PM મોદીના રોડ શોને આ રાજ્ય સરકારે મંજૂરી ન આપી, 4 કારણો જણાવ્યા પણ કોર્ટે...

PC: PIB

લોકસભા 2024ની ચૂંટણી નજીકમાં છે અને બધી પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રચારના ધમધમાટ પણ શરૂ થઇ ગયા છે. ભાજપે આ વખતે 400 કે પારનો નારો લગાવ્યો છે અને આ 400 પાર કરવા માટે દક્ષિણનો ગઢ જીતવો જરૂરી છે. જેના ભાગરૂપે કોઇમ્બતુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તંત્રએ રોડ શો કરવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરી દીધો છે.

તમિલનાડુના કોઈમ્બતુર તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવિત રોડ શો યોજવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોઈમ્બતુર શહેર પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કરીને 18 માર્ચે PM મોદીના 3.6 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવાની મંજૂરી માંગી હતી. કોઇમ્બતુર પોલીસે વિવિધ કારણો દર્શાવીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે.આ મામલે ભાજપના તમિલનાડુ યુનિટે પોલીસના આદેશને પડકારતા મદ્રાસ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.તમિલનાડુના કોઈમ્બતુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને હાઈકોર્ટ તરફથી મંજૂરી મળી ગઈ છે. મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે 18 માર્ચે રોડ શો યોજવાની મંજૂરી આપી છે

સૂત્રોના કહેવા મુજબ કોઈમ્બતુર તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોને મંજૂરી નહીં આપવા માટેના 4 કારણો રજૂ કર્યા છે. જેમાં એક કારણ એ છે કે સુરક્ષાનું જોખમ છે. બીજું કારણ કોઇમ્બતુરનો સાંપ્રદાયિક ઇતિહાસ,ત્રીજું કારણ લોકોને પડનારી મુશ્કેલી અને ચોથું કારણ રોડ શો દરમિયાન માર્ગમાં જે શાળાઓ આવે છે તે શાળાઓના વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલી.

ભાજપનો પ્રસ્તાવિત રોડ શો કોઇમ્બતુરમના આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો. આરએસ પુરમ એ જ જગ્યા છે જ્યાં 1998માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. વધુમાં, કોઈમ્બતુરની સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પ્રકૃતિને જોતાં, કોઈપણ રાજકીય પક્ષ અથવા જૂથને રોડ શો યોજવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ રોડ શો લોકસભા ચૂંટણી પહેલા PM મોદીના દક્ષિણ ભારત પ્રવાસનો ભાગ હતો. આ ટેક્સટાઈલ સિટી કોઇમ્બતુરમમાં 3.6 કિમી લાંબા રોડ શો માટે ભાજપે મંજૂરી માંગી હતી.વહીવટી તંત્રનું કહેવું છે કે 18 અને 19 માર્ચે વિદ્યાર્થીઓની જાહેર પરીક્ષાઓ પણ લેવાશે અને રોડ શો જે જગ્યાએ થઈ રહ્યો છે ત્યાંના માર્ગ પર ઘણી શાળાઓ પણ આવેલી છે.

આરએસ પુરમમાં આ એ જ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 1998ના રોજ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટોના થોડા કલાકો પહેલા અડવાણીએ તેમની મીટિંગ રદ કરવી પડી હતી.બાદમાં સભા સ્થળ પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. ભાજપ રાજ્ય સરકાર પાસે તે સ્થળે બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp