રાજકોટ કોંગ્રેસમાં મોટું ભંગાણ, 68 આગેવાન તથા કાર્યકરોએ આપ્યા રાજીનામા

PC: divyabhaskar.co.in

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. રાજકીય લોબીમાં તેના મોટા પડધા પડ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. વોર્ડ નં. 14ના પ્રભારી સહિત 68 કોંગ્રેસના આગેવાન તથા કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમાભાઈ પટેલ, પ્રવિણ મારુ, મંગળ ગાવિત અને જે. વી. કાકડિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. જોકે, કોંગ્રેસ પક્ષે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દીધા છે. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે.

આ વર્ષના અંતમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે તે પહેલા રાજકારણમાં આ ચિત્ર જોવા મળ્યું છે. આ પહેલા રાજકોટના જાણીતા નેતા રાજભા ઝાલાએ પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાની વાત કહી હતી. આ વખતની રાજકોટ કોર્પોરેશન ચૂંટણીમાં રાજકીય પક્ષ આમ આદમી પાર્ટી પણ ભાગ લે એવા એંધાણ છે. આમ શહેરના રાજકારણમાં ખેંચતાણ જોવા મળી રહી છે. પૂર્વ વિધાનસભાના કોંગ્રેસના પ્રમુખ ઈન્દુભાના સમર્થનમાં રાજીનામા આપવામાં આવ્યા છે. એવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. આ તમામ 68 કાર્યકરો અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાય એવી પૂરી શક્યતાઓ હાલ સેવાય રહી છે.

આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં રાજકોટમાં એક મોટી સભા યોજે એવી પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જો, આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં ચૂંટણી લડશે તો ભાજપને ફટકો પડે એવી સંભાવના છે. રાજ્યમાં કોંગ્રેસ પક્ષ એક કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. પાંચ ધારાસભ્યોએ સાથ છોડ્યા બાદ હવે સ્થાનિક સ્તરે પણ આગેવાનો અને કાર્યકરો પક્ષમાંથી રાજીનામું આપી રહ્યા છે. જોકે, આમ આદમી પાર્ટી જો રાજકોટમાં સક્રિય થશે તો તેની સીધી અસર ભાજપને થશે. રાજકોટ કોર્પોરેશનને રાજકીય રીતે તોડવાનો તખ્તો તૈયાર થતો હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp