PM મોદીએ કહ્યું- આજનું ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે, 2047 સુધીમાં...
PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 'આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિષદનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા કરવા, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો તથા આંતરરાષ્ટ્રીય સહકાર અને કાનૂની મુદ્દાઓની સમજણને મજબૂત કરવાનો છે.
PMએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવનાનું પ્રતીક બની ગઈ છે. PMએ કોઈ પણ દેશના વિકાસમાં કાનૂની સમુદાયની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી ન્યાયતંત્ર અને બાર ભારતની ન્યાયિક વ્યવસ્થાના સંરક્ષક રહ્યા છે. PM મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં કાનૂની વ્યાવસાયિકોની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહાત્મા ગાંધી, બાબા સાહેબ આંબેડકર, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, લોકમાન્ય તિલક અને વીર સાવરકરનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, કાયદાકીય વ્યવસાયનાં અનુભવે સ્વતંત્ર ભારતનો પાયો મજબૂત કરવાનું કામ કર્યું છે અને આજની નિષ્પક્ષ ન્યાયિક વ્યવસ્થાએ ભારતમાં વિશ્વનો વિશ્વાસ વધારવામાં પણ મદદ કરી છે.
PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે દેશ કેટલાંક ઐતિહાસિક નિર્ણયોનો સાક્ષી બન્યો છે તથા તેમણે લોકસભા અને રાજ્યસભામાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાનું યાદ કર્યું હતું, જે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો અધિકાર આપે છે. PMએ કહ્યું હતું કે, નારી શક્તિ વંદન કાયદો ભારતમાં મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને નવી દિશા અને ઊર્જા પ્રદાન કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નવી દિલ્હીમાં તાજેતરમાં સંપન્ન થયેલી જી-20 સમિટમાં દુનિયાને ભારતની લોકશાહી, વસતિ અને મુત્સદ્દીગીરીની ઝલક જોવા મળી હતી. એક મહિના અગાઉ આજના જ દિવસે PMએ યાદ કર્યું હતું કે, ભારત દુનિયાનો પ્રથમ એવો દેશ બન્યો હતો કે, જેણે ચંદ્રયાન-3ને ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. આ સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજનું ભારત, જે આત્મવિશ્વાસથી ભરેલું છે, તે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત'નાં લક્ષ્યાંકને સાકાર કરવા કામ કરી રહ્યું છે. તેમણે વિકસિત રાષ્ટ્રના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતમાં કાનૂન વ્યવસ્થા માટે મજબૂત, સ્વતંત્ર અને નિષ્પક્ષ પાયા બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. PMએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023 અતિ સફળ સાબિત થશે અને દરેક દેશને અન્ય દેશોની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવાની તક મળશે.
PM મોદીએ આજની દુનિયાનાં ઊંડા જોડાણ વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે દુનિયામાં એવી ઘણી તાકાતો છે, જેને સરહદો અને અધિકારક્ષેત્રની કોઈ પરવા નથી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે જોખમો વૈશ્વિક હોય છે, ત્યારે તેમની સાથે વ્યવહાર કરવાની રીતો પણ વૈશ્વિક હોવી જોઈએ. તેમણે સાયબર આતંકવાદ, મની લોન્ડરિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દુરુપયોગની શક્યતાઓ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ પ્રકારનાં મુદ્દાઓ પર વૈશ્વિક માળખું તૈયાર કરવું એ માત્ર સરકારી બાબતોથી આગળ છે, પણ વિવિધ દેશોનાં કાયદાકીય માળખા વચ્ચે જોડાણની જરૂર છે.
વૈકલ્પિક વિવાદ સમાધાન પર બોલતા PMએ જણાવ્યું હતું કે, વાણિજ્યિક વ્યવહારોની જટિલતામાં વધારો થવાથી એડીઆરનું સમગ્ર વિશ્વમાં ચલણ વધ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં વિવાદ નિવારણની અનૌપચારિક પરંપરાને વ્યવસ્થિત કરવા માટે, ભારત સરકારે મધ્યસ્થી કાયદો બનાવ્યો છે. એ જ રીતે લોક અદાલતો પણ મોટી ભૂમિકા ભજવી રહી છે અને લોક અદાલતોએ છેલ્લા 6 વર્ષમાં 7 લાખ જેટલા કેસોનો ઉકેલ લાવી દીધો છે.
ન્યાય પ્રદાન કરવાનાં મહત્ત્વપૂર્ણ પાસા પર પ્રકાશ પાડતા PMએ ભાષા અને કાયદાની સરળતાનો ઉલ્લેખ કર્યો હતો. PMએ સરકારનાં અભિગમ વિશે જાણકારી આપી હતી અને કોઈ પણ કાયદાને બે ભાષામાં પ્રસ્તુત કરવા સંબંધિત ચાલી રહેલી ચર્ચા વિશે જાણકારી આપી હતી – એકમાં કાયદાકીય વ્યવસ્થા ટેવાયેલી છે અને બીજી સામાન્ય નાગરિકો માટે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકોને એવું લાગવું જોઈએ કે આ કાયદો તેમનો જ છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર સરળ ભાષામાં નવા કાયદાઓનો મુસદ્દો તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેમણે ડેટા સંરક્ષણ કાયદાનું ઉદાહરણ આપ્યું હતું. PMએ ભારતની સર્વોચ્ચ અદાલતને તેના ચુકાદાઓને 4 સ્થાનિક ભાષાઓ હિંદી, તમિલ, ગુજરાતી અને ઉડિયામાં અનુવાદિત કરવા માટેની વ્યવસ્થા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા ભારતની ન્યાયિક વ્યવસ્થામાં થયેલા મહાન પરિવર્તનને બિરદાવ્યું હતું.
અંતે PMએ ટેકનોલોજી, સુધારા અને નવી ન્યાયિક પ્રક્રિયાઓ મારફતે કાયદાકીય પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાના માર્ગો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તકનીકી પ્રગતિએ ન્યાયિક પ્રણાલી માટે નવા માર્ગો ખોલ્યા છે અને કાનૂની વ્યવસાય દ્વારા તકનીકી સુધારાઓનો લાભ લેવા હાકલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp