સોનમ કિન્નરે રાજ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું, કહ્યું- અધિકારીઓ...
ઉત્તર પ્રદેશમાં રાજકીય તોફાન અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. યોગી આદિત્ય નાથ અને કેશવપ્રસાદ મોર્ય વચ્ચે તલવાર ખેંચાયેલી છે અને UPના પડઘા છેક દિલ્હી સુધી પડેલા છે એવા સમયે શુક્રવારે રાજ્ય મંત્રી સોનમ કિન્નરે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાના અહેવાલોએ રાજકારણમાં ભડકો થયો છે, જો કે તેમનું રાજીનામું હજુ સુધી સરકારે સ્વીકાર્યું નથી. સોનમ કિન્નર રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તે કદાચ રાજીનામું આપી શકે છે. સોનમ કિન્નર સમાજવાદી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા.
સોનમ કિન્નરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી કોઈ નથી લઈ રહ્યું, તેથી હું તેની જવાબદારી લઉં છું. તેમણે કહ્યું કે હવે તે સરકારમાં નહીં પણ સંગઠનમાં કામ કરશે.સંગઠન સરકાર કરતા મોટું છે. આજ વાત થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ કરી હતી કે સરકાર કરતા સંગઠન મોટું છે અને ત્યારથી રાજકારણમાં ગરમાટો આવેલો છે. સોનમ કિન્નરે આરોપ લગાવ્યો કે સરકારમાં અધિકારીઓ કાર્યકરોની વાત સાંભળતા નથી.
સોનમ કિન્નર હંમેશા નોકરશાહી વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે.એ વાત જાણીતી છે કે સોનમ કિન્નર શરૂઆતથી જ યોગી સરકારના બુલડોઝર એક્શન સામે અવાજ ઉઠાવતા આવ્યા છે.
સોનમ કિન્નરે કહ્યું કે અધિકારીઓએ સરકારને બરબાદ કરી છે. કેટલાક અધિકારીઓ CM યોગીની વાત પણ સાંભળતા નથી. અધિકારીઓને માત્ર પૈસા કમાવવાથી મતલબ હોય છે. તેમણે કહ્યું કે મેં CM યોગીને ફરિયાદ કરી છે કે મારા વિભાગમાં ઘણા અધિકારીઓ કામ કરતા નથી પરંતુ આજ સુધી કોઈ સુનાવણી થઈ નથી. રાજ્યમંત્રીએ કહ્યું કે, મેં મારા દીકરાના એડમિશન માટે અધિકારીને વાત કરેલી, પરંતુ આટલું કામ પણ થયું નથી. આવા રાજા સાથે હું કેવી રીતે કામ કરી શકું? હું રાજીનામું આપીશ અને સંગઠન માટે કામ કરીશ.
ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રીએ કહ્યું કે, હું મારા વિભાગમાં ચાલી રહેલા ભષ્ટ્રાચારને પણ રોકી શકતી નથી. જો હું પ્રજાના કામ નહીં કરાવી શકું તો પછી મારા મંત્રી પદ પર રહેવાનો કોઇ ફાયદો નથી.
યોગી સરકારે સોનમ કિન્નરને ઉત્તર પ્રદેશ ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડ ના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. સોનમનું પૂરું નામ કિન્નર સોનમ ચિશ્તી છે. કહેવાય છે કે તે અજમેરના છે, છેલ્લા ઘણા સમયથી સોનમ સમાજમાં વ્યંઢળોને સમાન દરજ્જો આપવાનું કામ કરી રહ્યા છે. આ સિવાય તે સામાજિક કાર્ય સાથે પણ જોડાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp