કેનેડાના પ્રધાનમંત્રીએ ભારત પર લગાવ્યો આરોપ, PM મોદીને લઈને જાણો શું કહ્યું
વર્તમાનમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધ તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે. ભારતે કેનેડાના 6 ડિપ્લોમેટ ને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પ્રતિક્રિયા આપી છે. કેનેડાના પ્રધાનમંત્રીએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. સાથે સાથે તેમને PM મોદી સાથે થયેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો.
જસ્ટિન ટ્રુડોએ એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન આરોપ લગાવતા કહ્યું કે ભારત સરકારના એજન્ટ કેનેડાની ધરતી પર કેનેડાના નાગરિકના વિરુદ્ધ ગુનાહિત પ્રવૃત્તિઓમાં શામિલ છે. ટ્રુડો કહ્યું કે ભારત આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી.
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે “અમે કેનેડાના કોઈપણ નાગરિકને ધમકાવવામાં કે હત્યામાં કોઈપણ દેશની સંડોવણીને ક્યારેય સહન કરશું નહીં. આ કેનેડાના સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.”
કેનેડાના પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે “ કેનેડા કાયદામાં વિશ્વાસ રાખનાર દેશ છે અને અમારા માટે અમારા નાગરીકોની સુરક્ષા સર્વોપરી છે. કેનેડામાં જેને લાગે છે કે તેમની સુરક્ષા સાથે ચેડા થઇ રહ્યા છે તેને સુરક્ષાનો વિશ્વાસ અપાવવો પ્રધાનમંત્રી તરીકે મારી જવાબદારી છે. આપણી કાનૂની એજન્સી અને ગુપ્તચર અધિકારીઓએ વિશ્વસનીય રીતે આરોપ લગાવ્યા હતા કે ભારત સરકારના એજેન્ટ કેનેડાની જમીન પર કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં શામિલ છે. જેના પર અમે તરત એક્શન લીધી હતી.”
જસ્ટિન ટ્રુડો અનુસાર રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) પાસે નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટની સંડોવણી હોવાના પાક્કા પુરાવા છે.
ટ્રુડોએ વધુમાં કહ્યું કે “RCMPના કમિશ્નર અગાવ કહી ચૂકયા હતા કે તેની પાસે પાક્કા પુરાવા છે કે ભારત સરકારના એજન્ટ આવી અનેક ગતિવિધિઓમાં શામિલ છે. જેમાં ગુપ્ત માહિતી ભેગી કરવાની તકનીકો, દક્ષિણ એશિયાના કેનેડિયન નાગરિકોને નિશાન બનાવવા અને ધાકધમકી સહીતના અનેક કેસોમાં સંડોવણી છે. જે લોકોની સુરક્ષા માટે ખતરો છે.”
જસ્ટિન ટ્રુડોના કહ્યા મુજબ “કેનેડાની પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓએ આ મામલે ભારત સરકાર સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વારંવાર તેમ કરવાનો ભારતે ઇનકાર કર્યો હતો. કેનેડાના અધિકારીઓએ ભારતીય અધિકારીઓ સાથે મુલાકત કરી અને તેને RCMP દ્વારા એકેઠા કરેલ પુરાવા શેર કર્યા. તેમ છતાં ભારત સરકાર તરફથી અમને સહયોગ મળ્યો નહીં.
પ્રધાનમંત્રી મોદી સાથે કરી હતી વાત
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે “મેં સીધી PM મોદી સાથે વાત કરી હતી. પરંતુ ગયા વર્ષે હાઉસ ઓફ કોમન્સમાં મેં આપેલી પ્રતિક્રિયા થી લઇ અત્યાર સુધી ભારતની પ્રતિક્રિયા તેને નકારવાની અને ખોટી સાબિત કરવાની રહી છે. ત્યાં સુધી કે મારા પર પર્સનલ એટેક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેનેડાની સરકાર, અધિકારીઓ અને એજન્સીઓ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે”
ભારત અને કેનેડાના સંબંધ પર શું કહ્યું
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે “કેનેડા અને ભારત વચ્ચેના સંબંધો અને વ્યાપારનો એક લાંબો ઈતિહાસ રહ્યો છે, પણ અત્યારે જે કઈ થઇ રહ્યું છે તેને અમે સહન કરી શકીએ તેમ નથી. અમે ભારતના સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. સાથે અમે ઉમ્મીદ રાખીએ છીએ કે ભારત પણ આવું કરે.”
તમને જણાવી દઈએ કે ભારત સરકારે નવી દિલ્હીમાં કેનેડાના હાઈ-કમિશ્નર સહીત 6 ડિપ્લોમેટને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. ભારતે કેનેડાના ડિપ્લોમેટને 19 ઓક્ટોબરની રાત્રીના 11:59 વાગ્યા સુધીમાં ભારત છોડી દેવાનું કહ્યું છે. આ સમાચાર સામે આવ્યા તે પહેલા જ ભારતે તેના હાઈ કમિશ્નર સહીતઆ ઘણા ડિપ્લોમેટને કેનેડાથી ભારત પરત બોલાવી લેવાનો નિર્ણય કર્યો હતો.
તમને જણાવી દઈએ કે 13 ઓક્ટોબરે કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય હાઈકમિશ્નર અને અન્ય ડિપ્લોમેટની આંતકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણી છે. ત્યારબાદ ભારત સરકારે જસ્ટિન ટ્રુડો અને તેની સરકારની સખત ટીકા કરી હતી. અને ટ્રુડો સરકાર પર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp