શું ફરજિયાત મતદાન કરવું પડશે? જાણો મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે શું કહ્યું

PC: hindustantimes.com

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઇને ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર સમીક્ષા કરી રહ્યા છે. છેલ્લાં કેટલાંક સમયથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૂંટણી પંચ હવે ચૂંટણીઓમાં દરેક જણાએ ફરજિયાત મતદાન કરવું પડશે એવો નિયમ લાવી રહી છે. આ બાબતે રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમને સવાલ પુછવામાં આવ્યો હતો કે શું ચૂંટણી પંચ મતદાન ફરજિયાત કરી રહી છે? જેના જવાબમાં રાજીવ કુમારે કહ્યું હતું કે ચૂંટણી પંચ સમક્ષ આવી કોઇ દરખાસ્ત નથી. પરંતુ મતદાન વધારવા અને સુવિધા વધારવાની પહેલ કરવામાં આવી છે. મતલબ કે ફરજિયાત મતદાનની જે ચર્ચા ચાલી રહી છે તેની પર મુખ્ય ચૂંટણી કમિશ્નરે પૂર્ણ વિરામ લગાવી દીધું છે.

રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ અંગે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર રાજ્યમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ મતદાનની સરળતા અને મતદાનની ટકાવારી વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને રાજસ્થાનમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે અમે પ્રતિબધ્ધ છીએ.

પ્રેસ કોન્ફરન્સમાં રાજીવ કુમારે કહ્યુ કે, ચૂંટણી લડનારા ઉમેદવારોએ અખબારોમાં જાહેરાતના માધ્યમથી પોતાના ક્રાઇમ રેકોર્ડસ વિશે જાણકારી આપવી પડશે. તો રાજકીય પાર્ટીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગીનું કારણ પણ આપવું પડશે.

રાજીવ કુમારે કહ્યુ કે વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજસ્થાનમા પહેલીવાર બુઝર્ગ મતદારો અને 40 ટકા કરતા વધારે દિવ્યાંગો માટે ઘરેથી મત આપવાની સુવિધા આપવામાં આવશે. તેમણે મતદાન મથક સુધી જવાની જરૂર નહીં પડશે.

રાજીવ કુમારે કહ્યું કે,રાજ્યની કાયદા અમલીકરણ એજન્સીઓને સરહદી વિસ્તારોમાં, ખાસ કરીને હરિયાણા અને પંજાબની સરહદો સાથેના વિસ્તારોમાં દારૂ અને રોકડની હિલચાલને રોકવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નરે આગળ કહ્યું કે રાજસ્થાનના દરેક મતદારોને વિનંતી છે કે તેઓ તેમના મત આપવાના અધિકારનો ઉપયોગ કરે. રાજીવ કુમારે કહ્યું કે, છેલ્લાં 2 દિવસથી અમે બધી રાજકીય પાર્ટીઓ અને એજન્સીઓને મળી રહ્યા છીએ. તેમની માંગ છે કે જો કોઇ ઉમેદવાર ખોટી એફિડેવીટ ફાઇલ કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે. બીજી માંગ એ કરી છે કે જાતિ સંબંધિત જાણકારી જાહેર ન કરવામાં આવે.

રાજીવ કુમારે કહ્યું કે, રાજસ્થાનના સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષાદળોને તૈનાત કરવામા આવશે. રાજસ્થાનમાં આ વખતે 5.25 કરોડ મતદારો વોટ આપશે. રાજસ્થાનમાં 100થી વધારે ઉંમર ધરાવતા 18000 મતદારો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp