2014માં અમારી સરકાર સત્તામાં આવી ત્યારે અમારા સેવા કાળની શરૂઆત થઈ હતી: PM મોદી

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં ખૂંટીમાં જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન PMએ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અને PM ખાસ કરીને વંચિત આદિવાસી જૂથોના વિકાસ અભિયાનનો શુભારંભ કર્યો હતો. PMએ અસંખ્ય આદિવાસી નાયકો સાથે ઝારખંડની ભૂમિનાં જોડાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તિલકા માંઝી, સિદ્ધુ કાન્હૂ, ચાંદ ભૈરવ, ફુલો ઝાનો, નીલાંબર, પીતાંબર, જાત્રા તાના ભગત અને આલ્બર્ટ એક્કા જેવા ઘણા નાયકોએ આ ભૂમિનું ગૌરવ વધાર્યું છે.

PMએ કહ્યું હતું કે, આદિવાસી યોદ્ધાઓએ દેશના દરેક ખૂણામાં આઝાદીની લડતમાં ભાગ લીધો હતો તથા તેમણે માનગઢ ધામના ગોવિંદ ગુરુ, મધ્ય પ્રદેશના તાંત્યા ભીલ, છત્તીસગઢનાં ભીમા નાયક, શહીદ વીર નારાયણ સિંહ, મણિપુરના વીર ગુંડાધૂર, રાણી ગાઈદિન્લ્યુ, તેલંગાણાનાં વીર રામજી ગોંડ, આંધ્ર પ્રદેશનાં અલુરી સીતારામ રાજુ, ગોંડ પ્રદેશની રાણી દુર્ગાવતીનો ઉલ્લેખ કર્યો હતો. . આ પ્રકારની હસ્તીઓની ઉપેક્ષા પર સંતાપ વ્યક્ત કરતા PMએ અમૃત મહોત્સવ દરમિયાન આ વીરોને યાદ કરવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

PMએ જણાવ્યું હતું કે, આજે ઝારખંડમાંથી બે ઐતિહાસિક પહેલનો શુભારંભ થયો છે. પ્રથમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જે સરકાર અને PM જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાનનાં સંતૃપ્તિ લક્ષ્યોનું માધ્યમ બનશે, આ અભિયાન લુપ્ત થવાના આરે આવેલી જનજાતિઓનું રક્ષણ કરશે અને તેમનું સંવર્ધન કરશે. તેમણે કહ્યું કે ભારતમાં વિકાસનું પ્રમાણ વિકાસના આ સ્તંભોને મજબૂત કરવાની આપણી ક્ષમતા પર નિર્ભર કરે છે. PMએ વર્તમાન સરકારનાં છેલ્લાં 9 વર્ષમાં ચાર સ્તંભોને મજબૂત કરવા માટે કરવામાં આવેલા પ્રયાસો અને કાર્યો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, 2014માં અમારી સરકાર સત્તામાં આવી ત્યારે અમારા સેવા કાળની શરૂઆત થઈ હતી. તેમણે કહ્યું હતું કે, તત્કાલીન સરકારોના બેદરકારીભર્યા અભિગમને કારણે ગરીબોએ તમામ આશા ગુમાવી દીધી હતી. વર્તમાન સરકારે સેવાની ભાવના સાથે કામ કરવાનું શરૂ કર્યું, તેમણે જણાવ્યું હતું કે, ગરીબો અને વંચિત લોકો તેમનાં ઘર સુધી સુવિધાઓ પહોંચાડીને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બની ગયા છે. તેમણે આ પરિવર્તન માટે સરકારના અભિગમને શ્રેય આપ્યો હતો. વર્ષ 2014 પહેલાં, PMએ માહિતી આપી હતી કે ગામડાંઓમાં સ્વચ્છતાનો વ્યાપ માત્ર 40 ટકા હતો, જ્યારે આજે રાષ્ટ્ર સંપૂર્ણતાનું લક્ષ્ય ધરાવે છે. વર્ષ 2014 પછીની અન્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા PMએ ગામડાઓમાં એલ.પી.જી. જોડાણોની સંખ્યા 50-55 ટકાથી વધીને આજે આશરે 100 ટકા થઈ ગઈ છે, અગાઉ 55 ટકાથી હવે 100 ટકા બાળકોને જીવ બચાવતી રસીઓ આપવામાં આવી રહી છે, આઝાદી પછીના દસ દાયકામાં 17 ટકા જ્યારે હવે 70 ટકા ઘરોમાં નળ દ્વારા પાણીનાં જોડાણો આપવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, મોદીએ વંચિતોને તેમની પ્રાથમિકતા આપી છે. PMએ ગરીબી અને વંચિતતા સાથેના તેમના વ્યક્તિગત અનુભવને કારણે વંચિત લોકો પ્રત્યેનો તેમનો લગાવ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ સરકારની પ્રાથમિકતા બની ગયા છે. તેમણે કહ્યું કે, હું ભગવાન બિરસા મુંડાની આ ભૂમિ પર વંચિતો તરફ જે મારું ઋણ છે, તેની ભરપાઈ કરવા માટે આવ્યો છું.

PM મોદીએ જણાવ્યું હતું કે, સરકારે નીચાં લટકતાં ફળો ખાવાની લાલચનો પ્રતિકાર કર્યો છે અને લાંબા સમયથી વિલંબિત મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે. તેમણે 18,000 ગામડાંઓનાં વિદ્યુતીકરણનું ઉદાહરણ આપ્યું હતું, જેમને અંધકારયુગમાં જીવવાનો શ્રાપ આપવામાં આવ્યો હતો. લાલ કિલ્લાની પ્રાચીર પરથી કરવામાં આવેલી જાહેરાત મુજબ સમયબદ્ધ રીતે વિદ્યુતીકરણ કરવામાં આવ્યું હતું. પછાત તરીકે ઓળખાતા 110 જિલ્લાઓમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતાના મુખ્ય માપદંડો વધારવામાં આવ્યા હતા. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમથી આ જિલ્લાઓમાં પરિવર્તનકારી પરિવર્તન આવ્યું. તેમણે માહિતી આપી હતી કે, આ જિલ્લાઓમાં સૌથી વધુ આદિવાસી વસ્તી છે. તેમણે જણાવ્યું હતું કે, આકાંક્ષી બ્લોક્સ કાર્યક્રમ મારફતે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

PMએ ઉમેર્યું હતું કે, સામાજિક ન્યાય ત્યારે જ સુનિશ્ચિત થાય છે, જ્યારે સરકારની તમામ યોજનાઓનો લાભ એક જ માપદંડ સાથે દરેક વ્યક્તિ સુધી પહોંચે. 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' પાછળની આ ભાવના છે, જે ભગવાન બિરસા મુંડાની જયંતિ પર આજથી શરૂ થઈને આવતા વર્ષે 26 જાન્યુઆરી સુધી ચાલશે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સફરમાં સરકાર દેશનાં દરેક ગામમાં મિશન મોડમાં જશે અને દરેક ગરીબ અને વંચિત વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભાર્થી બનાવશે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ એટલી જ સફળ થશે. હું તે દિવસની રાહ જોઉં છું જ્યારે દરેક ગરીબ પાસે મફત રાશન માટે રેશનકાર્ડ, ઉજ્જવલા યોજનામાંથી ગેસનું જોડાણ, ઘરોમાં વીજળીનો પુરવઠો, નળ દ્વારા પાણીનું જોડાણ, આયુષ્માન કાર્ડ અને પાકું ઘર હશે. PMએ વધુમાં દરેક ખેડૂત અને મજૂરને પેન્શન યોજનાઓમાં જોડાવા અને યુવાનોને તેમનાં સપનાને સાકાર કરવા માટે મુદ્રા યોજનાનો લાભ લેવાનાં તેમનાં વિઝન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે કહ્યું, વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ભારતના ગરીબો, વંચિત, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે મોદીની ગૅરંટી છે.

PMએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત માટે સંકલ્પનો મુખ્ય પાયો પીએમ જનમન કે PM જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન છે. તેમણે નોંધ્યું હતું કે, અટલજીની સરકારે જ આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની રચના કરી હતી અને અલગ બજેટ ફાળવ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, આદિવાસી કલ્યાણ માટેનાં બજેટમાં અગાઉની સરખામણીએ 6 ગણો વધારો કરવામાં આવ્યો છે. PM જનમન અંતર્ગત PMએ કહ્યું હતું કે, સરકાર આદિવાસી જૂથો અને આદિમ જનજાતિઓ સુધી પહોંચશે, જેમાંનાં મોટાં ભાગનાં લોકો હજુ પણ જંગલોમાં વસે છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે આવા 75 આદિવાસી સમુદાયો અને આદિમ જનજાતિઓની ઓળખ કરી છે, જેમની વસ્તી લાખોની છે, જેઓ દેશનાં 22 હજારથી વધુ ગામોમાં રહે છે. પહેલાની સરકારો આંકડાઓને જોડવાનું કામ કરતી હતી, પરંતુ હું જીવનને જોડવા માગું છું, આંકડાને નહીં. આ લક્ષ્યાંક સાથે PM જનમનની શરૂઆત આજે થઈ છે. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મહાઅભિયાન પાછળ 24,000 કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે.

PM મોદીએ જણાવ્યું હતું કે, PM વિશ્વકર્મા યોજના સૂચવે છે કે, કેન્દ્ર સરકાર વિકસિત ભારતની સફરમાં દરેક વ્યક્તિની સંભવિતતાનો ઉપયોગ કરવા કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજના વિશ્વકર્મા મિત્રોને આધુનિક તાલીમ અને સાધનો પ્રદાન કરશે. તેમણે માહિતી આપી હતી કે, આ યોજના પર રૂ. 13,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

PM કિસાન સમ્માન નિધિનાં 15મા હપ્તા વિશે વાત કરતાં PMએ જાણકારી આપી હતી કે, અત્યાર સુધીમાં ખેડૂતોનાં ખાતામાં રૂ. 2,75,000 કરોડથી વધારે હસ્તાંતરિત થઈ ગયા છે. તેમણે પશુપાલકો અને માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ, પશુધનનાં મફત રસીકરણ પાછળ રૂ.15,000 કરોડનો સરકારી ખર્ચ, મત્સ્ય સંપદા યોજના હેઠળ દેશમાં 10 હજાર નવા ખેડૂત ઉત્પાદન સંઘોની રચનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે બજારને વધુ સુલભ બનાવીને ખેડૂતો માટે ખર્ચમાં ઘટાડો થયો છે. PM મોદીએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવામાં આવે છે અને શ્રી અન્નને વિદેશી બજારોમાં લઈ જવાના સરકારના પ્રયાસોની પણ ચર્ચા કરી હતી.

PM મોદીએ કહ્યું હતું કે, સરકાર શિક્ષણનો વિસ્તાર કરવા અને યુવાનોને તકો પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે. તેમણે આધુનિક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પ્રકાશ પાડ્યો હતો, જે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં મેડિસિન અને એન્જિનીયરિંગનો અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં દેશભરમાં 300થી વધુ યુનિવર્સિટીઓ અને 5,500 નવી કૉલેજોની સ્થાપના કરવામાં આવી છે. તેમણે ડિજિટલ ઇન્ડિયા અભિયાન વિશે પણ વાત કરી હતી અને ભારત એક લાખથી વધારે સ્ટાર્ટ-અપ સાથે દુનિયામાં ત્રીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ બની રહ્યું છે. સંબોધનનાં સમાપનમાં PMએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમૃત કાલના ચાર અમૃત સ્તંભ એટલે કે ભારતની મહિલા શક્તિ, યુવા શક્તિ, કૃષિ શક્તિ અને આપણા ગરીબ અને મધ્યમ વર્ગની શક્તિ ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ભારતને વિકસિત ભારત બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp