તામિલનાડુમાં PMના પ્રહાર, કહ્યુ- મોદીથી નફરતના નામ પર બન્યું છે ઈન્ડી ગઠબંધન

PC: PIB

PM મોદીએ તામિલનાડુમાં DMK સરકાર અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું હતું કે, ભાજપ પોતાના ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની વાત કરી રહી છે, પરંતુ બીજી બાજુ ફક્ત મોદીથી નફરત છે, જેના નામ પર એકજુથ થઈને ઈન્ડી ગછબંધનના લોકો ગમે તેવું બોલતા રહે છે. શું તમે ક્યારેય એક પણ પાર્ટીને વિકાસ, અર્થવ્યવસ્થા, ઈન્ડસ્ટ્રી, શિક્ષા, એગ્રીકલ્ચર, લેબર અને ફીશરમેન પર વાત કરતા સાંભળ્યા છે? આમને બસ એક જ ચિંતા છે કે કેવી રીતે તેમના પરિવારની દુકાન ચાલતી રહે.

PM નરેન્દ્ર મોદીએ તામિલનાડુનાં થુથુકુડીમાં રૂ. 17,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા હતા. PMએ વીઓ ચિદમ્બરનાર બંદરગાહ પર આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. PMએ હરિત નૌકા પહેલ હેઠળ ભારતનાં પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજનો પણ શુભારંભ કરાવ્યો હતો. તેમણે 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 દિવાદાંડીઓમાં પર્યટક સુવિધાઓ સમર્પિત કરી હતી. તેમણે વાંચી મનિયાચ્ચી-નાગરકોઇલ રેલવે લાઇનને બમણી કરવા માટેનાં રેલવે પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં, જેમાં વાંચી મનિયાચ્ચી-તિરુનેલવેલી સેક્શન અને મેલાપ્પાલયમ-અરલવામાઇમોલી સેક્શન સામેલ છે. PMએ તામિલનાડુમાં આશરે રૂ. 4,586 કરોડનાં કુલ ખર્ચ સાથે વિકસાવવામાં આવેલી ચાર માર્ગ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.

PMએ જણાવ્યું હતું કે, તામિલનાડુ થુથુકુડીમાં પ્રગતિનો નવો અધ્યાય લખી રહ્યું છે, કારણ કે વિકસિત ભારતનાં રોડ મેપ માટે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, આજની વિકાસ યોજનાઓમાં કોઈ પણ એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં જુસ્સાનાં સાક્ષી બની શકે છે. આ પ્રોજેક્ટ્સ ભલે થુથુકુડીમાં હોય, પણ PMએ જણાવ્યું હતું કે, તેનાથી સમગ્ર ભારતમાં અનેક સ્થળોએ વિકાસને વેગ મળશે.

PMએ વિકસીત ભારતની યાત્રા અને તેમાં તામિલનાડુની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે 2 વર્ષ અગાઉની તેમની મુલાકાતને યાદ કરી હતી, જ્યારે તેમણે ચિદમ્બરનાર બંદરની ક્ષમતા વધારવા માટે ઘણાં પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી હતી અને તેને શિપિંગનું મુખ્ય કેન્દ્ર બનાવવાનાં પોતાનાં વચનને પણ યાદ કર્યું હતું. PMએ કહ્યું હતું કે, આ ખાતરી આજે પૂર્ણ થઈ રહી છે. વીઓ ચિદમ્બરનાર બંદરગાહ ખાતે આઉટર હાર્બર કન્ટેનર ટર્મિનલના શિલારોપણ અંગે વાત કરતા PMએ માહિતી આપી હતી કે, આ પ્રોજેક્ટમાં રૂ. 7,000 કરોડનું રોકાણ થશે. આજે 900 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 13 બંદરો પર 2500 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટથી તામિલનાડુને લાભ થશે અને રાજ્યમાં રોજગારીની તકોનું સર્જન થશે.

PMએ યાદ અપાવ્યું હતું કે, આજની વિકાસલક્ષી પરિયોજનાઓને વર્તમાન સરકાર લાવી રહી છે, જે લોકોની માગણીઓ છે અને અગાઉની સરકારોએ ક્યારેય તેના તરફ ધ્યાન આપ્યું નહોતું. PMએ કહ્યું હતું કે, હું તામિલનાડુની સેવા કરવા અને તેનું ભાવિ બદલવા આવ્યો છું.

હરિત નૌકા પહેલ હેઠળ ભારતના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇનલેન્ડ વોટરવે વે જહાજ વિશે વાત કરતા PM મોદીએ તેને કાશી માટે તામિલનાડુના લોકોની ભેટ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, તેમણે કાશી તામિલ સંગમમાં તામિલનાડુનાં લોકોનાં ઉત્સાહ અને સ્નેહનાં સાક્ષી બન્યાં હતાં. PMએ વીઓ ચિદમ્બરનાર બંદરને દેશનું પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ બંદર બનાવવાનાં ઉદ્દેશ સાથે અન્ય વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇડ્રોજન ઉત્પાદન અને બંકરિંગ સુવિધાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, આજે દુનિયા જે વિકલ્પો શોધી રહી છે, તેના સંબંધમાં તામિલનાડુ લાંબી મજલ કાપશે.

નવા ભારતનાં સંપૂર્ણ સરકારી અભિગમનો ઉલ્લેખ કરીને PMએ કહ્યું હતું કે, તામિલનાડુમાં માર્ગમાર્ગો, રાજમાર્ગો અને જળમાર્ગોનાં વિભાગો શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને શ્રેષ્ઠ તકોનું સર્જન કરવા કામ કરી રહ્યાં છે. આથી રેલવે, રોડ અને મેરીટાઈમ પ્રોજેકટ મળીને શરૂ કરવામાં આવી રહ્યા છે. PMએ કહ્યું હતું કે, મલ્ટિ-મોડલ અભિગમથી રાજ્યનાં વિકાસને નવી ગતિ મળશે.

PMએ 'મન કી બાત'નાં એક એપિસોડ દરમિયાન દેશનાં PM દિવાદાંડીઓને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવાનાં પોતાનાં સૂચનોને યાદ કર્યા હતાં અને 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં 75 દિવાદાંડીઓમાં પ્રવાસન સુવિધાઓ સમર્પિત કરવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. PM મોદીએ કહ્યું કે, એક સાથે 75 સ્થળોએ વિકાસ, આ નવું ભારત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ 75 સ્થળો આગામી સમયમાં વિશાળ પર્યટન કેન્દ્રો બનશે.

કેન્દ્ર સરકારની પહેલોનો ઉલ્લેખ કરીને PMએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 10 વર્ષમાં તામિલનાડુમાં 1300 કિલોમીટરની લંબાઈ ધરાવતાં રેલવે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યાં છે. 2000 કિલોમીટરની રેલવે વીજળીકરણની કામગીરી, ફ્લાયઓવર અને અંડરપાસનું નિર્માણ અને અનેક રેલવે સ્ટેશનોનું અપગ્રેડેશન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 5 વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે, જે વિશ્વસ્તરીય પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે. ભારત સરકાર તામિલનાડુના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, કનેક્ટિવિટી સુધારવા માટે કેન્દ્ર સરકારનાં પ્રયાસોથી જીવનની સરળતામાં વધારો થઈ રહ્યો છે.

PMએ દાયકાઓથી ભારતનાં જળમાર્ગો અને દરિયાઈ ક્ષેત્ર સાથેની મોટી અપેક્ષાઓ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ ક્ષેત્રો આજે વિકસિત ભારતનો પાયો બની રહ્યાં છે અને સંપૂર્ણ દક્ષિણ ભારતની સાથે તામિલનાડુ પણ આનો સૌથી મોટો લાભ લે છે. PMએ તામિલનાડુમાં ત્રણ મુખ્ય બંદરો અને 12થી વધારે નાનાં બંદરો પર પ્રકાશ પાડ્યો હતો તથા દક્ષિણનાં તમામ રાજ્યો માટે સંભવિતતાઓ પર ભાર મૂક્યો હતો. PMએ કહ્યું હતું કે, દરિયાઈ ક્ષેત્રનો વિકાસ એટલે તામિલનાડુ જેવા રાજ્યનો વિકાસ. PMએ છેલ્લાં દાયકામાં વીઓ ચિદમ્બરનાર બંદર પર ટ્રાફિકમાં 35 ટકાની વૃદ્ધિ વિશે જાણકારી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે ગયા વર્ષે બંદરે 38 મિલિયન ટનનું સંચાલન કર્યું હતું, જેમાં વાર્ષિક 11 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. PM મોદીએ સાગરમાલા જેવા પ્રોજેક્ટ્સની ભૂમિકાને શ્રેય આપતા ઉમેર્યું હતું કે, દેશના અન્ય મોટા બંદરોમાં પણ આવા જ પરિણામો જોવા મળી શકે છે.

PMએ જણાવ્યું હતું કે, ભારત જળમાર્ગો અને દરિયાઈ ક્ષેત્રોમાં નવા વિક્રમોનું સર્જન કરી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે, લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ વધીને 38મો થયો છે અને બંદર ક્ષમતા એક દાયકામાં બમણી થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય જળમાર્ગોમાં આઠ ગણો વધારો થયો છે અને ક્રુઝના મુસાફરોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે જ્યારે નાવિકો બમણા થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રગતિથી તામિલનાડુ અને આપણાં યુવાનોને લાભ થશે. મને ખાતરી છે કે તામિલનાડુ વિકાસના પથ પર આગળ વધશે અને હું તમને ખાતરી આપું છું કે જ્યારે રાષ્ટ્ર અમને ત્રીજી વખત સેવા કરવાની તક આપશે ત્યારે હું નવા ઉત્સાહ સાથે તમારી સેવા કરીશ.

પોતાની હાલની મુલાકાત દરમિયાન તામિલનાડુનાં વિવિધ વિસ્તારોનાં લોકોનાં પ્રેમ, સ્નેહ, ઉત્સાહ અને આશીર્વાદ વિશે વાત કરતાં PMએ સરકારની કટિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ રાજ્યનાં વિકાસ સાથે લોકોનાં દરેક પ્રેમની બરોબરી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp