ખાસ માણસોની ટિકિટ કપાતા વસુંધરા રાજે નારાજ, હવે ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહી છે

PC: facebook.com/VasundharaRajeOfficial

રાજસ્થાનમાં 23 નવેમ્બર 2023ના દિવસે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટનો મુદ્દો ભાજપ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. ભાજપે 41 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી જેમાં, 7 સાંસદોને તક આપવામાં આવી, પરંતુ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમર્થક અને ખાસ ગણાતા લોકોની ટિકિટ કપાઇ જતા રાજસ્થાનના રાજકારણમાં હલચલ મચી ગઇ છે. પોતાના નજીકના માણસોની ટિકિટ કપાવવાને કારણે રાજે પણ નારાજ છે, પરંતુ તેમણે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. ભાજપ હવે રાજસ્થાનમાં ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે.

ભાજપે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં પહેલી યાદીમાં જે 41 નામો જાહેર કર્યા તેમાં 31 નામ નવા છે. જાણકારોના કહેવા મુજબ વસુંધરા રાજેનું પત્તુ કાપવા માટે તેના સમર્થકોના નામ કપાયા છે.

રાજસ્થાનમાં ભડકો થઇ રહ્યો છે એ વાત જાણીને ભાજપના ટોચના નેતાઓએ હવે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. સોમવારે રાત્રે રાજસ્થાનના ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી સ્થિતિનો તાગ મેળવવા માટે જયપુર પહોંચ્યા હતા. પત્રકારો સાથેની વાતમાં ભાજપના આ નેતાએ કહ્યું હતું કે, અમે બધા નારાજ નેતાઓ સાથે વાત કરીશું અને તેમને મનાવી લઇશું. આ અમારો આંતરિક મામલો છે, જેનો ઉકેલ લાવીશું.

જોશીએ કહ્યું કે પાર્ટીનો પ્રયાસ એ રહેશે કે નેતાઓ બળવાખોર ન બને અને અપક્ષ તરીકે ચૂંટણી લડતા તેમને રોકવામાં આવે. આ પહેલાં હિમાચલ પ્રદેશમાં બળવાખોર નેતાઓને કારણે ભાજપે મોટું નુકશાન વેઠવું પડ્યું હતું.

રાજસ્થાનમાં ઝોટવારા બેઠક પરથી ભાજપે મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા રાજ્યવર્ધન રાઠોડને ઉમેદવાર બનાવ્યા છે. જેને કારણે આ બેઠક પર વર્ષોથી રાજ કરતા અને વસુંધરા રાજેના ખાસ ગણાતા રાજપાલ શેખાવત ભારે નારાજ થયા છે. શેખાવતના સમર્થકો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. કાર્યકરોએ ભાજપની ઓફિસ સુધી રેલી પણ કાઢી હતી. શેખાવતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે 15 વર્ષથી આ બેઠક પર મહેનત કરું છુ અને બે વખત જીત્યો છું.

એ જ રીતે શહેરની બેઠક પરથી અનિતા સિંહની ટિકિટ કપાઇ જતા તેઓ ગુસ્સે ભરાયા છે. અનિતાએ કહ્યું કે તે સીટ પરથી મજબૂત દાવેદાર હતી, પરંતુ પાર્ટીએ એવા ઉમેદવારને ટિકિટ આપી જે 2018માં મોટા માર્જિનથી હારી ગયા હતા. અનિતાએ કહ્યું કે તે તેના સમર્થકો સાથે વાત કર્યા બાદ શું કરવું તે નક્કી કરશે. પાર્ટીએ શહેરની બેઠક પરથી જવાહર સિંહ બેધામને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ભૂતકાળમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. વિદ્યાધર સીટના ધારાસભ્ય નરપતસિંહ રાજવી પણ નારાજ છે. જો કે તેમણે બળવો કરવાની કે અપક્ષ ચૂંટણી લડવાની વાતનો ઇન્કાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp