મહુઆ મોઇત્રાએ જો સંસદ સભ્યપદ પાછું મેળવવું હોય તો આ વિક્લ્પો બચ્યા છે
સંસદની એથિક્સ કમિટીના રિપોર્ટ અને પછી લોકસભામાં વોટીંગ બાદ TMC સાંસદ મહુઆ મોઇત્રાનું શુક્રવારે સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું. હવે સવાલ એ છે કે તેમણે જો સંસદ સભ્યપદ પાછું મેળવવું હોય તો તેમની પાસે કયા કયા વિકલ્પો બચ્યા છે? મહુઆ મોઇત્રાનું શુક્રવારે સંસદ સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું. વિરોધ પત્રોએ મહુઆનું સમર્થન કર્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અને પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના 'પૂર્વ સાંસદ' મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. તેમના પર અદાણી અને PM મોદી સામે લોકસભામાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લેવાનો આરોપ હતો. સંસદની એથિક્સ કમિટીએ આ આરોપોની તપાસ કરી હતી.
કમિટીએ રિપોર્ટ 8 ડિસેમ્બરે સંસદમાં રજૂ કર્યો. મહુઆ મોઇત્રાને હાંકી કાઢવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને વોટીંગથી દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. અને, મહુઆ મોઇત્રાએ સંસદ પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.
કાયદાના જાણકારોના મતે મહુઆ મોઇત્રા સાંસદને રદ કરવાના નિર્ણય સામે કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, મહુઆ મોઇત્રા આ નિર્ણયને હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. આ નિર્ણયને ગેરબંધારણીય, કુદરતી ન્યાયનું ઉલ્લંઘન અને તેની ગેરકાયદેસરતાનો હવાલો આપી શકે છે. અગાઉ પણ સાંસદોને હાંકી કાઢવામાં આવ્યા હતાતેમણે આ નિર્ણયોને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યા હતા.
2007ના રાજા રામ પાલ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સંસદ સાંસદોને બહાર કરી શકે છે. પરંતુ હકાલપટ્ટીના નિર્ણયની ન્યાયિક સમીક્ષા કરવાની સુપ્રીમ કોર્ટ પાસે પણ સત્તા છે.મહુઆ મોઇત્રા એથિક્સ કમિટીના અધિકારક્ષેત્ર અને આચરણને પણ પડકારી શકે છે. તેઓ દલીલ કરી શકે છે આ કેસ વિશેશાધિકાર સમિતિએ જોવો જોઇતો હતો ન કે આચાર સમિતિએ.આ સિવાય મહુઆ મોઇત્રા સંસદ અથવા કોઈપણ વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા એથિક્સ કમિટીની કાર્યવાહી પર સવાલ ઉઠાવી શકે છે.
પૂર્વ સાંસદ મહુઆ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલા માનહાનિ કેસ દ્વારા રાહત માંગી શકે છે. જો તેણી ઘણા લોકો સામે માનહાનિના કેસમાં સાબિત કરી શકે છે કે તેણીની સામે કરાયેલા આક્ષેપો નિંદાત્મક, બનાવટી અથવા તેણીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા છે, તો તેઓ એથિક્સ કમિટીના નિર્ણયને ઉથલાવી દેવાની આશા રાખી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp