મહિલા અનામત બિલના સમર્થનમાં 454 સાંસદે મત આપ્યા, ફક્ત આ 2 સાંસદે વિરોધ કર્યો

PC: PIB

ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ ‘નારી શક્તિ વંદન’ બિલ બુધવારે લોકસભામાં બે તૃત્યાંશ બહુમતી સાથે પસાર તઇ ગયું છે. બિલના પક્ષમાં 454 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં માત્ર 2 જ મત પડ્યા હતા. 33 ટકા મહિલા આરક્ષણ બિલનો વિરોધ માત્ર AIMIMના બંને સાંસદોએ જ કર્યો હતો.AIMIMના પ્રમુખ અને હૈદ્રાબાદના સાંસદ અસદુદ્દીન ઔવેસી અને ઔરંગાબાદના સાંસદ ઇમ્તિયાઝ જલીલે મહિલા આરક્ષણ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે મહિલા આરક્ષણ બિલની વિરુદ્ધમાં વોટીંગ કર્યું હતું. એ પછી ઔવસીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે શા માટે મહિલા આરક્ષણ બિલનો વિરોધ કર્યો.

ઔવેસીએ કહ્યું કે તેઓ OBC અને મુસ્લિમ મહિલાઓને રિઝર્વેશનમાં સામેલ કરવા માટે લડત આપી રહ્યા છે. તેમણે કહ્યુ કે ભારતમાં OBCની વસ્તી 50 ટકા છે, પરંતુ લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ 22 ટકા છે.ભારતમાં મુસ્લિમ મહિલાઓની વસ્તી 7 ટકા છે, જ્યારે લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ 0.7 ટકા જેટલું જ છે. તો શું તમે તેમને પ્રતિનિધ્ત્વ ન આપશો?

આ પહેલા ઔવેસીએ આજે મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરીને કહ્યુ કે આમાં માત્ર સવર્ણ મહિલાઓને જ આરક્ષણ મળશે. ઔવેસીનું કહેવુ હતુ કે આ બિલ પાછળનો હેતુ લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓને પ્રતિનિધ્તવ આપવાનો છે. તેમણે સવાલ કર્યો કે OBC અને મુસ્લિમ મહિલાઓ છે, જેમનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે તો શું તમે તેમને આરક્ષણ નહીં આપો?

ઔવેસીએ કહ્યુ કે અત્યાર સુધીમાં કુલ 690 મહિલા સાંસદ ચૂંટાઇ છે તેમાંથી માત્ર 25 જ મુસ્લિમ સમુદાયથી આવે છે. મુસ્લિમ મહિલાઓ બેવડા ભેદભાવનો સામનો કરવો પડે છે. તેમણે મુસ્લિમ અને OBCને તેમની હિસ્સેદારી નહીં આપવાનો ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો હતો.

આ પહેલા બુધવારે આઠ કલાકની જોરદાર ચર્ચા બાદ લોકસભામાં બંધારણ (128મો સુધારો) બિલ પસાર કરવામાં આવ્યું હતું. ચર્ચામાં 60 સભ્યોએ ભાગ લીધો હતો. બિલ પર વોટિંગ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. નવા સંસદ ભવનમાં પસાર થનારું આ પહેલું બિલ હતું.

કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રસ્તાવિત કાયદાના દાયરામાં OBC મહિલાઓનો સમાવેશ કરવા માટે જોરદાર વકાલત કરી હતી. તેમણે કહ્યુ કે આરક્ષણને લાગૂ કરવામાં વિલંબ થશે તો મહિલાઓ માટે તે ભારે અન્યાય હશે. જો કે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સ્પષ્ટતા કરી દીધી હતી કે 2024 લોકસભા ચૂંટણી પછ વસ્તી ગણતરી અને સીમાંકન શરૂ થઇ જશે અને 2029 સુધીમાં મહિલા આરક્ષણ બિલ લાગુ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp