પહેલીવાર જ ધારાસભ્ય બની ને સીધા રાજસ્થાનના CM બનનાર ભજનલાલમાં શું છે ખાસ?
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પરિણામોના 10 દિવસ પછી આખરે ભાજપે રાજસ્થાનના મુખ્યમંત્રી અને બે ડેપ્યુટી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી તરીકે બ્રાહ્મણ સમાજમાંથી આવતા ભજનલાલ શર્માને રાજસ્થાનની ગાદી સોંપવામાં આવી છે અને ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે પ્રેમચંદ બૈરવા અને દિયા કુમારી પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આ સાથે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પસંદગીની પ્રક્રિયા પુરી થઇ છે.
ભાજપે ત્રણેય રાજ્યોમાં અનેક સમીકરણો સાધ્યા છે. ખાસ કરીને 2024 લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાયા છે.
ભાજપે જ્ઞાતિવાદના રાજકારણને બરોબર પ્રાધાન્ય આપ્યું છે. આદિવાસી બહુમતી ધરાવતા છત્તીસગઢમાં આદિવાસી ચહેરાને CM બનાવવમાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં OBC અને રાજસ્થાનમાં સામાન્ય કેટેગરી એટલે કે સવર્ણને CM બનાવાયા છે. મતલબ કે આદિવાસી, ઓબીસી અને સામાન્ય કેટેગરી દરેકને પુરતુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
ભાજપે બીજુ એ ધ્યાન રાખ્યું કે, જેમણે સંગઠનમાં સારી કામગીરી કરી છે, સંગઠન માટે પોતાની જાત ઘસી નાંખી છે, જેઓ સંગઠનને વફાદાર રહ્યા છે, તેમને ચાન્સ આપવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા ભજનલાલ શર્મા તો પહેલી જ વાર ધારાસભ્ય બન્યા અને સીધા મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તેઓ સંઘ સાથે જોડાયેલા છે. મતલબ કે સંઘને પુરતુ પ્રાધાન્ય આપવામાં આવ્યું.
ત્રીજો મુદ્દો એ છેકે ભાજપે સેકન્ડ લીડરશીપ તૈયાર કરવા માંડી છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ , છત્તીસગઢમાં રમણ સિંહ અને રાજસ્થાનમાં વસુંધરા રાજે આ ત્રણેયની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે. જ્યારે ત્રણેય રાજ્યોમાં નવા CM 60 વર્ષ કરતા ઓછી ઉંમરના છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી બનેલા ભજનલાલ શર્માની ઇન્ટરનેટ પર ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ છે. તેઓ રાજસ્થાન ભાજપમાં 3 વખત મહામંત્રી રહી ચૂક્યા છે અને 2023ની ચૂંટણીમાં સાંગાનેરથી 48081 મતથી જીત્યા હતા.તેઓ ભરતપુરના રહેવાસી છે.
રાજસ્થાનમાં છેલ્લાં 10 દિવસથી ખેંચતાણ ચાલતી હતી કે CM કોણ બનશે? વસુંધરા રાજેનું પ્રેસર પોલિટિક્સ ચાલું રહ્યું હતું. ભાજપે રાજસ્થાનમાં નિરિક્ષક તરીકે રાજનાથ સિંહ, વિનોદ તાયડે અને સરોજ પાંડેને નિરક્ષક તરીકે રાજસ્થાન મોકલ્યા હતા. રાજનાથ સિંહને મોકલવા પાછળનું કારણ એવું હતું કે તેમના વસુંધરા રાજે સાથે સારા સંબંધ છે અને વસુંધરાને સમજાવી શકે તેવા એક જ નેતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp