રાજસ્થાનમાં PMએ કહ્યું- કોંગ્રેસે અહીં યુવાનોને પેપર લીક માફિયાના હવાલે કરી દીધા

PC: twitter.com

PM નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જોધપુરમાં વિવિધ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા બાદ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સતત પ્રયાસોનાં પરિણામો આજની પરિયોજનાઓ સાથે જોઈ અને અનુભવી શકાય છે. તેમણે આ માટે રાજસ્થાનનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. PMએ કહ્યું હતું કે, રાજસ્થાન એક એવું રાજ્ય છે, જ્યાં દેશની વીરતા, સમૃદ્ધિ અને સંસ્કૃતિમાં પ્રાચીન ભારતનો મહિમા દેખાય છે. તેમણે તાજેતરમાં જોધપુરમાં એક ખૂબ જ વખાણાયેલી G20 મીટિંગને પણ યાદ કરી. તેમણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સનસિટી જોધપુરના આકર્ષણને રેખાંકિત કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રાજસ્થાન, જે ભારતના ભૂતકાળના ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે, તે ભારતના ભવિષ્યનું પણ પ્રતિનિધિત્વ કરે તે મહત્વનું છે. આવું ત્યારે જ થશે જ્યારે મેવાડથી મારવાડ સુધી સમગ્ર રાજસ્થાન વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે અને આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ અહીં થશે.

PM મોદીએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના પેપર લીક માફિયાએ અહિયાના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી દીધું. ચૂંટણી સમયે બેરોજગારી ભથ્થાનું વચન આપનારી કોંગ્રેસે અહિયાના યુવાનોને પેપર લીક માફિયાના હવાલે કરી દીધા. આવા માફિયાઓ સામે BJP કડક કાર્યવાહી કરશે.

તેમણે જણાવ્યું હતું કે, બિકાનેર અને બાડમેરમાંથી પસાર થતો જામનગર એક્સપ્રેસવે તથા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે રાજસ્થાનમાં હાઈટેક માળખાનું ઉદાહરણ છે. તેમણે માહિતી આપી હતી કે આ વર્ષે રાજસ્થાનમાં રેલવે માટે આશરે 9500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે અગાઉની સરકારોના સરેરાશ બજેટ કરતા 14 ગણું વધારે છે. PMએ ધ્યાન દોર્યું હતું કે, રાજસ્થાનમાં આઝાદીથી લઈને અત્યાર સુધી વર્ષ 2014 સુધીમાં આશરે 600 કિલોમીટરની રેલવે લાઇનોનું વિદ્યુતીકરણ થયું હતું, પણ વર્તમાન સરકારે છેલ્લાં 9 વર્ષમાં 3700 કિલોમીટરથી વધારે રેલવે લાઇનનું વિદ્યુતીકરણ કર્યું છે. PMએ કહ્યું હતું કે, હવે ડિઝલ એન્જિન ટ્રેનોને બદલે આ ટ્રેક પર ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવવામાં આવશે. તેમણે નોંધ્યું હતું કે, તેનાથી રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવામાં અને હવાને સ્વચ્છ રાખવામાં મદદ મળશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ PMએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં 80થી વધારે રેલવે સ્ટેશનોનો પુનઃવિકાસ થઈ રહ્યો છે. તેમણે દેશમાં એરપોર્ટના વિકાસની જેમ ગરીબો દ્વારા અવારનવાર આવતા રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જોધપુર રેલવે સ્ટેશનનાં પુનર્વિકાસ માટે શિલારોપણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો.

PMએ કહ્યું હતું કે, પ્રયાસ એ છે કે રાજસ્થાન શિક્ષણની સાથે-સાથે મેડિકલ અને એન્જિનીયરિંગનું પણ કેન્દ્ર બને. આ માટે જોધપુર એઈમ્સમાં 'ટ્રોમા, ઈમરજન્સી અને ક્રિટિકલ કેર'ની સુવિધા વિકસાવવામાં આવી રહી છે અને PM – આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (પીએમ-એએચઆઈએમ) હેઠળ સાત ક્રિટિકલ કેર બ્લોક સમગ્ર રાજસ્થાનમાં વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, એઇમ્સ જોધપુર અને આઇઆઇટી જોધપુરને માત્ર રાજસ્થાનની જ નહીં, પણ દેશની ટોચની સંસ્થાઓમાં સ્થાન ધરાવતી જોઈને મને ઘણો આનંદ થાય છે. PMએ કહ્યું હતું કે, એઈમ્સ અને આઈઆઈટી જોધપુરે સાથે મળીને મેડિકલ ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ પર કામ શરૂ કર્યું છે. રોબોટિક સર્જરી જેવી હાઈટેક મેડિકલ ટેકનોલોજી ભારતને રિસર્ચ અને ઈન્ડસ્ટ્રીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ અપાવશે. તેનાથી મેડિકલ ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે.

PMએ ગુરુ જંબેશ્વર અને બિશ્નોઈના સમુદાયો પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, રાજસ્થાન પ્રકૃતિ અને પર્યાવરણને ચાહતા લોકોની ભૂમિ છે. તેમણે ગુરુ જંબેશ્વર અને બિશ્નોઈના સમુદાયો પર પ્રકાશ પાડ્યો હતો, જેઓ સદીઓથી આ જીવનશૈલી જીવે છે અને દુનિયા અનુસરે છે. PMએ કહ્યું હતું કે, આ વારસાને આધારે ભારત અત્યારે સંપૂર્ણ દુનિયાને માર્ગદર્શન આપી રહ્યું છે. તેમણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સરકારના પ્રયાસો પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરીને અંતમાં કહ્યું કે, રાજસ્થાનનો વિકાસ થવાથી જ ભારતનો વિકાસ થશે. PM મોદીએ અંતમાં જણાવ્યું હતું કે, આપણે સાથે મળીને રાજસ્થાનનો વિકાસ કરવો પડશે અને તેને સમૃદ્ધ બનાવવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp