MPમાં ભાજપની 5મી યાદી પછી બબાલ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ધક્કે ચઢાવાયા

PC: facebook.com/bhupenderyadavbjp

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે તેની પાંચમી યાદી જાહેર કરી હતી, જેમાં 92 ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.યાદી જાહેર થયા બાદ ભાજપનો આંતરિક ઝઘડો પણ સામે આવ્યો છે. જબલપુર ઉત્તર મધ્ય વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે અભિલાષ પાંડેનું નામ જાહેર થતા ગુસ્સે ભરાયેલા કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જબલપુરના રાનીતાલમાં આવેલા વિભાગીય કાર્યાલય પર સેંકડો કાર્યકરોએ પહોંચીને ભારે બબાલ મચાવી મુકી હતી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ધક્કે ચઢાવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ મંત્રી ભૂપેન્દ્ર યાદવના સિક્યોરિટી સાથે પણ કાર્યકરોની માથાકૂટ થઇ હતી. કાર્યકરોએ જબરદસ્ત નારેબાજી કરી હતી.

ભાજપના કાર્યકર્તાઓએ કેન્દ્રીય મંત્રી અને રાજ્યના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવની સામે સૂત્રોચ્ચાર કર્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માના રાજીનામાની માંગ કરી હોલમાં જ ધરણાં પર બેસી ગયા હતા.આ પછી કાર્યકરો લાંબા સમય સુધી સૂત્રોચ્ચાર કરતા રહ્યા. આગેવાનોએ ગુસ્સે થયેલા કાર્યકરોને શાંત પાડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર ન હતા.

 આ બબાલ એટલા માટે થઇ કારણકે ભાજપે જબલપુરના ઉત્તર મધ્ય વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા યુવા મોર્ચાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અભિલાષ પાંડેને ઉમેદવાર જાહેર કર્યો હતા.

ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે જે નેતાઓ ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે તેમને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. કાર્યકરોએ કહ્યુ કે અભિલાષ પાંડે પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના રહેવાસી છે, પરંતુ ભાજપે તેમને ઉત્તર મધ્યમાંથી ટિકિટ આપી છે, જ્યારે ધીરજ પટેરિયા અહીંથી સતત પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે. પરંતુ, પાર્ટીએ તેમની અવગણના કરી છે.આ હંગામાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઉમેદવારની પસંદગીથી નારાજ થયેલા કાર્યકરો એટલા ગુસ્સે થયા કે તેમમે કેન્દ્રીય મંત્રી અને રાજ્યના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ઘેરી લીધા અને તેમની સામે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. હંગામો મચાવતા ભાજપના કાર્યકરોએ તેમને ધક્કે ચઢાવ્યા હતા. આ દરમિયાન મંત્રીના ગાર્ડે કાર્યકરોને હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ સ્થિતિ વધુ કાબૂ બહાર થઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલા કાર્યકરોએ ગાર્ડ સાથે મારપીટ પણ શરૂ કરી દીધી હતી.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો ઉત્સાહ વધી રહ્યો છે. આ ક્રમમાં ભાજપે આજે 92 ઉમેદવારોની 5મી યાદી બહાર પાડી છે. ભાજપે કુલ 230માંથી 228 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાંચમી યાદીમાં 3 મંત્રીઓ અને 29 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ઈન્દોર-3ના વર્તમાન ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનું નામ પણ સામેલ છે. સાથે જ શિવપુરીથી મધ્યપ્રદેશના રમતગમત મંત્રી અને જ્યોતિરાદિત્ય સિંધિયાની ફોઇ યશોધરા રાજે સિંધિયાની ટિકિટ પણ કાપવમાં આવી છે.

5મી યાદીમાં 12 મહિલા ઉમેદવારોના નામ સામેલ છે, જેમાં ગ્વાલિયર ઈસ્ટથી પૂર્વ રાજ્ય મંત્રી માયા સિંહ અને બુરહાનપુર વિધાનસભા સીટથી અર્ચના ચિટનિસનો સમાવેશ થાય છે. જ્યારે આઉટગોઇંગ મંત્રી ઉષા ઠાકુરને ફરી મહુ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp