26th January selfie contest

ગુજરાતના રાજકીય સમીકરણ બદલવા લાલજી પટેલ અને હાર્દિક પટેલનો વ્યૂહ

PC: facebook.com/HardikPatel.Official

બિન અનામત એવી 58 જ્ઞાતિ હવે એક બની રહી છે. આ જ્ઞાતિઓ એવી છે કે જેમને OBC કે અન્ય આનામતના લાભ મળતાં નથી. આ 58 જ્ઞાતિના જાગૃત લોકોનો પાટીદાર અનામત આંદોલન કરતાં એક જૂથ દ્વારા સંપર્ક કરાયો છે અને બધી જ્ઞાતિઓની એક સંયુક્ત સમિતિ બનશે. જે 58 સમાજના લોકોને અનામત મળતી નથી, તેમની ટીમ દ્વારા સરકાર સમક્ષ તેમને અનામત આપવામાં આવે એવી માગણી કરાશે. જો સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે તો પાટીદાર સમાજ અને સવર્ણ સમાજ સરકાર વિરુદ્ધ મતદાન કરવા રાજ્યમાં આંદોલન કરશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે જો આ સમાજ દ્વારા સરકારના પક્ષને મતદાન ન કરવા માટે કહેવામાં આવે તો ઘણી રાજકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે.

58 જ્ઞાતિ એક થાય તો શું થાય?

જો 58 જ્ઞાતિઓ સરકાર સામે થાય તો સરકારને લોકસભામાં ભારે મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ જ્ઞાતિઓમાંથી મોટાભાગની કોંગ્રેસથી દૂર છે અને ભાજપે તેને વોટબેંક બનાવી છે. તેથી ભાજપને મોટો ફટકો પડી શકે તેમ છે. એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યાં છે. આ જ્ઞાતિઓ મોટાભાગે શહેરોમાં વસે છે અને શહેરી વિસ્તારોમાં જ ભાજપે વધું બેઠક જીતીને સરકાર બનાવી છે. હવે જો તે વિમુખ થાય તો ઓછામાં ઓછી 82 બેઠકો પર મતદાર તરીકે પ્રભાવ ઊભો કરી શકે તેમ છે.

સરકારનો જૂથવાદ મદદ કરે છે?

સરદાર પટેલ ગ્રૂપના અધ્યક્ષ લાલજી પટેલે આ આંદોલનની આગેવાની લેવાની જાહેરાત કર્યા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. SPGને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી એવું પણ કહેવામાં આવે છે. પણ ખરેખર તો આ જૂથે મહેસાણા જિલ્લામાં અનેક વિધાનસભા બેઠકો પર ભાજપને અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે છૂપી રીતે મદદ કરી હતી. તેનો સીધો મતલબ એ થયો કે સરકારના એક જૂથ સાથે આ જૂથ જોડાયેલું છે. સરકારનું એ જૂથ પક્ષના નેતાઓથી નારાજ છે. તેથી SPG પણ નારાજ હોય તે સ્વાભાવિક છે.

SPGની નીતિમાં એકાએક ફેરફાર કેમ

હાર્દિક પટેલના ઉપવાસ પછી SPGએ પોતાની નવી વ્યૂહરચના બનાવી છે જેમાં તમામ સવર્ણ જ્ઞાતિઓને સાથે રાખવા ઉપરાંત હાર્દિક પટેલને પણ સાથે રાખીને આંદોલન કરવાની જાહેરાત કરી છે. વળી પાટીદાર સમાજની સંસ્થાઓને આંદોલનમાં સીધી સામેલ કરી ન હતી હવે તેમની પણ મદદ લેવાની વ્યૂહરચના ગોઠવી છે. આમ તેઓએ ભૂતકાળમાં જે ભૂલ કરી હતી તે સુધારવા પાછળનું કારણ પણ રાજકીય વધુ છે. પાટીદારોની તમામ સંસ્થાઓમાં ભાજપ પ્રેરિત લોકો વધુ છે. તેથી તેમનો સાથ લેવામાં આવે તો ભાજપ સામે સારી રીતે લડી શકાય તેમ છે. વળી સરકાર સાથે ચર્ચા કરવાની જરૂર ઊભી થવાની છે ત્યારે આ વરિષ્ઠ નેતાઓનો ઉપયોગ પણ કરી શકાય તેમ છે. વડીલોની સરકાર સાથેની ચર્ચા SPG સ્વીકારશે એવી જાહેરાત એટલા માટે જ કરવામાં આવી છે. સરકાર પર દબાણ વધારવા માટે સંસ્થાઓનો આ રીતે રાજકીય ઉપયોગ કરી શકાશે.

સીદસર સંસ્થાનો યુટર્ન

ભાજપના નેતાઓ સાથે સારા સંબંધ રાખવા માટે જાણીતા સીદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જેરામ પટેલે અનામત આંદોલનને પહેલી વખત આ રીતે ટેકો જાહેર કર્યો છે. ભાજપ સરકાર આંધળી બહેરી છે, તે વાત સાચી હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે હાર્દિક અને લાલજી પટેલને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, આપણે બધાએ ભેગા મળીને આ વિશે આગળનું વિચારવું પડશે. આપણે અનામત મુદ્દે સુપ્રીમ સુધી લડીશું. તેનો ખર્ચ તેઓ આપશે. સમાજના યુવાનો જ લડત ચલાવે છે તેમાં વડીલોનો ટેકો છે. અનામત અને ખેડૂતોના દેવા માફીનો મુદ્દો વ્યાજબી છે. અમે પણ આગામી સમયમાં લડત આપી આ મુદ્દાઓનું નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું. આવું જ ઊંઝા ઉમિયા ટ્રસ્ટ દ્વારા હાર્દિકની છાવણીમાં કહેવામાં આવ્યું હતું. જ્યારે કાગવડે પણ હાર્દિકના આંદોલનની ચિંતા કરવાનું શરૂ કર્યું છે. આમ ભાજપ માટે હવે આકરા દિવસો શરૂ થઈ રહ્યાં છે. જોકે હજુ યુવાનોને આ સંસ્થાઓ પૂરો ભરોશો અપાવી શકી નથી. તેથી તેમાં વિશેષ કંઈક આ સંસ્થાઓએ કરવું પડશે.

તો ભાજપ વિરુદ્ધ મતદાન થશે

લાલજી પટેલે જે જાહેરાત કરી છે તેમાં અલ્પેશ કથીરિયાને છોડાવવા ઉગ્ર કાર્યક્રમો આપવા અંગે છે. વળી તેમણે જે 8 મુદ્દા નક્કી કર્યા છે તેમાં 58 સમાજમાંથી મોટાભાગના સમાજ માટે લડવાની જાહેરાત ઘણું સૂચવી જાય તેમ છે. જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો પાટીદાર સમાજને ભાજપ વિરુદ્ધ મતદાન કરવી અપીલ કરવાની જેમણે જાહેરાત કરી છે તે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે. લાલજી પટેલે બનાસકાંઠા ખાતેથી પાટીદાર યાત્રા, સરદારપુરથી વિજાપુર સુધીની યાત્રા તથા સાબરકાંઠા ખાતે પાટીદાર મહાસંમેલન યોજવાની જાહેરાત કરી છે.

કોંગ્રેસ અને બીજા મોરચાનો સંપર્ક

SPGએ હવે સરકાર સામેના જેટલા મોરચા છે તેમના સંપર્ક વધારી દીધા છે. રાહુલ ગાંધી અને પરેશ ધનાણીને અનામત અંગે પત્ર લખીને તેમની સાથે સંબંધ મજબૂત કરવામાં આવી રહ્યાં છે. તેમને અપીલ પણ કરી દીધી છે કે તે સરકાર પર દબાણ વધારે. રાજ્ય સરકાર ઘણીવાર બે મોઢાની વાત કરે છે એવું લાગતાં આ સંપર્ક વધી રહ્યાં છે. ભાજપની મત બેંક તૂટતી હોવાથી તે 49 ટકામાં પાટીદારને OBC અનામત આપવા માગતા નથી. અનામત માટે રાહુલ ગાંધીને પત્ર લખીને સરકાર પર દબાણ કરવા કહેવાયું છે. હાર્દિક પટેલના ઉપવાસ વખતે જે રીતે ક્ષત્રિય સમાજ અને બ્રહ્મ સમાજે ટેકો આપેલો તે પરથી હવે ક્ષત્રિય સમાજ અને બ્રહ્મ સમાજ સાથે પણ અનામત અંગે ચર્ચા કરવાની SPG તૈયારી કરી રહ્યું છે. પાટીદાર સંસ્થાઓને હાર્દિક પટેલ એક મંચ પર લાવવામાં સફળ થયો ત્યાર બાદ હવે ગુજરાતના રાજકારણમાં સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યાં છે. આ સંસ્થાઓએ પહેલી વખત જાહેરમાં યુવાનોનના આંદોલનને સહયોગ અને માર્ગદર્શન આપવાની વાત કરી છે. તેથી જો ભાજપ નહીં ચેતે તો તેમને આગામી સમયમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. તેની પહેલી અસર લોકસભાની ચૂંટણીમાં દેખાઈ શકે તેમ છે. ભાજપ પાસે ગુજરાતની તમામ 26 લોકસભાની બેઠકો છે તેમાંથી 50 ટકા બેઠકો જો ગુમાવવાનો વારો આવે તો તે તેને કોઈ રીતે અનુકૂળ રહે તેમ નથી.

હાર્દિક પટેલનું રાષ્ટ્રીય કાર્ડ

સામે બાજુ હાર્દિક પટેલ હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાજપ સામેના પક્ષોના નેતાઓને મળી રહ્યાં છે. તેમની ચિંતા કરનારા નેતાઓ મોટાભાગે આ પક્ષો હતા. તેમને હવે રાષ્ટ્રીય કક્ષાએ મહત્ત્વની જવાબદારી સોંપવા માટે આ પક્ષો તૈયારી કરી રહ્યાં છે. જો ગુજરાતમાં અનામત આંદોલનનો પ્રશ્ન રાજકીય રીતે હલ નહીં થાય તો આગામી સમયમાં હજુ ઘણાં આંચકા સત્તાધારી પક્ષને આવી શકે તેમ છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp