26th January selfie contest

બજેટ સત્ર પહેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો કોના કારણે હતાશ-નિરાશ છે

PC: malayalamleadnews.com

ગુજરાત વિધાનસભાનું સત્ર 26મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે ત્યારે હજી પણ વિરોધપક્ષ મજબૂત છેકારણ કે તેની પાસે 71 ધારાસભ્યો છે પરંતુ કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે ધારાસભ્યો પિસાઇ રહ્યાં છે. પાર્ટી પ્રમુખ અને વિપક્ષના નેતાનું ગાઇડન્સ નહીં મળતાં પાર્ટીના સભ્યો દિશાશૂન્ય બની રહ્યાં છે જેનો સીધો ફાયદો ભાજપ ઉઠાવી રહ્યું છે.

ભાજપના એક સિનિયર નેતાએ કહ્યું કે ભાજપ અને સરકાર પર આક્ષેપ કરી રહેલા કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ભાજપની ચિંતા છોડીને તેમના ધારાસભ્યોની ખુશાલી માટેની ચિંતા કરવી જોઇએ. કોંગ્રેસના નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકતા નથી. તેમને જો ધારાસભ્યોની ચિંતા હોત તો એકપણ ધારાસભ્ય ભાજપમાં આવી શક્યો ન હોત. કોંગ્રેસ તેનું ઘર સંભાળી શકતી નથી.

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે- ભારત દેશની લોકશાહીમાં મજબૂત સરકારની સાથે મજબૂત વિરોધપક્ષ હોવો જરૂરી છે કે જેથી સરકાર કંઇ ખોટું કરતી હોય તો તેને ટોકી શકે છે.’ ગુજરાતમાં આજે સ્થિતિ એ છે કે વિપક્ષ કોંગ્રેસનું વિધાનસભામાં કંઇ ચાલતું નથી. સત્તાધારી પાર્ટી વિપક્ષને સભાગૃહમાં હડધૂત કરે છે છતાં કોંગ્રેસના સિનિયર નેતાઓ ચૂપ બેઠાં છે, કેમ કે તેમને તેમના ધારાસભ્યો શું કરે છે તેની ખબર નથી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી પરંતુ પ્રદેશ કોંગ્રેસના નબળા નેતાઓના કારણે છ સભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. આ છ પૈકી ત્રણ સભ્યોને ભાજપની સરકારે 24 કલાકમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી બનાવી દીધા છે. ગુજરાતમાં કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો હતા તેમને ભાજપે તેની પાર્ટીમાં ભેળવી દીધા છે અને કોંગ્રેસને એક પછી એક ફટકા આપ્યા છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવાના ખ્વાબ ભાજપ આ રીતે પૂરા કરી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં વિજેતા થયેલા કોંગ્રેસના સભ્યો એક પછી એક ભાજપમાં જઇને કોંગ્રેસની ઘોર ખોદી રહ્યાં છે છતાં કોંગ્રેસને તેમની સત્તા બચાવવાની પડી નથી.

ગુજરાતની 2017ની રાજ્યસભાની ચૂંટણી એક મોટો તમાશો બની ગઇ હતી. માત્ર ગુજરાત જ નહીં આખા દેશે તેની નોંધ લીધી હતી. ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થાય તે પહેલાં ગદ્દાર સભ્યને રાઇટ ટુ રિકોલ જેવો કાયદો બનાવીને મતદારોએ પાછો બોલાવીને તેને મળેલા તમામ હક્ક છીનવી લેવા જોઇએ. જે પાર્ટીમાંથી ચૂંટાયેલો સભ્ય હોય તે પાર્ટીને સભ્ય વફાદાર ન રહે તો તેને બીજી પાર્ટીમાં જઇને સત્તા પર ચાલુ રહેવાનો કોઇ અધિકાર નથી.

ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની નજીક હતી પરંતુ સત્તાવાર ઉમેદવારને હરાવવાના પેતરાના કારણે પાર્ટીના 25 એવા ઉમેદવારો ચૂંટણી હાર્યા છે કે જેઓ જીત્યા હોત તો આજે ગુજરાતમાં ભાજપની નહીં કોંગ્રેસની સરકાર બની હોત. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓએ જ કોંગ્રેસને હરાવી છે. પાર્ટીના યુવા નેતાઓને સાથ આપવાની જગ્યાએ પાર્ટીના સિનિયર નેતાઓએ નિષ્ક્રિય રહીને પાર્ટીને મોટું નુકશાન કર્યું છે અને હજી પણ તેઓ કરતા રહ્યાં છે પરિણામે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જાય છે.

 કોંગ્રેસના હાઇકમાન્ડની વારંવારની ચેતવણી છતાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકતા નથી. 2005 પછી નરેન્દ્ર મોદીની સૂચનાથી કોંગ્રેસના ચાલુ ધારાસભ્યોને રાજીનામા અપાવીને ભાજપમાં પ્રવેશ આપવાની શરૂ કરાયેલી પ્રથા હાલની સ્થિતિએ હજી પણ ચાલુ છે. ગુજરાત કોંગ્રેસના 71 પૈકી 50 ધારાસભ્યો એવા છે કે જેમને પાર્ટીના પ્રદેશ આગેવાનો આદરભાવથી બોલાવી પણ શકતા નથી. વિધાનસભાનું સત્ર હોય ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને ધારાસભ્યો યાદ આવે છેપરંતુ ચાલુ દિવસોમાં ધારાસભ્યો સાથે લંચ કે ડિનર લીધું હોય તેવું છેલ્લા ઘણાં વર્ષોથી ધારાસભ્યોને યાદ નથી.

પાર્ટીનું પ્રદેશ એકમ ધારાસભ્યોને નહીં સાચવે તો 2022માં એવો સમય આવશે કે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના જોરે ભાજપ સત્તા હાંસલ કરશેજે રીતે આજે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા ભોગવી રહી છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ તેમના ચૂંટાયેલા સભ્યોની અવગણના કરી છે પરિણામે પ્રત્યેક ચૂંટણી પછી અથવા તો પ્રત્યેક હોદ્દેદારની નિયુક્તિ સમયે કોંગ્રેસના સભ્યો ભાજપને સપોર્ટ કરતા જોવા મળ્યા છે. કોંગ્રેસના 50થી વધુ ધારાસભ્યો તેમની અવગણનાને કારણે પાર્ટીના સિનિયર નેતાઓથી નારાજ થયેલા છે.

 
 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp