સમલૈંગિક લગ્નને માન્યતા અપાવવા લડી રહ્યા છે આ 5 કપલ્સ, જાણો તેમની સ્ટોરી

PC: twitter.com

લગ્ન એક છોકરા અને છોકરીની વચ્ચે જ થાય છે. કેટલાક લોકો આ અવધારણાને પાછળ છોડીને મોટા અવાજે બોલી રહ્યા છે, લગ્ન એક છોકરા-છોકરા અને છોકરી-છોકરી ની વચ્ચે પણ થઈ શકે છે. હવે ભારતમાં પણ તેની માંગ ઉઠી રહી છે. બીજી તરફ એક પક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટમાં CJI ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સંવિધાન બેન્ચે સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરનારી 20 અરજીઓ પર સુનાવણી કરતી વખતે એક મહત્ત્વની વાત કહી દીધી. એવી વાત જેણે કેટલાક લોકોને રાહત આપી, તો કેટલાકના દિલ તોડી નાંખ્યા. આ સુનાવણીમાં કેન્દ્ર સરકારનો પક્ષ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ રજૂ કર્યો. જ્યારે અરજીકર્તાઓનો પક્ષ વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ રજૂ કર્યો.

સુનાવણી દરમિયાન કોર્ટમાં દલીલ આપવામાં આવી કે, કાયદાની નજરમાં લગ્નનો મતલબ એક બાયોલોજિકલ પુરુષ અને બાયોલોજિકલ મહિલાની વચ્ચેનો સંબંધ હોય છે. તેના પર CJI એ જે કંઈ કહ્યું, તેના પર ખૂબ હંગામો થઈ રહ્યો છે. CJI એ કહ્યું, તમે જે મહત્ત્વની વાત કરી રહ્યા છો કે શારીરિકરીતે એક પુરુષ અને મહિલાની અવધારણા સ્પષ્ટ છે, જ્યારે એવુ નથી. આ ખોટી વાત છે. મહિલા અને પુરુષની પરિભાષા નક્કી કરનારી અવધારણા સ્પષ્ટ નથી. તમારા જનનાંગ એ પરિભાષિત નથી કરતા કે તમે બાયોલોજિકલ રીતે એક પુરુષ છો. આ ખૂબ જ જટિલ છે. એવામાં જ્યારે વિશેષ વિવાહ કાયદો મહિલા અને પુરુષની વાત કરે છે, ત્યારે તેનો એ મતલબ નથી કે મહિલા અને પુરુષ જનનાંગોના આધાર પર નક્કી થાય છે.

સમલૈંગિક વિવાહના પક્ષ અને વિપક્ષમાં ઉઠી રહેલા અવાજોની વચ્ચે એવા 5 કપલ્સ વિશે જાણી લો, જે સમલૈંગિક વિવાહને માન્યતા અપાવવા માટે લડી રહ્યા છે.

સુપ્રિયો ચક્રવર્તી અને અભય દાંગ

સમલૈંગિક વિવાહને કાયદાકીય માન્યતા અપાવવા માટે જે અરજીઓ દાખલ કરવામાં આવી છે, તેમાંથી એક હોસ્પિટાલિટી પ્રોફેશનલ સુપ્રિયો ચક્રવર્તી અને સોફ્ટવેર ડેવલપર અભય દાંગની છે. તેમણે આ અરજીમાં કહ્યું છે કે, બંને એકબીજાને એક દાયકા કરતા વધુ સમયથી જાણે છે અને રિલેશનશિપમાં છે. જે અધિકાર પરીણિત લોકોને મળે છે, તેમને એ અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. આ ગે કપલે લગ્ન કરી લીધા છે. સુપ્રિયોએ કહ્યું કે, તેમના લગ્નથી તમામને એ સંદેશ જાય છે કે, ખુશ રહેવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી હોતી. તેમને તેલંગણાનું પહેલું ગે કપલ માનવામાં આવે છે. તેમના લગ્ન રજિસ્ટર નથી થઈ શક્યા પરંતુ, આ લગ્ન તેમણે પરિવાર અને મિત્રોની હાજરીમાં ધામધૂમથી કર્યા.

અંકિતા ખન્ના અને કવિતા અરોરા

મનોવિજ્ઞાની અંકિતા ખન્ના અને મનોચિકિત્સક ડૉક્ટર કવિતા અરોરા પણ ઘણા વર્ષોથી પોતાના લગ્નની રાહ જોઈ રહ્યા છે. તેઓ પહેલા સહકર્મી હતા, પછી ફ્રેન્ડ્સ બન્યા અને પછી પ્રેમ થઈ ગયો. તેમના પરિવાર અને મિત્રો આ સંબંધનો સ્વીકાર કરી ચુક્યા છે. પરંતુ, મુલાકાતના 17 વર્ષ બાદ અને એક દાયકા કરતા વધુ સમયથી સાથે રહેવા છતા તેઓ લગ્ન નથી કરતા. અરજી દાખલ કરનારાઓમાં આ બંને પણ સામેલ છે.

પાર્થ મહરોત્રા અને ઉદય રાજ આનંદ

ઉદય રાજ આનંદ અને પાર્થ મહરોત્રાએ પણ ભારતના સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે. બંને 17 વર્ષથી સાથે છે. તેમનું કહેવુ છે કે, કપલને મળનારા અધિકારોથી તેઓ વંચિત છે. તેમનું કહેવુ છે કે, અમે સાથે પરિવાર શરૂ કર્યો છે. અમે સાથે રહીએ છીએ. અમે સરોગસીથી સાથે પરિવાર શરૂ કર્યો છે. આ એક પ્રાકૃતિક સ્ટેપ છે. હું તમારા જેવો જ છું. લગ્ન કરવા અમારા માટે પણ પ્રાકૃતિક વાત છે. તો અમારી કોર્ટને અપીલ છે કે, અમને લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવે. પાર્થ લિટિગેંટ અને Juggernaut Books કંપનીનો ચીફ એડિટર છે. જ્યારે ઉદય લિટિગેંટ અને બિઝનેસમેન છે.

પરાગ મેહતા અને વૈભવ જૈન

આ કપલ છેલ્લાં 11 વર્ષોથી સાથે છે. તેમણે 2019માં લગ્ન કર્યા હતા. ગ્લોબલ હેલ્થ ઇશ્યૂઝ પર કામ કરનારા રિસર્ચર વૈભવ દિલ્હીમાં જન્મ્યા અને મોટા થયા છે. અહીં તેઓ પ્રાઇડ પરેડમાં જવાથી ડરતા હતા. પછી 2011માં અમેરિકા ચાલ્યા ગયા. અહીં તેમણે પરેડમાં ભાગ લીધો. આ દરમિયાન તેમની પરાગ મહેતા સાથે મુલાકાત થઈ. મહેતા અમેરિકાના ઓબામા પ્રશાસનમાં કામ કરી ચુક્યા છે અને એક કંપનીના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડન્ટ છે.

તેમણે પરાગ સાથે એક તસવીર લીધી હતી અને બાદમાં તેમનો સોશિયલ મીડિયા પર સંપર્ક કર્યો. ત્યારબાદથી જ બંનેએ ડેટિંગ શરૂ કરી દીધી. બંનેને પ્રેમ થઈ ગયો અને પછી લગ્ન કરી લીધા. તે વિશેષ વિવાહ અધિનિયમ, 1954 અંતર્ગત પોતાના સંબંધને ઔપચારિક રૂપ આપવા માટે કાલકાજીમાં એક મેરેજ ઓફિસરને મળ્યા. તેમના અનુરોધને નકારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે દિલ્હી હાઈકોર્ટમાં એ આધાર પર અરજી દાખલ કરી કે આ રિજેક્શન ભેદભાવપૂર્ણ હતું અને તેમની પાસે અનુચ્છેદ 21 અંતર્ગત વિવાહ માટે સાથી પસંદ કરવાનો અધિકાર છે.

અદિતિ આનંદ અને સુઝેન ડાયસ

અદિતિ અને સુઝેન છેલ્લાં 12 વર્ષથી સાથે છે. બંનેની પસંદ અને બેકગ્રાઉન્ડ અલગ છે. પરંતુ, જે એક બાબત તેમને જોડે છે, તે છે પ્રેમ. 39 વર્ષીય અદિતિ મુંબઈમાં બે ફિલ્મ પ્રોડક્શન કંપની ચલાવે છે. બંને એકબીજાથી અલગ રહેવા અંગે વિચારી પણ નથી શકતી. સાથે એક બાળકનો ઉછેર પણ કરી રહી છે. 35 વર્ષીય સુઝેન એક આંત્રપ્રિન્યોર છે. આ કપલે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

CJI ચંદ્રચૂડે એવુ પણ કહ્યું કે, એક તરફ LGBTQ  સમુદાયને એ કહેવાનો અધિકાર છે કે તેઓ મરજીથી જીવી શકે છે અને સમાજ એ ના કહી શકે કે તમે જીવવાનું ચાલુ રાખો પરંતુ, અમે તમને માન્યતા નહીં આપીશું. અથવા તમને પારંપરિક સામાજિક સંસ્થાઓના લાભથી વંચિત રાખીશું. આ જ કારણે એ યોગ્ય નથી કે સામાજિક સંસ્થાઓ પાસેથી માન્યાતા મેળવવા માટે તેમને એકલા છોડી દેવામાં આવે. હવે જોવુ એ રહેશે કે કોર્ટ આખરે આ મામલા પર શું નિર્ણય લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp