રિવાબાએ જણાવ્યું શું થયેલું કાર્યક્રમમાં, કેમ ગુસ્સે થઈ ગયેલા સાંસદ અને મેયર પર

PC: jagran.com

જામનગરમાં ભાજપની 3 મહિલા નેતાઓ વચ્ચેની ભાંજગડે ગુરુવારે આખા ગુજરાતના રાજકારણમાં તો ગરમાટો લાવી જ દીધો હતો, પરંતુ દિલ્હી સુધી તેના પડઘા પડ્યા હતા. ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ અને જામનગર મહાનગર પાલિકાના મેયર બીના કોઠારીને જાહેરમાં ખખડાવતા હોય તેવો વીડિયો વાયરલ થવાને કારણે ભારે હોબાળો મચી ગયો હતો. વાતનું વતેસર થઇ જતા રિવાબાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તેમની કમાન આખરે કેમ છટકી ગઇ હતી.

રિવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુરુવારે જામનગરના લાખોટા તળાવ ખાતે મહાનગર પાલિકા દ્રારા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના અધિકારીઓ, ભાજપ નેતાઓ બધા હાજર હતા. આ કાર્યકર્મમાં હું સવારે 9 વાગ્યે પહોંચી ગઇ હતી અને સાંસદ પૂનમ માડમ 10-30 વાગ્યે આવ્યા હતા. કાર્યક્રમ ખુબ સારી રીતે ચાલી રહ્યો હતો.

રિવાબા જાડેજાએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક શહીદ વીર જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે ‘મારી માટી  મારો દેશ’ કાર્યક્રમ કરવાનું કહેલું છે. આ કાર્યક્રમમાં દેશની વીર જવાન શહીદોને શ્રધ્ધાંજલી આપવાની હતી.

શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટે સાંસદ પૂનમ માડમે ચંપલ પહેરીને શહીદોને માળા પહેરાવી હતી. એ પછી મારો વારો આવ્યો તો શહીદોના આદર અને સન્માન માટે અને ખાસ કરીને જ્યારે પ્રધાનમંત્રી આટલું મહત્ત્વ આપી રહ્યા છે ત્યારે મેં મારી ચંપલ ઉતારીને વીર શહીદોને માળા ચઢાવીને નમન કર્યું હતું દેશના રીઅલ હીરોને સન્માન આપવા ચંપલ ઉતારવા જોઇએ એવું મારું માનવું છે. એ પછી બધાએ ચંપલ ઉતારીને શહીદોને માળા પહેરાવી.

આ પછી હું, સાંસદ પૂનમ માડમ  અને મેયર બીના કોઠારી ત્રણેય સાથે ઉભા હતા ત્યારે પૂનમ માડમે એક નિવેદન આપ્યું જે ચોંકાવનારું હતું. રિવાબાએ કહ્યું કે, પૂનમ માડમે એવું કહ્યું કે આવા કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ ચંપલ ઉતારતા નથી, પણ કેટલાંક ભાન વગરના લોકો એકસ્ટ્રા ઓવર સ્માર્ટ થવા માટે ચંપલ ઉતારે છે. આ શબ્દો મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડનારા હતા એટલે મારી કમાન છટકી હતી.

જો કે રાજકરાણના જાણકારોનું કહેવું છે કે રિવાબા જાડેજા અને પૂનમ માડમ વચ્ચે જૂનું વેરઝેર ચાલી રહ્યું છે જે ભડકો થઇને આજે બહાર આવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp