મધ્ય પ્રદેશમાં રેકોર્ડ બ્રેકિંગ મતદાનથી કોને ફાયદો થશે? ભાજપ કે કોંગ્રેસને?

PC: naidunia.com

મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભાની 230 બેઠકો માટે મતદાન થયું હતું. શુક્રવારે મોડી રાત સુધી લોકો મત આપવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતા. ચૂંટણી પંચના કહેવા મુજબ કુલ 76.2 ટકા મતદાન થયું હતું જે અત્યાર સુધીનો વધારે મતદાનનો રેકોર્ડ છે.

મધ્ય પ્રદેશમાં 2018માં 75.63 ટકા, 2013માં 72.13 ટકા મતદાન થયું હતું. 2023માં રેકોર્ડ બ્રેક મતદાનને કારણે બધી પાર્ટીઓના શ્વાસ અધ્ધર થઇ ગયા છે.

બાલાઘાટ જિલ્લાના સોનેવાની મતદાન કેન્દ્રમાં સૌથી ઓછા મતદારો છે. અહીં માત્ર 42 મતદારો છે અને 100 ટકા મતદાન થયું હતું. બાલાઘાટને નક્સલી વિસ્તાર માનવામાં આવે છે અહીં બપોરે 3 વાગ્યા સુધીમાં જ મતદાન પતાવી દેવાયું હતું.

પ્રથમ વખત મહિલા મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, કુલ 2.72 કરોડ મહિલા મતદારોમાંથી 1.93 કરોડએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

2020માં બળવો કરનાર કોંગ્રેસના 22માંથી 14 ધારાસભ્યોની સીટ પર આ વખતે ગત વખત કરતા વધુ વોટ પડ્યા હતા. જેમાં અનેક મંત્રીઓની બેઠકો પણ સામેલ છે. આ તમામ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ગયા હતા.

હવે 5 પોઇન્ટમાં એ સમજીએ કે વધારે મતદાનની શું અસર પડી શકે.

-આ વખતે મધ્યપ્રદેશમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે. 2018માં 52 વિધાનસભા બેઠકો પર મહિલાઓએ પુરુષો કરતાં વધુ મતદાન કર્યું હતું. નિષ્ણાતો કહે છે કે આ વખતે આ આંકડો 100ને પાર કરી શકે છે.આવી સ્થિતિમાં, જ્યાં નજીક અથવા ત્રિકોણીય હરીફાઈ છે તે બેઠકો પર મહિલાઓના મત ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહિલા સશક્તિકરણ માટે ભાજપ દ્વારા લાડલી બહેના યોજના ચલાવવામાં આવી રહી છે. કોંગ્રેસે આ યોજનાનો સામનો કરવા માટે નારી શક્તિ યોજના શરૂ કરવાની વાત કરી હતી.

સામાન્ય રીતે, જ્યારે કોઈપણ ચૂંટણીમાં મતદાનમાં વધારો થાય છે, ત્યારે તેને સત્તા વિરોધી લહેર સાથે જોડવામાં આવે છે. મધ્યપ્રદેશના સંદર્ભમાં પણ કોંગ્રેસ આને પોતાનો આધાર બનાવી રહી છે.

આ વખતે ચૂંટણીમાં સ્થાનિક સ્તરના સમીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેક બેઠકનું પોતાનું સમીકરણ હોય છે

-અગાઉની સરખામણીમાં આ વખતે વોટિંગ પેટર્નમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. મતદાન સમયે લોકો સ્થાનિક ઉમેદવારો પર વધુ જોતા હતા. ઘણી બેઠકો પર અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો પણ ખૂબ મજબૂત છે. જાણકારોના કહેવા મુજબ જીત-હારનું માર્જિન ખુબ પાતળું જોવા મળી શકે છે.

- ગ્રામીણ બેઠકોની સરખામણીએ શહેરી બેઠકો પર મતદાન ઓછું થયું છે. ઇંદોર અને ભોપાલની અનેક બેઠકો પર 70 ટકા કરતા ઓછું મતદાન નોંધાયું છે.જાણકારોના કહેવા મુજબ જે ઉલટફેર થશે તે ગામડાઓની બેઠકોમાંથી જ થશે.-સમાજવાદી પાર્ટી અને બસપાને મળેલા વોટ પણ પરિણામને પ્રભાવિત કરશે.

- આ વર્ષે કર્ણાટકમાં ચૂંટણી યોજાઈ હતી, જ્યાં 73.19 ટકા મતદાન થયું હતું. જે 2018ની સરખામણીમાં એક ટકા વધુ હતું. વોટ વધવાને કારણે કોંગ્રેસને ફાયદો થયો અને પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળ રહી. ગુજરાતની ચૂંટણીમાં મતદાનમાં ઘટાડો થયો હતો ત્યારે સત્તાધારી પક્ષને મોટો ફાયદો થયો હતો. ગુજરાતમાં આ વખતે 64.25 ટકા મતદાન થયું હતું, જે ગત વખત કરતાં લગભગ 3 ટકા ઓછું હતું.

મતદાનની ટકાવારીમાં ઘટાડાનો સીધો ફાયદો સત્તાધારી ભાજપને થયો હતો. પાર્ટીએ ગુજરાતમાં રેકોર્ડ સંખ્યામાં બેઠકો જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp