મોંઘવારીને લઈને શિવસેનાનો વ્યંગ, અચ્છે દિન છોડો, જૂના ઠીક દિવસો જ પાછા લાવી આપો

PC: dnaindia.com

શિવસેનાના મુખપત્ર સામનામાં ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સાધવામાં આવ્યો છે. આ વખતે મોંઘવારીને લઈને કેન્દ્ર સરકારની નિંદા કરવામાં આવી છે. સામનામાં કહેવામાં આવ્યું છે કે, મોંઘવારીનો વિસ્ફોટ પહેલાથી જ છે. જોકે, હવે તેની જ્વાળાઓ કંઈક વધારે પડતી જ ભડકી ઉઠી છે. ફુગાવાનો દર ગત 5 વર્ષોની ટોચ પર છે.

એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે, રિઝર્વ બેંકને અપેક્ષા હતી કે, મોંઘવારીનો દર 4 ટકાની આસપાસ રહેશે. પરંતુ હકીકતમાં આ દર 7.35 ટકા પર પહોંચી ગયો છે. મતલબ એ કે, મોંઘવારી અંદાજ કરતા લગભગ બે ગણી થઈ ગઈ છે. એક તરફ આર્થિક વિકાસનો દર નીચે ચાલ્યો ગયો, તો બીજી તરફ મોંઘવારીનો નિર્દેશાંક આસમાને પહોંચી ગયો છે.

સામનામાં લખવામાં આવ્યું છે, 2014 અને 2019માં પણ તેમની પૂર્ણ બહુમતની સરકાર બની, પરંતુ આર્થિક વિકાસનો દર નીચે જ જઈ રહ્યો છે અને મોંઘવારી વધી રહી છે. શાકભાજીથી લઈને ખાદ્યાન્ન સુધી અને જીવન માટે જરૂરી વસ્તુઓથી લઈને સોના-ચાંદી સુધી બધું જ મોંઘું થઈ રહ્યું છે.

અર્થવ્યવસ્થા તૂટવાથી ઉદ્યોગ-વ્યવસાય પર મંદીની છાયા છે. જનતાની ખર્ચ કરવાની શક્તિ ઘટવાના કારણે બજારમાં મંદી આવી છે. જેને કારણે બેરોજગારી વધી રહી છે. એક રિપોર્ટ અનુસાર, ગત વર્ષોની સરખામણીમાં વર્તમાન આર્થિક વર્ષમાં રોજગાર નિર્માણના ક્ષેત્રમાં 16 લાખ નોકરીઓ પર તલવાર લટકશે. મતલબ અપેક્ષા કરતા 16 લાખ ઓછું રોજગાર નિર્માણ થશે.

સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરતા કહ્યું, દેશની અશાંતિ કે અસ્થિરતા હોય, અર્થવ્યવસ્થાનું પડી ભાંગવું કે મોંઘવારી અને બેરોજગારીનો મામલો હોય. તેમણે આ મુદ્દાઓ પર મૌન ધારણ કર્યું છે. જે લોકો તેની વિરુદ્ધ બોલે છે, તેમને ભક્ત લોકો દેશ વિરોધી ગણાવવાનું કામ કરે છે.

2014ની લોકસભા ચૂંટણીમાં મોંઘવારી ડાયન ખાયે જાત હૈનો પ્રચાર કરીને જેમણે સત્તા હાંસલ કરી, તેમના રાજમાં આ જ મોંઘવારી ડાયન ફરીથી સામાન્ય લોકોની ગર્દન પર બેસી ગઈ છે. અચ્છે દિન જ્યારે આવશે ત્યારે આવશે, પરંતુ આ મોંઘવારીને જોતા સામાન્ય જનતાના જીવનમાં પહેલા જે ઠીકઠાક દિવસો હતા, એ જ લઈ આવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp