જેમણે પાર્ટી બનાવી એમની પાસેથી છીનવીને બીજાને આપી દીધી: શરદ પવારનું દર્દ

PC: twitter.com

ચૂંટણી પંચે તાજેતરમાં નિર્ણય જાહેર કર્યો હતો કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને તેમના ચૂંટણી ચિહ્નના અસલી હકદાર અજિત પવાર છે. એ વાતને લગભગ સપ્તાહ થઇ ગયું છે હવે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને જેમણે NCPને ઉભી કરવામાં લોહી પાણી એક કર્યા હતા તેવા શરદ પવારનું દર્દ છલકાયું છે. ચૂંટણી પંચે NCP અને ચૂંટણી ચિહ્ન અજિત પવારને આપી દીધું અને શરદ પવાર કશું કરી ન શક્યા. હવે શરદ પવારે કહ્યું કે, ચૂંટણી પંચનો નિર્ણય આશ્ચર્યજનક હતો. ચુંટણી પંચે જેમણે પાર્ટી બનાવી હતી તેમની પાસેથી છિનવીને બીજા કોઇના હાથમાં આપી દીધી છે.

આ મહિનાની શરૂઆતમાં જ ચૂંટણી પંચે NCPને લઇને મોટો નિર્ણય કર્યો હતો. ચૂંટણી પંચે સત્તાવાર રીતે NCPનું નામ અને ચૂંટણી ચિહ્ન ઘડિયાળ અજિત પવારને આપ્યું હતું. NCPને લઇને કાકા શરદ પવાર ને ભત્રીજા અજિત પવાર વચ્ચે વર્ચસ્વની લડાઇ ચાલી રહી હતી. આ મામલામાં 6 મહિનાની અંદર 10 વખત સુનાવણી કરવામાં આવી અને આખરે ચૂંટણી પંચે અજિત પવારને NCP સોંપી દીધી.ચૂંટણી પંચે કહ્યું હતું કે, અજિત પવાર પાસે વધારે સમર્થન સંખ્યા હતી.

આ પ્રકરણમાં શરદ પવારનું ગ્રુપ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવી ચૂક્યું છે. શરદ પવારની પાર્ટીએ ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

શરદ પવારે રવિવારે કહ્યું કે, મને પુરો વિશ્વાસ છે કે લોકો ચૂંટણી પંચના નિર્ણયને સમર્થન નહીં કરશે, જેના માટે અમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. શરદ પવારે કહ્યું કે, ચૂંટણી પંચે માત્ર અમારું ચૂંટણી ચિહ્ન જ નથી છીનવી લીધું, પરંતુ અમારી પાર્ટી પણ બીજાને સોંપી દીધી.

1999માં NCPની સ્થાપના કરનાર શરદ પવારે કહ્યું કે, ચૂંટણી પંચે જેમણે પાર્ટી બનાવવા માટે મહેનત કરી તેમની પાસેથી છીનવીને બીજાને આપી દીધી, આવું પહેલાં ક્યારેય થયું નથી.

ગયા વર્ષે શરદ પવારના ભત્રીજા અજિત પવારે NCPમાં સગા કાકા સામે બળવો કર્યો હતો અને મહારાષ્ટ્રમા ભાજપ અને શિવસેના ( એકનાથ શિંદે)ની સરકારમાં સામેલ થઇ ગયા હતા. અજિત પવાર તેમની સાથે ધારાસભ્યો અને સાંસદોને લઇને ગયા હતા. મહારાષ્ટ્ર સરકારમાં તેમને ઇનામ પણ મળ્યું. અજિત પવારને મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને મહત્ત્વનો પોર્ટફોલિયો પણ આપવામાં આવ્યો.

આમ જોવા જઇએ તો ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેના અને NCPના ઉભા ફાડચાં પાડી દીધા હતા. એકનાથ શિંદેએ બળવો કરીને શિવસેના પર કબ્જો કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp