ક્ષત્રિય સમાજની ચીમકી અંગે જુઓ સી.આર.પાટીલે શું કહ્યું

PC: twitter.com

પરષોત્તમ રૂપાલાનો વિવાદ તો દિવસે ને દિવસે વધી રહ્યો છે. રવિવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બધાની એક જ માગ હતી કે રૂપાલાની ટિકિટ પાછી લઈ લેવામાં આવે. આ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. CM ભૂપેન્દ્ર પટેલ, હું, હર્ષ સંઘવી સહિત અમે બધા ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છીએ. આગેવાનો સાથે અમારી વાત ચાલી રહી છે. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે. આ મામલે અમે ખૂબ ગંભીર છીએ.’

રમજુભા જાડેજા કહે- અમે રૂપાલાની માફી ફગાવીએ છીએ, ભાજપે ભૂતકાળમાં...

પરષોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં યોજાયેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં કરણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ મકરાણા પણ આવ્યા હતા. તેમણે જનમેદનીને જોતા કહ્યું હતું કે, આ તો હજુ નજારો છે, પિક્ચર હજુ બાકી છે. ક્ષત્રિય સમાજની કોર કમિટીના સભ્ય રમજુભા જાડેજાએ કહ્યું હતું કે, રાજકોટ સહિત ગુજરાતની 26 બેઠક પર 7 મેના રોજ ચૂંટણી થવાની છે. 2014 અને 2019મા ભાજપે ગુજરાતની તમામ સીટ જીતી હતી. રાજકોટ સીટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ અમારી દીકરી-બહેનોનું અપમાન કર્યું છે. ત્યાર બાદ તેમણે માફી માગવાનો સ્વાંગ રચ્યો, પરંતુ અમે તેમની માફીને ફગાવીએ છીએ. અમે રૂપાલા સામે વિરોધ ચાલુ રાખીશું. ભાજપે તેમની ઉમેદવારી પાછી લેવી પડશે.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે ભૂતકાળમાં ભાજપના નેતાઓએ ભૂલ કરી છે તો ભાજપ નેતૃત્વએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેમાં પૂર્વ પ્રવકતા નૂપુર શર્મા પણ શામેલ છે. આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ આંદોલન ઉગ્ર બનાવશે.

ફરી લક્ષ્મીબાઇ અને મહારાણા પેદા થાય: તૃપ્તિબાનો હુંકાર

ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતાના મહિલા અધ્યક્ષ અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ તૃપ્તિબા રાઓલે રાજકોટના રતનપરમાં યોજાયેલા વિશાળ ક્ષત્રિય સંમેલનને સંબોધતા કહ્યું હતું કે ક્યાં સુધી આપણે આપણા સંતોનાને રાણી લક્ષ્મી બાઇ, જીજીબાઇ, શિવાજી મહારાજ કે રાણાની વાતો કરતા રહીશું? તૃપ્તિબાએ કહ્યુ કે, મારી અને તમારી અંદર કોઇ રાણા ઉભા થાય, લક્ષ્મી બાઇ ઉભા થાય અને આજે સમય છે આપણા ગૌરવવંતા ઇતિહાસની રક્ષા કરવાનો. તેમણે સાથે એમ પણ કહ્યુ કે, મેં ભી મોદી કા પરિવાર કહેવામાં આવે છે તો હિંદુ દીકરીઓ પર ટીપ્પણી થઇ છે તો PM મોદી શું જવાબ આપશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp