રામમંદિર કાર્યક્રમનું સોનિયાને આમંત્રણ,રાહુલ-પ્રિયંકાને કેમ નહીં?કારણ સામે આવ્યુ

PC: livehindustan.com

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં PM મોદી, UPના CM યોગી આદિત્યનાથ સહિત હજારો લોકો હાજર રહેશે. રામમંદિર કાર્યક્રમ માટે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ તરફથી મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને બોલાવવામાં આવ્યા છે. જોકે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીના અગ્રણી નેતાઓમાં હોવા છતાં રાહુલ ગાંધી અને પ્રિયંકાને શા માટે આમંત્રણ આપવામાં ન આવ્યું?

હકીકતમાં, સોનિયા ગાંધીને રામ મંદિર કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના વડા છે, જ્યારે મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ છે. પ્રિયંકા ગાંધી માત્ર કોંગ્રેસના મહાસચિવ છે અને રાહુલ ગાંધી માત્ર કેરળના વાયનાડથી સાંસદ છે, તેથી બંનેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અધીર રંજન ચૌધરી લોકસભામાં કોંગ્રેસના નેતા છે અને તેથી જ તેમને પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. રામ મંદિર સંબંધિત આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા માટે એક યાદી બનાવવામાં આવી છે. આ મુજબ, રામ મંદિર ટ્રસ્ટ ત્રણ શ્રેણીઓને આમંત્રણ મોકલી રહ્યું છે: રાજકીય પક્ષોના પ્રમુખ, લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના નેતાઓ અને જેઓ 1984 થી 1992 દરમિયાન રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા હતા. સોનિયા ગાંધીને ખુદ રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આમંત્રણ આપ્યું હતું.

આ સિવાય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના વડા હોવા ઉપરાંત તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા પણ છે. સાથે જ લોકસભામાં વિપક્ષના નેતાની વાત કરીએ તો 2014માં સીટોની સંખ્યા ઓછી હોવાના કારણે કોઈ પણ વિપક્ષના નેતા બની શક્યું ન હતું અને આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી, વિપક્ષી પાર્ટીઓમાં સૌથી વધુ બેઠકો જીતનારને VHP દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોનો ઉલ્લેખ કરીને મીડિયા સૂત્રોએ એવો દાવો કર્યો છે કે, ટૂંક સમયમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને BSPના વડા માયાવતીને પણ આમંત્રણ મોકલવામાં આવશે. હાલમાં જ અખિલેશ યાદવે રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વિશે કહ્યું હતું કે, આ ભગવાનનો કાર્યક્રમ છે. ઈશ્વરથી મોટું કોઈ નથી. જેને ભગવાન બોલાવે તે આપોઆપ દોડી જાય છે. આ સિવાય JDUના વડા અને બિહારના CM નીતિશ કુમારને પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. તેઓ તાજેતરમાં જ લલન સિંહના સ્થાને પાર્ટી અધ્યક્ષ બન્યા છે અને અધ્યક્ષ હોવાના કારણે CM નીતિશ કુમારને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સાથે જ BJPના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પણ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp