોય.

નાગરિકતા પર શું છે નિયમ?

1955ના નાગરિકતા કાયદા હેઠળ ભારતની નાગરિકતા અગાઉ ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે, પરંતુ નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા નોન મુસ્લિમ શરણાર્થીઓને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પર જ નાગરિકતા આપવામાં આવશે. બાકી બીજા દેશોના લોકોએ 11 વર્ષનો સમય ભારતમાં પસાર કરવા પડશે. ભલે તે કોઈ પણ ધર્મના હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp