ટિકિટ કપાતા રમેશ બિઘૂડીનું દર્દ છલકાયુ,કહ્યુ-કોઈ બહારથી પાર્ટીમાં આવે ત્યારે...

PC: twitter.com/rameshbidhuri

લોકસભા 2024ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના 195 ઉમેદવારોની પહેલી યાદી શનિવારે મોડી સાંજે જાહેર કરી દીધી હતી. જેમાં દક્ષિણ દિલ્હીની સીટ પર ભાજપે રમેશ બિધૂડીની જગ્યા પર રામવીર બિધૂડીને ટિકીટ આપી દીધી છે, મતલબ કે રમેશ બિધૂડીનું પત્તુ કપાઇ ગયું છે. હવે પોતાની ટિકીટ કપાઇ જવા પર સાસંદનું દર્દ છલકાયું છે.

લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ તેમાં અનેક નેતાઓને ઝટકા લાગ્યા છે. એમાંથી એક રમેશ બિધૂડી છે.તેઓ દક્ષિણ દિલ્હીથી લોકસભા સાંસદ છે અને આગામી લોકસભામાં તેમની ટિકીટ કપાઇ ગઇ છે. ભાજપે દક્ષિણ દિલ્હીની સીટ પરથી રમેશ બિધૂડીના ગામના જ રામવીર બિધૂડીને ટિકીટ આપી દીધી છે. હવે રમેશ બિધૂડીએ પોતાને ભાજપના ફેમિલી મેમ્બર તરીકે બતાવ્યા છે અને રામવીરને મહેમાન કહ્યા છે.

રવિવારે રમેશ બિધૂડીએ મીડિયા સાથેની વાતચીતમા કહ્યું કે, ભાજપ એક મોટી પાર્ટી છે. પરિવારોની પાર્ટી નથી. અમે વિચારો માટે લડવા વાળા લોકો છીએ. અમે ભાજપના કાર્યકતા છીએ.જ્યારે કોઈ બહારથી પાર્ટીમાં આવે છે ત્યારે તેઓ મહેમાન જેવા હોય છે. જ્યારે કોઈ મહેમાન ઘરમાં આવે છે, ત્યારે તેના માટે નવી સ્વચ્છ ચાદર પાથરવામાં આવે છે.પરિવારના સભ્યો જૂની ચાદર પર સૂઈ રહ્યા છે. આજે એક મહેમાન આવ્યા છે.

રમેશ બિધૂડીએ આગળ કહ્યુ કે, પરિવારના સભ્યોએ મજબૂત દીલ રાખીને માન સન્માનને ધ્યાનમાં રાખવું પડે છે.અમે તો ઘરના લોકો છીએ.ઘરનું સન્માન જાળવવાનું છે. ઘરનો વિચાર આગળ લઈ જવાનો છે. તે માટે કામ કરવું પડશે. અમે તેના માટે કામ કરતા લોકો છીએ.

દક્ષિણ દિલ્હીની બેઠક પરથી રમેશ બિધૂડીની ટિકીટ કેમ કાપી નાંખવામાં આવી એવા એક સવાલના જવાબમાં રામવીર બિધૂડીએ કહ્યું કે, ભાજપની નેતાગીરી મનોમંથન કરીને જે નિર્ણય લે છે તેનો પાર્ટીના બધા કાર્યકરો સન્માન કરે છે. રમેશ બિધૂડીએ 3 વખત લોકસભા લડી છે. અમે હમેંશા તેમની સાથે ઉભા રહ્યા હતા. અમે બંને એક જ ગામમાંથી આવીએ છીએ. મારું ઘર તેમના ઘરથી માત્ર 50 મીટર દુર છે. મારી તેમની સાથે ફોન પર વાત થઇ છે. તેમણે મને ભરપૂર સહયોગ આપવાની ખાત્રી આપી છે.

રમેશ બિધૂડી થોડા સમય પહેલા પોતાના વિવાદીત નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર 2023ના દિવસે રમેશ બિધૂડીએ લોકસભામાં બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીની વિરુદ્ધમાં સાંપ્રદાયિક નિવેદન આપ્યું હતું. રમેશ બિધૂડીએ એવા શરમજનક અપશબ્દો લોકસભામાં કહ્યા હતા કે, જે લખી પણ ન શકાય. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો પછી વિપક્ષોએ રમેશ બિધૂડી પાસે માફીની માંગ કરી હતી. આ મામલે રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં માફી માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp