મમતાએ રાજનાથ સાથે વાત કરી, આ નેતાને ડેપ્યૂટી સ્પીકર બનાવવા સલાહ આપી

PC: twitter.com

લોકસભામાં સ્પીકરની નિમણૂંક થઇ ગઇ અને ઓમ બિરલા ફરી સંસદના અધ્યક્ષ બની ગયા, પરંતુ ડેપ્યુટી સ્પીકરના મુદ્દે હજુ સસ્પેન્સ બની રહ્યું છે. હવે જાણવા મળ્યું છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાએ રાજનાથ સિંહને સમાજવાદી પાર્ટીના સાંસદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જિ સાથે ફોન પર વાત કરી અને સંસદના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના મુદ્દા પર ચર્ચા કરી. જો TMCના ટોચના સૂત્રોનું માનીએ તો, મમતા બેનર્જિએ અયોધ્યાથી નવા ચૂંટાયેલા સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવાની પરંપરા છે. પરંતુ એવું માનવામાં આવે છે કે અવધેશ પ્રસાદ ભાજપ સરકાર માટે મુશ્કેલ પ્રસ્તાવ છે કારણ કે સપાના સાંસદ અયોધ્યા (ફૈઝાબાદ બેઠક) પરથી જીત્યા છે. મમતાએ બિનકોંગ્રેસી વિપક્ષી ઉમેદવારનો પ્રસ્તાવ મૂક્યો છે. કોંગ્રેસને ડેપ્યુટી સ્પીકરનું પદ જોઈતું હતું.

ઇન્ડિયા ગઠબંધને પહેલાથી જ ડેપ્યુટી સ્પીકર પદ વિપક્ષને મળે તેવી માંગ કરી હતી. પરંતુ NDA સરકાર ચૂંટણી કર્યા વગર ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવા નથી માંગતી. એટલે જ વિપક્ષે પણ સ્પીકરની ચૂંટણીમાં તેમનો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો હતો.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે અમારો વિરોધ પ્રતીકાત્મક અને લોકતાંત્રિક હતો, કારણ કે NDA અમને ડેપ્યુટી સ્પીકરનું પદ નહોતા આપી રહ્યા. ઝારખંડ મુક્તિ મોરચાના સાંસદ મહુઆ માઝીએ પણ કહ્યું કે જો સરકાર ડેપ્યુટી સ્પીકરનું પદ આપવા માટે સંમત થઈ હોત, તો સ્પીકર માટે ચૂંટણી ન કરવી પડી હોત.

સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણીમાં 54567 મતોથી જીત મેળવી હતી. તેમના હરીફ અને ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહ ચૂંટણી હારી ગયા હતા. એક તરફ સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદને 554289 વોટ મળ્યા, જ્યારે લલ્લુ સિંહને માત્ર 499722 વોટ મળ્યા.

જેટલું મહત્વનું સ્પીકર પદ છે એટલું જ મહત્વનું ડેપ્યુટી સ્પીકરનું પદ પણ છે. જ્યારે સ્પીકર પદ ખાલી હોય અથવા સ્પીકર ગેરહાજર હોય ત્યારે સત્તા ડેપ્યુટી સ્પીકર પાસે હોય છે. ભારતના બંધારણે ડેપ્યુટી સ્પીકરને પણ એ જ સત્તા આપી છે જે સ્પીકરને આપવામાં આવી છે.

સંસદની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી એટલે 1 જુલાઇથી ફરી લોકસભા ચાલશે અને 3 જુલાઇએ પુરી થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp