સૌરાષ્ટ્રમાં બેંકની ચૂંટણીમાં જેલમાં બંધ ગણેશ ગોંડલની જીત, આ પ્રકારની પહેલી ઘટના
ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ આજે વહેલી સવારે જાહેર થઇ ગયું, જેમાં ભાજપ સમર્થિત પેનલના બધા ઉમેદવારોની ભવ્ય જીત થઇ છે. તો કોંગ્રેસના યતિષ દેસાઈની પેનલને હારનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ છે. ભાજપની પેનલની જીત થતા જયજયકાર સાથે સમર્થકોએ ઢોલ-નગારાં વગાડી, ફટાકડા ફોડીને સેલિબ્રેશન મનાવ્યું હતું. હાલમાં જૂનાગઢની જેલમાં બંધ જ્યોતિ રાદિત્યસિંહ ઉર્ફ ગણેશ ગોંડલની જીત થઇ છે, જે ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પહેલી ઘટના છે.
ગુજરાતભરની જેના પર નજર હતી, તેવી ગોંડલની નાગરિક બેંકની ચૂંટણીની મતગણતરી ગઇકાલે રાત્રે 8:30 વાગ્યે શરૂ થઈ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ સમર્થિત પેનલના બધા જ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા. આજે વહેલી સવારે પરિણામ જાહેર થતા ભાજપ સમર્થિત પેનલની જીત થઇ હતી. તેની સાથે જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ યથાવત રહ્યું છે. ચેરમેન અશોક પીપળિયાએ સૌથી વધુ મત મેળવ્યા હતા. છેલ્લા 4 વર્ષમાં ચેરમેન અશોક પીપળિયાએ નાગરિક બેંકને વિકાસની ટોચ પર પહોંચતી કરીને યોગ્ય વ્યવહાર કર્યો હતો, જે ભાજપની જીતનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો.
ભાજપ સમર્થિત પેનલને મળેલા મતદાનની વાત કરીએ તો સૌથી વધુ મત (6327) અશોક પીપળિયાને મળ્યા, જ્યારે સૌથી ઓછા મત (5738) દીપક સોલંકીને મળ્યા હતા. એ સિવાય હરેશ વડોદરિયાને 6000, જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)ને 5999, ઓમદેવસિંહ જાડેજાને 5947, કિશોર કાલરિયાને 5795, પ્રહલાદ પારેખને 5767, પ્રમોદ પટેલને 5690, પ્રફુલ ટોળિયાને 5481, ભાવના કાસોદરાને 6120, નીતા મહેતાને 5893, દીપક સોલંકીને 5738 મત મળ્યા હતા.
તો કોંગ્રેસ સમર્થિત પેનલને મળેલા મતદાનમાં સૌથી વધુ મત (3527) યતિષ દેસાઈને મળ્યા, જ્યારે સૌથી ઓછા મત (2868) જયસુખ પારઘીને મળ્યા હતા. એ સિવાય કલ્પેશ રૈયાણીને 3095, લલિત પટોળિયાને 3063, જયદીપ કાવઠિયાને 3031, સંદીપ હીરપરાને 2892, રમેશ મોણપરાને 2875, વિજય ભટ્ટને 2807, કિશોરસિંહ જાડેજાને 2800, ક્રિષ્ના તન્નાને 3335, જયશ્રી ભટ્ટને 3011, જયસુખ પારઘીને 2868 વોટ મળ્યા હતા. જ્યારે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર 195 મત મળતા તેની ડિપોઝિટ જપ્ત થઇ ગઇ છે.
'ગણેશ ગોંડલના જેલમાંથી ફોર્મ ભરવાના સવાલ પર ધારાસભ્ય ગીતાબાએ જણાવ્યુ કે, ગણેશભાઈએ જેલમાંથી ફોર્મ ભર્યુ છે તો કંઈ ખોટું કર્યું નથી, લોકશાહીમાં સૌને હક છે અને કોઇ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. કાયદા હેઠળ રીતે જે રીતે ફોર્મ ભરવાનું છે તે રીતે જ ભર્યું હતું. લોકોએ તેમને આગ્રહથી જ ફોર્મ ભરાવ્યું છે, ન ગણેશની કોઈ માગ હતી કે ન તેના પરિવારની. પણ લોકોની ઇચ્છાથી અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ ભાજપે આપેલા મેન્ડેટથી ગણેશે ચૂંટણીમાં લડી.
કોંગ્રેસ પેનલના ઉમેદવાર યતિશ દેસાઈએ હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે લોકોનો ચૂકાદો અમે માથે ચઢાવીએ છીએ. લોકોએ અમારામાં વિશ્વાસ નથી મૂક્યો અને અમને હાર મળી છે તેને અમે સ્વીકારીએ છીએ. ચૂંટણી અગાઉ ભોજરાજપરા વિસ્તારમાં કોંગ્રેસ પેનલે એક સભા કરી હતી જેમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાં ઉમેદવાર યતિષભાઈએ પડકાર ફેંક્યો હતો કે જો હું ચૂંટણી હારી જાઉં તો રાજકારણ છોડી દઈશ તેને લઈને પણ યતિષભાઈ દેસાઈએ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, તમે પૂરો વીડિયો સાંભળ્યો નથી. મેં જિલ્લા ભાજપ પ્રમુખને ઉદ્દેશીને વાત કરી હતી. જો તેમના આકાને પૂછીને આ મારો પડકાર સ્વીકારે તો અને જો તેઓ પણ સ્વીકારે તો આ વાત મેં કરી હતી. તેમ છતા તમે લોકો મને એમ કહેશો કે રાજકારણ મૂકી દેવું જોઈએ તો ચોક્કસ મૂકી દઈશ. જ્યારે સાચી વાત હોય છે ત્યારે હાર સ્વીકારવી પડે છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી અધિકારીના કારણે ભાજપે આ ચૂંટણી જીતી છે.
ઉલ્લેખનીય છે કે મતગણતરીને લઈને કડવા પટેલ સમાજના 30 બૂથ ઊભા કરાયા હતા. ચૂંટણી અધિકારી જે.બી.કાલરિયાના માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકના 55 કર્મચારીઓ, 90 શિક્ષકો તથા 30 માર્કેટ યાર્ડના કર્મચારીઓને કામે લગાડ્યા હતા. ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક DySP, 2 PI, 11 PSI, 180 પોલીસ કોન્સ્ટેબલ, LCB, SOG તથા હોમગાર્ડ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે પણ મતદાન કેન્દ્રની મુલાકાત લીધી હતી. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp