બહુમતી ન હોવા છતા હરિયાણામાં ભાજપ સરકાર સલામત કેમ છે? જાણો નંબર ગેમ

PC: Khabarchhe.com

હરિયાણામાં ભાજપ સરકાર માટે જોખમ વધી ગયું છે. 3 અપક્ષ ધારાસભ્યોએ નાયબ સિંહ સૈની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે અને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપી દીધું છે.

90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં હાલમાં 88 ધારાસભ્યો છે. કરનાલથી ભાજપના મનોહર લાલ ખટ્ટર અને રાનિયાથી અપક્ષ રણજીત ચૌટાલા લોકસભા ચૂંટણી લડી રહ્યા હોવાથી રાજીનામું આપી દીધું હોવાથી બે વિધાનસભા બેઠકો ખાલી છે.

હવે કુલ 88 ધારાસભ્યોમાંથી, ભાજપના 40 ધારાસભ્યો, કોંગ્રેસના 30 ધારાસભ્યો, જનનાયક જનતા પાર્ટી (JJP)ના 10 ધારાસભ્યો, 6 અપક્ષો, ભારતીય રાષ્ટ્રીય લોકદળ અને હરિયાણા લોકહિત પાર્ટીના એક-એક ધારાસભ્ય છે. હાલમાં, ભાજપને તેના 40 ધારાસભ્યો સિવાય 2 અપક્ષ અને હરિયાણા લોકહિત પાર્ટીના એક ધારાસભ્યનું સમર્થન છે, એટલે કે કુલ 43 ધારાસભ્યો ભાજપની છાવણીમાં છે.

બહુમતી માટે જરૂરી આંકડો 45 છે. એટલે કે ભાજપ પાસે બહુમતી કરતા 2 ધારાસભ્યો ઓછા છે. આ જ કારણ છે કે કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે નયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે,ધારાસભ્યો  સોમબીર સાંગવાન, રણધીર ગોલન અને ધરમપાલ ગોંદરે ભાજપ સરકારને તેમનો ટેકો પાછો ખેંચી લીધો છે. તેમણે કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આ લોકોએ જનતાની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભાજપ સરકારની નૈતિક સત્તા ખતમ થઈ ગઈ છે, નાયબ સિંહ સૈનીપદ છોડવું જોઈએ અને હરિયાણા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ જેથી નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે.

જો કે બીજી તરફ ભાજપનો દાવો છે કે તેમની પાસે 47 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જનનાયક જનતા પાર્ટીના 4 ધારાસભ્યો જરૂર પડ્યે ભાજપને સમર્થન આપી શકે છે, જેથી ભાજપની સંખ્યા 47 થશે.

પરંતુ જો JJPના 4 ધારાસભ્યો ભાજપને સમર્થન ન આપે તો શું કોંગ્રેસ સરકાર બનાવી શકે? કોંગ્રેસની નંબર ગેમ જોઇએ તો તેમની પાસે 30 ધારાસભ્યો છે અને 3 અપક્ષોના સમર્થન પછી 33 ધારાસભ્ય થાય છે. JJPના 10 ધારાસભ્યો કોંગ્રેસ સાથે જાય તેવું અત્યારે લાગતું નથી, પરંતુ ધારો કે જાય તો પણ તેમની સંખ્યા 43 થાય. એટલે કોંગ્રેસના હાથમાં બાજી આવે તેવું દેખાતું નથી.

આ આખા ખેલમાં કોંગ્રેસ ભાજપને ગૃહમાં બહુમત સાબિત કરવા માટે કહી શકે છે? અને પછી ભાજપે ગૃહમાં ઘણું સાબિત કરવું પડશે અને પછી જો ભાજપ બહુમતી સાબિત નહીં કરી શકે તો શું સરકાર પડી જશે?

આ સ્થિતિમાં પહેલી વાત એ છે કે ભાજપને અત્યારે વિધાનસભામાં બહુમતી સાબિત કરવાનું કહી શકાય તેમ નથી. કારણ કે 13 માર્ચે જ નાયબ સિંહ સૈનીની સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો હતો. નિયમ કહે છે કે એક વખત ગૃહમાં બહુમતી સાબિત થઈ જાય પછી છ મહિના સુધી કોઈ વિશ્વાસ મત લઈ શકાય નહીં. એ રીતે જોતા હરિયાણમાં ભાજપ સરકારને કોઇ જોખમ દેખાતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp