INDIA ગઠબંધનમાં અચાનક એ નેતા આવી ગયા કે કોંગ્રેસ નારાજ, પણ રાહુલ કહે- વાંધો નથી

PC: facebook.com/IndianNationalCongress

મુંબઇમાં વિપક્ષી પાર્ટીના INDIA ગઠબંધનની બેઠકનો શુક્રવારે બીજા દિવસ છે. આ બેઠકમાં રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલની અનપેક્ષિત એન્ટ્રીથી રંગમાં ભંગ પડ્યો હતો અને કોંગ્રેસ નેતાઓ નારાજ થયા હતા.કપિલ સિબ્બલ આ બેઠકમાં સત્તાવાર આમંત્રિત સભ્ય નહોતા. પરંતુ તેમની હાજરીથી કોંગ્રેસ નેતાઓ અસહજ થઇ ગયા હતા. ફોટોસેશનમાં સિબ્બલની હાજરીથી કોંગ્રેસ નેતાઓના ભવા વંકાય હતા.

કોંગ્રેસ નેતા કે. સી. વેણુગોપાલે ફોટો સેશન પહેલા કપિલ સિબ્બલની અચાનક મુલાકાત સામે ઉદ્ધવ ઠાકરેને ફરિયાદ કરી દીધી હતી. જો કે ફારૂક અબ્દુલ્લા અને અખિલેશ યાદવે વેણુગોપાલને મનાવવાની કોશિશ કરી હતી. રાહુલ ગાંધીએ પણ કહ્યુ કે સિબ્બલની હાજરીથી તેમને કોઇ વાંધો નથી. આખરે કપિલ સિબ્બલને પણ ફોટો સેશનમાં સામેલ કરાયા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

વર્ષ 2022ના મે મહિનામાં કપિલ સિબ્બલ કોંગ્રેસ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. કપિલ સિબ્બલની ગણના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં થતી હતી. UPA સરકાર દરમિયાન સિબ્બલ કેન્દ્રીય કાયદા મંત્રીથી માનવ સંશાધન વિકાસ મંત્રી સુધી રહ્યા હતા. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કપિલ સિબ્બલ કોંગ્રેસ નેતાગીરીથી નારાજ હતા.

કપિલ સિબ્બલની કોંગ્રેસના એ નેતાઓમાં ગણના થતી હતી જે સૌથી વધારે ફંડ મેળવી આપતા હતા. સિબ્બલ પંજાબી બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને દિલ્હીના રાજકારણમાં તેમનો મહત્ત્વનો રોલ માનવામાં આવે છે.રાજ્યસભામાં નામાંકન પછી કપિલ સિબ્બલે કહ્યું હતું કે હું કોંગ્રેસનો નેતા હતો, પરંતુ હવે નથી.

મુંબઇમાં પહેલા દિવસની બેઠકમાં નક્કી થયું કે કોઓર્ડિનેશન કમિટી બે સ્તર પર બનાવવામાં આવશે. પહેલી સેન્ટ્રલ અને બીજી સ્ટેટ લેવલ પર. આગળની મહત્ત્વની રણનીતિ માટે બંને મળીને કામ કરશે.

ગુરુવારે ચર્ચા દરમિયાન નિર્ણય લેવાયો કે કોઓર્ડિનેશન કમિટિમાં ઓછાં ઓછા 4 ગ્રુપ સામેલ થશે, જેમાં એક ગઠબંધનના સંયુક્ત કાર્યક્રમની યોજના બનાવવા માટે, બીજું યોજના તૈયાર કરવા, ત્રીજું સોશિયલ મીડિયા સંભાળવા અને ચોથું ગ્રુપ ડેટા રિસર્ચ અને ડેટા એનાલિસિસમાં સામેલ હશે.

આ ઉપરાંત સંયુક્ત અભિયાન અને રેલીઓની રૂપરેખા તૈયાર કરવા માટે સબ કમિટીની પણ રચના કરવામાં આવશે. શુક્રવારે ગઠબંધનના સંયોજક બનાવવા માટે પણ ચર્ચા થઇ શકે છે.

બેઠકમાં બધી પાર્ટીઓ પાસે તેમના નેતાઓના નામ માંગવામાં આવ્યા હતા, જેમને તેઓ કોઓર્ડિનેશન કમિટીમાં સામેલ કરવા માંગતા હોય.

INDIA ગઠબંધન ગ્રુપનું માનવું છે કે ભાજપ અત્યારે ગભરાયેલી છે, એટલે ઝડપથી કોઓર્ડિનેશન કમિટી અને અન્ય ગ્રુપ બનાવવાની જરૂરત છે. મીટિંગમાં નક્કી થયું કે કમિટી પછી વિપક્ષી ગઠબંધન સીટની વહેંચી પર ચર્ચા માટે આગળ વધી શકે છે.

INDIA ગઠબંધનની બેઠકમાં એ પણ ચર્ચા થઇ તે જો નિર્ણય જલ્દી નહીં લેવાશે તો, ભાજપ ગઠબંધનમાં વિક્ષેપ ઉભો કરવાની કોશિશ કરશે.

આ બેઠકમાં જલ્દી ચૂંટણીની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઇ હતી.ગઠબંધનનું માનવું છે કે ભાજપ જલ્દી ચૂંટણી લાવી શકે છે, એવામાં સમયની બરબાદી ન કરવી જોઇએ.

બેઠકમાં નક્કી થયુ કે રાજકિય મતભેદોને જુદા રાખવામાં આવે અને એજન્ડામાં સામાન્ય લોકોની સમસ્યા સાથે જોડાયેલા મુદ્દા હોવો જોઇએ.

INDIA ગઠબંધનના નેતાઓ નક્કી કર્યું કે આગળની રણનીતિ ઝડપથી તૈયાર કરવામાં આવે.

સંસદના વિશેષ સત્ર બોલાવવા પર બેઠકમાં આજે ચર્ચા કરવામાં આવશે.આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યુ કે વિપક્ષે NDAની આશ્ચર્યજનક રણનીતિ અને ચાલ સામે બધી આકસ્મિક યોજનાઓ માટે તૈયાર રહેવું પડશે.

બેઠક પછી ઉદ્ધવ ઠાકરેએ બધા નેતાઓ માટે ડિનરની વ્યવસ્થા ગોઠવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp