કોણ છે દિનેશ અરોડા, જેની જુબાની પર થઈ AAP સાંસદ સંજય સિંહની ધરપકડ

PC: financialexpress.com

આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ગઈ છે. દિલ્હીના કથિત આબકારીનીતિ કૌભાંડમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ અગાઉ EDએ તેમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. આબકારીનીતિ કૌભાંડ કેસમાં અગાઉ જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં બંધ છે અને હવે સંજય સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. ED આબકારીનીતિ કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. ગત દિવસોમાં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં સંજય સિંહનું પણ નામ છે. કૌભાંડમાં સંજય સિંહનું નામ સામે આવવામાં દિનેશ અરોડાને મહત્ત્વની કડી માનવામાં આવી રહ્યો છે.

આબકારીનીતિ કૌભાંડમાં દિનેશ અરોડા એક આરોપી હતો, પરંતુ ત્યારબાદ તે સરકારી સાક્ષી બની ગયો હતો. દિનેશ અરોડાની જુબાનીના આધાર પર જ સંજય સિંહનું નામ ચાર્જશીટમાં આવ્યું અને હવે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. સંજય સિંહની ધરપકડ પાછળ દિનેશ અરોડાની જુબાની છે. EDએ પોતાની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે દિનેશ અરોડાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. આ મીટિંગમાં સંજય સિંહ પણ ઉપસ્થિત હતા.

EDને આપેલા નિવેદનમાં દિનેશ અરોડાએ જણાવ્યું કે, તે એક પ્રોગ્રામમાં સંજય સિંહને મળ્યો હતો અને ત્યારબાદ મનીષ સિસોદિયા સાથે તેની મુલાકાત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ પ્રોગ્રામ દિલ્હી ચૂંટણી અગાઉ ફંડ ભેગો કરવા માટે કરવામાં આવ્યો હતો. ચાર્જશીટ મુજબ દિનેશ અરોડા સૌથી પહેલા સંજય સિંહને મળ્યો હતો. મનીષ સિસોદિયા સાથે તેની મુલાકાત પોતાના રેસ્ટોરાંમાં થયેલી એક પાર્ટીમાં થઈ હતી. સંજય સિંહના કહેવા પર અરોડાએ કેટલાક રેસ્ટોરાં માલિકો સાથે વાત કરી. અરોડાએ દિલ્હી ચૂંટણી માટે પાર્ટી ફંડ ભેગું કર્યું અને 32 લાખ રૂપિયાનો ચેક સિસોદિયાને આપ્યો.

EDએ આરોપ લગાવ્યો કે, તેના બદલે સંજય સિંહે દિનેશ અરોડાનો એક કેસ ઉકેલ્યો જે એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ પાસે પેન્ડિંગ હતો. ચાર્જશીટ મુજબ, દિનેશ અરોડાએ જણાવ્યું કે સાર્થક ફ્લેક્સના રિટેલ લાઇસન્સ હોલ્ડ અમિત અરોડાએ તેણે અને કંવરબીરને સાર્થક ફ્લેક્સના જોઇન્ટ વેન્ચરમાં પાર્ટનર બનાવવા કહ્યું હતું. અમિતે તેની પાસે પોતાની દુકાનને પિતમપુરાથી અખોલા શિફ્ટ કરવામાં મદદ માગી, પરંતુ આ મામલો એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ પાસે પેન્ડિંગ હતો. દિનેશ અરોડાએ આ કેસને સિસોદિયા સામે ઉઠાવ્યો અને પછી સંજય સિંહના નિર્દેશ પર એક્સાઈઝ ડિપાર્ટમેન્ટે કેસને થાળે પડ્યો.

કોણ છે આ દિનેશ અરોડા?

દિનેશ અરોડા દિલ્હીનો એક મોટો કારોબારી છે અને રેસ્ટોરાં ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતું નામ છે. તે વર્ષ 2009થી આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્ષ 2009માં તેણે દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં પોતાનું પહેલું કાફે ખોલ્યું હતું. તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઉપસ્થિત જાણકારી મુજબ, તે ચિકા દિલ્હી, અનપ્લગ્ડ કોર્ટયાર્ડ અને લા રોકા એરોસિટીના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. CBI મુજબ દિનેશ અરોડા રાધા ઇન્ડસ્ટ્રીઝનો ડિરેક્ટર છે. એ સિવાય અરોડા નેશનલ રેસ્ટોરેન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)ના કમિટી મેમ્બર પણ છે.

એટલું જ નહીં જુલાઇ 2018માં અરોડાએ ઇસ્ટમેન કલર રેસ્ટોરેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની પણ શરૂ કરી હતી. NRAIની વેબસાઇટ મુજબ, આજે દિલ્હીના બધા મોટા બજારોમાં દિનેશ અરોડાના રેસ્ટોરાં છે. અરોડા ખાવા-પીવાનો શોખીન છે. અરોડા એ સમયે પણ ચર્ચામાં આવ્યો હતો, જ્યારે કોવિડ લોકડાઉન દરમિયાન તેણે જરૂરિયાતમંદ લોકોને રાશન વહેચ્યું હતું. તેણે પોતાના ઘરને પેકેજિંગ યુનિટ તરીકે બદલી દીધું હતું અને અહીથી જ ભોજન પેક થઈને ગરીબો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા.

દિનેશ અરોડાએ થોડા વર્ષો અગાઉ જ પૂજા સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ લવ એટ ફર્સ્ટ સાઇટનો મામલો હતો અને પૂજાએ જ દિનેશને પ્રપોઝ કર્યો હતો. વર્ષ 2016માં પૂજા, દિનેશના બિઝનેસ સાથે જોડાઈ હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. પૂજાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અને દિનેશ એક જ પ્રકારનું ભોજન ખાવાનું પસંદ કરે છે, એક જ પ્રકારનું મ્યુઝિક સાંભળે છે અને સાથે જ ટ્રાવેલ કરે છે. પૂજા મુજબ દિનેશ જ્યાં રેસ્ટોરાની ડિઝાઇન, ઓપરેશન, ફાઇનાન્સ અને ટીમ બિલ્ડિંગ સંભાળે છે, તો તે માર્કેટિંગનું કામ જુએ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp