રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ફરી રાજકીય ભૂકંપની સંભાવના
ગુજરાતમાં ફરીથી નબળી પડેલી કોંગ્રેસને ભાજપના નેતાઓની નજર લાગી છે. કોંગ્રેસમાંથી ઓછામાં ઓછા 12 ધારાસભ્યો ખેરવવાની ભાજપની યોજના છે જેને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. પાર્ટીના એક સદસ્યએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની તાકાત હોય તો તેમના ધારાસભ્યોને ભાજપમાં જતાં બચાવી લે, અન્યથા તેઓ કેસરિયો ધારણ કરવા જઇ રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકારના પગલાંને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યાં છે તે જોતાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યોની નજર ભાજપ તરફ સરકી છે. વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 26મી માર્ચે રાજ્યસભાની ખાલી પડનારી ચાર બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે તે પહેલાં ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવે તો નવાઇ પામવા જેવું નથી.
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી સંભાવના એટલા માટે પ્રબળ બની છે કે અબડાસા કોંગ્રેસના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ તાજેતરમાં એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. બીજી તરફ સચિવાલયમાં કોંગ્રેસમાંથી આવેલા ત્રણ મંત્રીઓને પાર્ટીએ જવાબદારી આપી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા. જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતને ભાજપના હાઇકમાન્ડે જવાબદારી સોપી હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાય તેવી સંભાવના છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ તેના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ રાજ્યોના સંગઠનમાં ફેરફાર કરી શકતું નથી તેથી અકળાયેલા કોંગ્રેસના આઠ થી દસ ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ જાય તેવી અટકળો સચિવાલયમાં વહેતી થઇ છે.
કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપ તરફ વધતી જતા કદમ પ્રદેશ કોંગ્રેસમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. કોંગ્રેસના એક ડઝન ધારાસભ્યો એવા છે કે તેઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ શકે છે. આ ધારાસભ્યો એવું માને છે કે અમને મંત્રી નહીં બનાવે તો કંઇ નહીં પરંતુ ભાજપના સિમ્બોલ સાથે અમને સચિવાલયમાં પ્રવેશવાનો મોકો મળશે અને અમારા કામો થશે.
કોંગ્રેસના એક નારાજ ધારાસભ્યએ કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન અસ્તાચળ ભણી છે. ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય ઉભી થઇ શકવાની નથી. કોંગ્રેસ પાસે છેલ્લા 28 વર્ષથી સત્તા નથી અને 2022નું ભાવિ પણ અંધકારમય લાગે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારથી જ 2024 લોકસભાની તૈયારી શરૂ કરી છે ત્યારે કેન્દ્રમાં પણ કોંગ્રેસની સરકાર આવી શકે તેમ નથી. આ સંજોગોમાં કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેમાં ખોટું નથી.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ત્રણ સભ્યો કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને કેબિનેટ મંત્રી બનાવ્યા છે ત્યારે તેઓ અમારા કામો કરી રહ્યાં છે તેવું અન્ય એક ધારાસભ્યએ કહ્યું હતું. તેમણે કહ્યું કે અમે ભાજપમાં હોઇશું તો અમારા કામો થશે, વિપક્ષમાં બેસીને અમે કંઇ કરી શકીએ તેમ નથી, કારણ કે કોંગ્રેસના સંગઠનના નેતાઓને ધારાસભ્યોની પડી નથી. મોવડીમંડળ પણ આંખ બંધ કરીને બેઠું છે. કર્ણાટકની સરકાર ગુમાવવા પાછળનું કારણ પણ કોંગ્રેસના નેતાઓ છે. જક્કી અને જડ વલણના કારણે કોંગ્રેસે તેના શાસનમાંથી એક રાજ્ય ઓછું કર્યું છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં હાલના સંખ્યાબળને જોતાં ભાજપને બે અને કોંગ્રેસને બે બેઠકો મળે તેમ છે. ભાજપની સભ્યસંખ્યા 103 છે અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા 72 છે. કોંગ્રેસના આઠ કે દસ ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરે તો ભાજપને ત્રણ અને કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળે તેમ છે. ભાજપના કેન્દ્રીય મંત્રી અમિત શાહની પ્રેરણાથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ક્રોસવોટીંગ થવાનો મોટો ભય ઉભો થયો છે, જો કે એ પહેલાં કોંગ્રેસની સભ્યસંખ્યા ઘટાડી દેવામાં આવે તો ભાજપની સ્ટેટજી સફળ થાય તેમ છે તેથી ભાજપના મોવડીઓની નજર કોંગ્રેસના ધારાસભ્યો પર ઠરેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp