રૂપાલા વિવાદમાં કોંગ્રેસ ગેલમાં આવી ગઇ,પરેશ ધાનાણી અને મેવાણીએ જુઓ શું કહ્યું?

PC: Khabarchhe.com

છેલ્લાં 11 દિવસથી ગુજરાતમાં રૂપાલાના નિવેદનનો મુદ્દો ગરમાયેલો છે અને વિવાદ અંત લેવાનું નામ જ નથી લેતો. અત્યાર સુધી આખા વિવાદ પર નજર રાખી રહેલી કોંગ્રેસ હવે ગેલમાં આવી ગઇ છે અને ગુજરાત કોંગ્રેસના 2 નેતાઓએ રૂપાલાની સામે નિવેદન આપીને બળતામા ઘી હોમ્યું છે. આમ તો ગુજરાતમાં છેલ્લી 2 લોકસભાથી ગુજરાતની 26 બેઠકોમાંથી કોંગ્રેસ એકેય બેઠકો જીતી શકી નથી. આ વખતે પણ કોંગ્રેસને કોઇ બેઠક મળવાની આશા નથી, પરંતુ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે જે ટીપ્પણી કરી છે તે જોઇને કોંગ્રેસને આશાનું કિરણ દેખાયું છે.

રૂપાલા વિવાદમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને જિગ્નેશ મેવાણીએ નિવેદન આપીને બળતામાં ઘી હોમ્યું છે. કોંગ્રેસે હજુ સુધી ગુજરાતની બધી 26 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી, પણ જ્યાં જાહેર કરવામાં આવ્યા છે ત્યાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.

 આજે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની કોર કમિટી અને ભાજપના નેતાઓ સાથે એક બેઠક મળી હતી. કેટલીક મહિલાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી. આ બાબતે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તેમના x પ્લેટફોર્મ પર લખ્યું કે, મારી બહેનોએ જોહર કરવાની જરૂર નથી. જવતલિયા હજુ જીવે છે. સ્વાભિમાનની લડાઇમાં શક્તિનો વિજય થશે. આપણે બધા ભેગા થઇને અહંકારીઓને જવાબ આપીએ.

તો બીજી તરફ પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે યોજાયેલી પ્રચાર સભામાં હાજર રહેલા વડગામાના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ રૂપાલા વિવાદનો ફાયદો ઉઠાવી દીધો. મેવાણીએ કહ્યું કે, પરષોત્તમ રૂપાલાએ માત્ર ક્ષત્રિય સમાજનું જ અપમાન નથી કર્યું, પરંતુ અગાઉ, પટેલ સમાજ, આદિવાસી સમાજનું પણ અપમાન કરેલું છે. તેમની હકાલપટ્ટી થવી જ જોઇએ.

રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચની એક જાહેરસભામાં એવું કહ્યું હતું કે, રાજા મરાહાજાઓ અંગ્રેજોની સામે ઝુકી ગયા હતા અને રોટી-બેટીના વહેવાર કર્યા હતા. આ એક નિવેદને ગુજરાતના રાજકરાણમાં 11 દિવસથી ભડકો કરેલો છે અને આ ભડકો અનેક પ્રયાસો પછી પણ શાંત પડી નથી રહ્યો. બુધવારે ક્ષત્રિય સમાજ અને ભાજપ આગેવાનો વચ્ચેની બેઠક પણ પડી ભાંગી હતી.

ગુજરાતમાં મરણ પથારીએ પડેલી કોંગ્રેસ માટે સ્વાભાવિક વાત છે કે એક મુદ્દો તો મળ્યો જેમાં ભાજપ સામે આંગળી ચિંધી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp