PM મોદીના નેતૃત્વમાં રોકાણકારોને કૌભાંડને કારણે અટવાયેલા નાણાં મળી રહ્યા છેઃ શાહ

PC: twitter.com

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (સીઆરસીએસ)-સહારા રિફંડ પોર્ટલ https://mocrefund.crcs.gov.inનો શુભારંભ કરાવ્યો હતો. આ પોર્ટલ સહારા ગ્રૂપની કો-ઓપરેટિવ સોસાયટીઝ - સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, સહારયાન યુનિવર્સલ મલ્ટિપર્પઝ સોસાયટી લિમિટેડ, હમારા ઇન્ડિયા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને સ્ટાર્સ મલ્ટિપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના અસલી થાપણદારો દ્વારા દાવા રજૂ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.

અમિત શાહે તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, આ 4 સહકારી મંડળીઓમાં જેમની મહેનતની કમાણી અટકી છે તેવા લોકોની ચિંતા પર ધ્યાન આપવામાં આવ્યું ન હોવાથી આ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે. આવા કિસ્સાઓમાં, સામાન્ય રીતે મલ્ટિ-એજન્સી જપ્તી ઘણીવાર થાય છે પરંતુ કોઈ પણ એજન્સી રોકાણકાર વિશે વિચારતી નથી. તેમણે ઉમેર્યું કે આનાથી સહકારી મંડળીઓ પ્રત્યે મહાન અસલામતી અને અવિશ્વાસની લાગણી થાય છે. અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના કરોડો લોકો પાસે મૂડી નથી પરંતુ તેઓ દેશના વિકાસમાં યોગદાન આપવા માગે છે અને સહકારી ચળવળ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ દિશામાં PM નરેન્દ્ર મોદીએ અલગથી સહકારિતા મંત્રાલયની રચના કરવાનો નિર્ણય લીધો. તેમણે જણાવ્યું હતું કે, સહકાર એક માત્ર એવી ચળવળ છે જેમાં નાની મૂડીને જોડીને મોટી મૂડી ઊભી કરીને મોટાં કામો કરી શકાય છે.

અમિત શાહે જણાવ્યું હતું કે, ઘણી વખત કૌભાંડોના આક્ષેપો થાય છે અને જેઓ રોકાણ કરે છે, તેમની મૂડી સહારાની જેમ અટવાઈ જાય છે, જેનું ઉદાહરણ સૌની સામે છે. તેમણે કહ્યું કે, આ કેસ સુપ્રીમ કૉર્ટમાં ઘણા વર્ષો સુધી ચાલ્યો, એજન્સીઓએ તેની સંપત્તિ અને હિસાબો સીલ કરી દીધા અને આ સાથે જ સહકારી મંડળીઓની વિશ્વસનીયતા પણ ખોવાઇ જાય છે. અમિત શાહે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ સહકારિતાનાં અલગ મંત્રાલયની રચના કરી હતી અને આ બાબતમાં પહેલ કરીને તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરી હતી. તેમણે કહ્યું કે તે ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે શું એવી સિસ્ટમ બનાવી શકાય છે કે જેમાં દરેક જણ તેમના દાવાઓથી ઉપર ઉઠે છે અને નાના રોકાણકારો વિશે વિચારે છે. અમિત શાહે જણાવ્યું હતું કે, તમામ એજન્સીઓએ સાથે મળીને સુપ્રીમ કૉર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને સુપ્રીમ કૉર્ટે પારદર્શક રીતે ચૂકવણીની પ્રક્રિયા શરૂ કરવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રોકાણકારોને રૂ. 5,000 કરોડની રકમ પારદર્શક રીતે પરત કરવાની પ્રક્રિયા આજથી અજમાયશી ધોરણે શરૂ થઈ રહી છે. તેમણે કહ્યું કે 5000 કરોડ રૂપિયાનું પેમેન્ટ પૂર્ણ થયા બાદ બાકીના રોકાણકારોને રકમ પરત કરવા સુપ્રીમ કૉર્ટમાં બીજી અપીલ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ પોર્ટલ મારફતે રૂ.10,000 કે તેથી વધુ રકમ જમા કરાવનારા એક કરોડ રોકાણકારોને પ્રથમ રૂ.10,000 સુધીની ચુકવણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પોર્ટલ પર અરજી કરવા માટે ચારેય સોસાયટીઓનો સંપૂર્ણ ડેટા ઓનલાઇન ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયામાં તમામ જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે, જેથી કોઈ પણ સાચા રોકાણકાર સાથે કોઈપણ પ્રકારની હેરાફેરી કે અન્યાયને અવકાશ ન રહે.

અમિત શાહે જણાવ્યું હતું કે, જે લોકોએ કોઈ રોકાણ કર્યું નથી, તેઓ આ પોર્ટલ પરથી કોઈ પણ પ્રકારનું રિફંડ મેળવી શકતાં નથી, પણ જેમણે રોકાણ કર્યું છે, તેમને રિફંડ ચોક્કસ મળશે. સહકારિતા મંત્રીએ સૂચના આપી હતી કે કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) દ્વારા અરજીઓ ફાઇલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે તમામ રોકાણકારોને સીએસસીની સુવિધા દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવા વિનંતી કરી. અમિત શાહે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા સાથે સંબંધિત બે મુખ્ય શરતો છેઃ પ્રથમ, રોકાણકારના આધાર કાર્ડને તેમના મોબાઇલ નંબર સાથે જોડવો પડશે અને બીજું, આધાર કાર્ડને તેમનાં બૅન્ક ખાતા સાથે જોડવો પડશે. તેમણે રોકાણકારોને ખાતરી આપી હતી કે, આ નાણાં 45 દિવસની અંદર તેમનાં બૅન્ક ખાતાઓમાં જમા થઈ જશે.

સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે નોંધપાત્ર શરૂઆત થઈ છે. તેમણે કહ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પ્રથમ વખત રોકાણકારોને તેમનાં નાણાં મળી રહ્યાં છે, જે કૌભાંડને કારણે અટવાયાં હતાં અને આ અતિ મોટી સિદ્ધિ છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે કરોડો લોકોને તેમની મહેનતની કમાણી મળવાની છે, જે કૌભાંડોને કારણે અટવાઇ ગઇ હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, જેમનાં રૂ. 30,000 સુધીનાં નાણાં અટવાયેલાં છે, એવા આશરે 1.78 કરોડ નાના રોકાણકારોને તેમનાં નાણાં પાછાં મળશે અને આ એક મોટી સિદ્ધિ છે.

સર્વોચ્ચ અદાલતે 29 માર્ચ, 2023ના રોજ પોતાના આદેશ દ્વારા નિર્દેશ આપ્યો હતો કે સહારા જૂથ ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝના અસલી થાપણદારોની કાયદેસરની બાકી નીકળતી રકમ સામે વિતરણ માટે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કો-ઓપરેટિવ સોસાયટીઝ (સીઆરસીએસ)ને સહારા-સેબી રિફંડ એકાઉન્ટમાંથી રૂ. 5000 કરોડ હસ્તાંતરિત કરવામાં આવે. માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના નિર્દેશો અનુસાર એમિકસ ક્યુરી અને વિદ્વાન એડવોકેટ ગૌરવ અગ્રવાલની સહાયથી માનનીય સર્વોચ્ચ ન્યાયાલયના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી દ્વારા વિતરણની સમગ્ર પ્રક્રિયા પર નિરીક્ષણ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. રિફંડ પ્રક્રિયામાં મદદ કરવા માટે ઉપરોક્ત દરેક સોસાયટી માટે ચાર વરિષ્ઠ અધિકારીઓ ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી)ની નિમણૂક કરવામાં આવી છે.

દાવાઓ રજૂ કરવા માટે વિકસાવવામાં આવેલું ઓનલાઇન પોર્ટલ વપરાશકર્તાને અનુકૂળ, કાર્યદક્ષ અને પારદર્શક છે. આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ છે. અસલી થાપણદારોની જ કાયદેસરની થાપણો પરત કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે પોર્ટલમાં જરૂરી તપાસ અને સપ્રમાણતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોર્ટલને સહકારિતા મંત્રાલયની વેબસાઇટ દ્વારા પણ એક્સેસ કરી શકાય છે. આ સોસાયટીઓના અસલી થાપણદારોએ પોર્ટલ પર ઉપલબ્ધ ઓનલાઇન અરજી ફોર્મ ભરીને અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તેમના દાવા સબમિટ કરવાના રહેશે. થાપણદારોની ઓળખ સુનિશ્ચિત કરવા માટે આધારકાર્ડ દ્વારા ચકાસણી કરવામાં આવશે. નિયુક્ત સોસાયટીઓ, ઓડિટર્સ અને ઓએસડી દ્વારા તેમના દાવાઓ અને અપલોડ કરેલા દસ્તાવેજોની ખરાઈ કર્યા પછી, વાસ્તવિક થાપણદારોને તેમના ઓનલાઇન દાવાઓ ફાઇલ કર્યા પછી 45 દિવસની અંદર તેમનાં બૅન્ક ખાતામાં ચુકવણી જમા કરવામાં આવશે, જે ભંડોળની ઉપલબ્ધતાને આધિન છે અને તેમને એસએમએસ/પોર્ટલ દ્વારા સ્ટેટસની જાણ કરવામાં આવશે. સોસાયટીઓના અસલી થાપણદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના દાવા અને થાપણોના પુરાવા તરીકે જરૂરી દસ્તાવેજો સાથે આધાર લિંક કરેલ મોબાઇલ નંબર અને બૅન્ક એકાઉન્ટ ધરાવે છે તે સુનિશ્ચિત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp