સુપ્રીમ કોર્ટના નિવૃત જજને રાજ્યપાલ બનાવવા પર કોંગ્રેસે હોબાળો કેમ મચાવ્યો છે?
પૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નજીરને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેમના રાજ્યપાલ બનવાને કારણે વિપક્ષના મનમા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ન્યાયાધીશોનું રાજ્યપાલ બનવું શું ન્યાયતંત્રને કમજોર કરે છે?શું લોકોનો તેમાંથી વિશ્વાસ ઉઠી જાય છે?
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા નિવૃત્ત થયા હતા અને હવે તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસને તેમનું ગવર્નરપદ પસંદ નથી આવ્યું. ન્યાયતંત્રના લોકોને શા માટે સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમણે આને યોગ્ય પ્રેકટીસ માની નથી.
રાશિદ આલ્વીનું કહેવું છે કે કોઇ પણ જજને સરકારી પદ આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. એક અહેવાલ મુજબ 50 ટકા નિવૃત જજ સુપ્રીમ કોર્ટના છે, જેમને સરકાર કોઇકને કોઇક જગ્યાએ મોકલી રહી છે જેને કારણે લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ઘટી રહ્યો છે. જસ્ટિસ ગોગાઇને તમે હમણા તો રાજ્યસભા આપી અને હવે તમે જજ નજીરને ગર્વનર બનાવી દીધા. કોંગ્રેસ નેતા મનુ સિંઘવીએ પણ આ ટ્રેન્ડ ખોટું હોવાનું કહ્યું છે. સિંઘવીએ સ્વ, અરૂણ જેટલીના એક જૂના નિવેદનને આધાર બનાવીને સરકાર પર નિશાન સાધ્યું છે.
અરુણ જેટલીનું એક જૂનુ નિવેદન છે જેમાં તેમણે કહ્યું હતું કે, નિવૃત્તિ પહેલાના નિર્ણયો નિવૃત્તિ પછીની નોકરીઓ પર પ્રભાવિત થાય છે. હવે તે વધુ ને વધુ થવા લાગ્યું છે. સૈદ્ધાંતિક રીતે આ તદ્દન ખોટું છે. એ જ રીતે કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓએ પણ નઝીરની રાજ્યપાલ તરીકે નિમણૂક પર સવાલો ઉઠાવ્યા છે. AIMIM નેતા વારિસ પઠાણે તો ત્યાં સુધી કહ્યું કે રામ મંદિર પર ચુકાદો આપનારા જજોને પછીથી સારા પદ મળ્યા. પછી ભલે રંજન ગોગાઇને રાજ્યસભાના સભ્ય બનાવવાની વાત હોય, અશોક ભૂષણને NCLATના ચેરમેન અને હવે નઝીરને રાજ્યપાલ. હવે એ બધા સવાલો ઉઠી રહ્યા છે, જે પહેલાં પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ તર્કને કારણે સરકાર ભીંસમાં આવી ગઇ છે.
હવે સવાલ એ ઉભો ખાય છે કે કયા આધારે નિવૃત જજ નઝીરનું રાજ્યપાલ બનવું ખોટું છે? ભારતના બંધારણના આર્ટિકલ 157 અને 158માં રાજ્યપાલના પદ વિશે વિસ્તૃત રીતે કહેવામાં આવ્યું છે. બંધારણ મુજબ જે ભારતનો નાગરિક છે. જેની ઉંમર 35 વર્ષથી વધારે છે, જે સંસદ કે વિધાનસભા કે કોઇ પણ ગૃહનો સભ્ય નથી, જે કોઇ પણ લાભ મેળવવાના પદ પર ના રહ્યા હોય, છેલ્લાં કેટલાક સમયથી રાજકારણમાં સક્રીય ન હોય. એવી કોઇ પણ વ્યકિત રાજ્યપાલ બનાવી શકાય છે.
આવું પહેલીવાર બન્યું નથી, આ પહેલાં પણ નિવૃત ન્યાયાધીશોને રાજ્યપાલ બનાવાયા જ છે. મોદી સરકારે અલગથી કોઇ મોટો નિર્ણય લઇ લીધો નથી. ઇતિહાસના પાના ઉથલાવીશું તો ખબર પડશે કે એવા બે દાખલા છે જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજોને રાજ્યપાલ બનાવાયા હોય. આ બે નામ છે પૂર્વ CJI પી. શિદાસવમ અને નિવૃત ન્યાયાધીશ ફાતિમા બીવી. વર્ષ 2014માં પૂર્વ સદાશિવમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. જ્યારે ફાતિમા બીવીને 1197માં તમિલનાડુના રાજ્યપાલ બનાવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp