રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજ વિશે શું બોલી ગયા? પદ્મિની બાએ કહ્યું- માફી માગો
ક્ષત્રિય સમાજ વિશે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનનો વિરોધનો આક્રોશ હજુ થાળે પડ્યો નથી ત્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદને કારણે હોબાળો મચી ગયા છે. ભાજપે તાત્કાલિક રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી તો છે ગુજરાતના ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબાએ પણ કહ્યું છે કે, રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજના માફી માંગે. રૂપાલાને ક્ષત્રિય સમાજ કોઇ પણ સંજોગોમાં માફી નહીં આપે એવું કહેનારા પદ્મિનીબાએ રાહુલ પાસે માફી માંગવાની વાત કરી છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદન પર અમિત માલવિયાએ કહ્યું છે કે આ વાંધાજનક ટિપ્પણી માટે રાહુલ ગાંધીએ તરત જ રાજપૂત સમુદાયની માફી માંગવી જોઈએ. વાસ્તવમાં, અમિત માલવિયાએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કર્ણાટકના બેલ્લારીમાં રાહુલ ગાંધીના ભાષણની 24 સેકન્ડની વીડિયો ક્લિપ શેર કરી છે.
જેમાં રાહુલ ગાંધી એવું કહેતા સાંભળવા મળે છે કે, રાજા-મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા તે કરતા હતા, કોઈને જમીનની જરૂર હોય તો તે છીનવી લેતા હતા. કોંગ્રેસ પાર્ટી અને અમારા કાર્યકરોએ દેશની જનતા સાથે મળીને આઝાદી હાંસલ કરી, લોકશાહી લાવ્યા અને દેશ માટે બંધારણ અપાવ્યું.
રાહુલ ગાંધીના નિવેદન પર રાજકોટ કરણીસેનાના મહિલા પ્રમુખ અને ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબાએ, રાહુલ ગાંધીએ ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઇએ. તેમણે કહ્યુ કે, હવે તો કોઇ પણ વ્યક્તિ ક્ષત્રિય સમાજ વિશે બોલી જાય છે,તેઓ ક્ષત્રિય સમાજને સમજે છે શું?
પદ્મિનીબાએ કહ્યું કે, તેઓ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરશે. ભાજપ હોય કે કોંગ્રેસ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે બોલશે તેનો વિરોધ થશે.પદ્મિનીબાએ નામ લીધા વગર કહ્યુ કે, ક્ષત્રિય સમાજમાં પણ કેટલાંક જયચંદો છે, જેને કારણે સમાજ 20 વર્ષ પાછળ જતો રહ્યો છે.
આ પહેલા ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાએ પણ રાજપૂત સમાજને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે રાજકોટની એક સભામાં કહ્યું હતું કે, ભારતમાં અંગ્રજો સહિત અનેક લોકો રાજ કરી ગયા તે વખતે મહારાજાઓ નમી ગયા હતા અને રોટી-બેટીના વ્યવહાર કર્યા હતા.
આ નિવેદનની ગુજરાતમાં તો અસર પડી જ છે, પરંતુ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ જોવા મળી હતી. પુરુષોત્તમ રૂપાલાની ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ સતત ભાજપનો વિરોધ કરી રહ્યો છે. જોકે, પુરુષોત્તમ રૂપાલાએ તેમની ટિપ્પણી બદલ માફી માંગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp