બગડેલા સંબંધોમાં સમાધાનથી જીવનમાં સંબંધોનો વ્યાપ વધે

PC: newindianexpress.com

આપણે આ સંસારમાં શું લઈને આવ્યા?

કશું જ નહીં.

જઈશું ત્યારે શું લઈને જવાના?

ઘણુંયે લઈને જવાનું મન થાય પણ લઇ જવાય તોને!!

ભગવાનની લીલા અનેરી છે,

દુનિયામાં જન્મો... પ્રકૃતિની ભેટો ભોગવો... અંતે બધું મૂકીને જતા રહો!!

હવે હું શું કહું છું આપને કે જો આપણે કશું જ લઈ  જઈ શકવાના નથી તો જીવનમાં સંબંધોમાં પડતી આંટીઓ શું કામ પકડી રાખવાની? જીદો અણગમા પડતાં મુકીને સમાધાન કરીને સંબંધો જાળવી લઈએ તો કેવું?

સંબંધોમાં વ્યવહાર, લાગણીઓ કે કોઈક વાતમાં ખાટું મોળું થઈ જાય તો વાતુને પકડી રાખવાથી શું લાભ થાય? મને તો કંઈ લાભ થાય કે સારું થાય તેવું જણાતું નથી. ઉલ્ટાનું વેરભાવ, અહંભાવ વધે અને એને લીધે મન અશાંત થાય અને જીવનમાં કલેશ પણ વધે અને અંતે શરીરમાં કેટલાય રોગને આમંત્રણ અપાય એ જુદું.

આંટી પડેલા, દુભાયેલા કે બગડેલા કે વેરભાવના સંબંધોમાં જતું કરવાની ભાવના જો તમે કેળવી શકો તો મારા વ્હાલા તમે તમારા ગમે તેવા મોટા શત્રુને પણ મૈત્રીના સંબંધોમાં વાળી શકો! ગઈકાલના કટ્ટર શત્રુભાવને તમે સમાધાનકારી માર્ગે મૈત્રીભાવનાં પવિત્ર ઝરણાંમાં ફેરવી શકો છો.

તમારામાં સંબંધોનું સમાધાન કરવાની આવડત હશે તો તમારા સંબંધોનો વ્યાપ પણ વધશે. સંબંધોનો વ્યાપ જીવનમાં જેટલો વધુ એટલા તમે વધુ સંપન્ન થાશો.

મારા જેવો માણસતો હંમેશા સમાધાનકારી વ્યવહાર અને ચર્ચાને અગ્રિમતાતો આપે જ પણ કોઈકના ભલા માટે સ્વમાનભેર ઘસારો ભોગવીને જતું પણ કરે. એટલે જ તો મારા જીવનમાં સંબંધોની વાડીમાં સંબંધો રૂપી લીલાછમ ઊંડા મૂળીયાવાડા વૃક્ષ રૂપી વડલાઓ, આંબાઓ, લીમડાઓ વિગેરે અડીખમ ઉભા છે!!

મારી સમાધાનકારી લાગણીઓની વાડીને ફરતે બાવળિયા રૂપી કાંટાળી વાડ જેવા મિત્રો પણ ખરા હો જેઓ મારા પર થતો પહેલો ઘા પોતે ખમે અને મને રક્ષણ પૂરું પાડે. એ વાતમાં હું નસીબનનો બાવડો.

કોઈકનો જતું કરવાનો એટલે કે સમાધાનકારી સ્વભાવ હોવો એ પલાયનવાદ કે નબળાઈ સમજવાની ભૂલ ના કરશો. સમાધાનકારી માણસો સમાજમાં સૌને સાથે લઈને જીવી જાણવાની સમજમાં વધારો કરે છે. સમાધાન તમને વધુ સંબંધો આપશે અને એ સંબંધો સાથે જીવવાનો આનંદ તમને સુખ આપશે. જેમની પણ સાથે તમારે સંબંધો બગડ્યા હોય ત્યાં એક ડગલું સમાધાનનું ચાલો તો ખરા! રસ્તો જડશે, સમાધાન થશે, સમજ થશે, સંબંધોના અબોલા દૂર થશે. બસ.. પછી તો હળતાં મળતા થશો અને જૂની વાતું ભુલાઈ જશે અને સંબંધો વધુ મજબૂત થશે.

અગત્યનું:

અંતે કશું જ સાથે આવશે નહીં એટલે બગડેલા સંબંધોમાં સામેથી પહેલ કરો અને સમાધાન કરીને સંબંધો સાચવીને સૌને ગમતા રહીને જીવન જીવી લો.

(સુદામા)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp