PM મોદીના શપથ ગ્રહણ પહેલા NCPમા ડખા, બે નેતાને બનવું છે મંત્રી પણ જગ્યા એક જ...

PC: x.com/AjitPawarSpeaks

PM નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં મંત્રી પદને લઈને વિવાદ ઉભો થયો છે. DyCM અજિત પવારની આગેવાની હેઠળની NCPને મંત્રી પદ મળ્યું છે પરંતુ પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે બંનેએ તેના માટે દાવો કર્યો છે. આવી સ્થિતિમાં અજિત પવાર મૂંઝવણનો સામનો કરી રહ્યા છે કે, આ વિવાદનું સમાધાન કેવી રીતે કરવું? આ જ કારણ હતું કે, જ્યારે PM નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માર્ગ પરના તેમના નિવાસસ્થાને સંભવિત મંત્રીઓ સાથે બેઠક યોજી હતી, ત્યારે NCP તરફથી કોઈ હાજર નહોતું. સુનિલ તટકરે રાયગઢ લોકસભા બેઠક પરથી જીત્યા છે, જ્યારે પ્રફુલ પટેલ રાજ્યસભાના સભ્ય છે.

મહારાષ્ટ્રમાંથી નીતિન ગડકરી-BJP, પીયૂષ ગોયલ-BJP, રક્ષા ખડસે-BJP, મુરલીધર મોહાલી-BJP, પ્રતાપ રાવ જાધવ-શિવસેના (શિંદે), રામદાસ આઠવલે-RP(A) મંત્રી બની રહ્યા છે.

સૂત્રોનું માનીએ તો, મની લોન્ડરિંગ કેસને કારણે NCP નેતા પ્રફુલ પટેલને NDA સરકારમાં મંત્રી બનાવવા BJP ઇચ્છુક નથી. સુનીલ તટકરે NCPના એકમાત્ર લોકસભા સાંસદ છે. જેને મંત્રી પદ આપી શકાય એમ છે, પરંતુ દિલ્હીમાં તેમની પાર્ટીના નેતાએ તેમનું નામ અટકાવી દીધું છે. આની પાછળ પ્રફુલ્લ પટેલનો હાથ હોવાનું કહેવાય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર મામલે DyCM અજિત પવારે નિર્ણય લેવો પડશે. પ્રફુલ પટેલ અને સુનિલ તટકરે લોકસભા ચૂંટણીના પરિણામો પછી NDAની પ્રથમ બેઠકમાં હાજરી આપી હતી. તેની તસવીરો પણ સામે આવી હતી. બંને નેતાઓએ PM મોદી સાથે ચર્ચા પણ કરી હતી. આ પછી જ્યારે સેન્ટ્રલ હોલમાં સંસદીય દળની બેઠક મળી હતી. ત્યારપછી DyCM અજિત પવાર પોતે ત્યાં પહોંચ્યા હતા. NCPને કેબિનેટમાં એક મંત્રી પદ મળ્યું હતું, પરંતુ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને લઈને પાર્ટીમાં ચાલી રહેલા વિવાદને કારણે કોઈને સ્થાન મળ્યું નથી.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, જો NCPમાંથી કોઈને NDA કેબિનેટમાં સામેલ કરવામાં નહીં આવે તો, DyCM અજિત પવારની આગેવાની હેઠળની NCP માટે તે મોટો ફટકો હશે. આનાથી NCP કેડરનું મનોબળ વધુ ઘટી જશે, જે લોકસભા ચૂંટણીના પરિણામો પછી પહેલેથી જ ભારે આઘાતમાં છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે, જો મહાયુતિ વધુ સારું પ્રદર્શન કરવા માંગતી હોય તો NCPનો સમાવેશ કરવો જરૂરી છે. NCP નેતાઓએ આ મામલે DyCM દેવેન્દ્ર ફડણવીસની સાથે પણ વાત કરી છે. DyCM અજિત પવારની આગેવાની હેઠળની NCPએ રાજ્યમાં 4 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાં માત્ર એક સીટ જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp