PMની ગુજરાત મુલાકાત પહેલા ક્ષત્રિય સંકલન સમિતિએ સમાજને શું પત્ર લખ્યો?

PC: moneycontrol.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેના દિવસે બે દિવસના પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં 2 દિવસમાં 6 સભા કરવાના છે. એ પહેલા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ સમાજને સંબોધીને એક પત્ર લખ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રૂપાલાના નિવેદનને કારણે છેલ્લાં 1 મહિનાથી વધારે સમયથી ક્ષત્રિય સમાજ મહાસંમેલન કરીને નારાજગી વ્યક્ત કરી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા 2024ની ચૂંટણીને લઇને દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. તેઓ 1 મેના દિવસે ડીસા અને હિંમતનગરમાં જાહેરસભા કરવાના છે અને 2જીના મેના દિવસે આણંદ, સુરેન્દ્ર નગર, જૂનાગઢ અને જામનગરમાં સભા કરવાના છે.

જામનગર જિલ્લા રાજપૂત સમાજ સંકલન સમિતિ અને મોરબી જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ પ્રધાનમંત્રી મોદીની સભા પહેલાં એક પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી લોકશાહી ઢબે ચાલી રહેલા નારી અસ્મિતા આંદોલનને અવળે પાટે ચઢાવવા કે શાંતિ ડહોળવાના પ્રયાસ થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

જામનગરમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ દરમિયાન કંઇ આવુ કૃત્ય કરીને હીતશત્રુઓ સમાજને બદનામ કરવાની કોશિશ કરે તેવું દેખાઇ રહ્યું છે. આવું કંઇ ન બને તેના માટે આપણે 7ના મતદાનના લક્ષમાં રાખીને શાંતિ જાળવવાની છે. કોઇએ પણ કાયદો હાથમાં લેવો નહીં કે, આચાર સંહિતા ભંગ કરવી નહીં. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેનું ધ્યાન રાખજો.

ગુજરાતના રાજકોટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચે એક નિવેદન કરેલું કે દેશમાં અંગ્રેજો સહિત અનેક લોકો રાજ કરી ગયા, એ સમયે મહારાજાઓ નમી ગયા હતા અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા. આ રોટી બેટીના નિવેદન પર ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી વ્યાપી ગઇ અને આજે એક મહિના કરતા વધારે સમય થવા છતા આંદોલન શાંત થતું નથી.

પરષોત્તમ રૂપાલાએ પોતે અનેક વખત માફી માંગી, સી. આર પાટીલે પત્રકાર પરિષદમાં બે-હાથ જોડીને માફી માંગેલી અને ભાજપે પણ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્ષત્રિય સમાજ માનવા તૈયાર નથી.

રૂપાલાને રાજકોટ પરથી હટાવવાની ક્ષત્રિય સમાજે માંગ કરેલી, પરંતુ ભાજપે રૂપાલાને હટાવ્યા નથી. રૂપાલાના આ નિવેદનથી ભાજપ પણ ટેન્શનમાં છે કે ક્યાંક અન્ય બેઠકો પર પણ અસર ન પડી જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp