મારું બાળપણ સચિનની રિટાયરમેન્ટ સાથે જ પૂરું થઇ ગયું

PC: womansera.com

સચિન તેંદુલકર જેવા મહાન ખેલાડીના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ખૂણેખૂણે પથરાયેલા છે. આવા જ એક બાંગ્લાદેશી ફેને પોતે સચિનનો કેવો મોટો ફેન છે તેની વાત કરી છે

'હું સચિન તેંદુલકર જેવો બનીશ.'

વીસ વર્ષ પછી હું એ મહાન બેટ્સમેનનો હજારમાં ભાગ જેટલો પણ બની નહોતો શક્યો, પણ જ્યારે મારા પિતાએ મને મારું સૌથી પહેલું બેટ ભેટમાં આપ્યું હતું, ત્યારે તો હું ઉપર પ્રમાણે જ બોલ્યો હતો. હું કદાચ ત્યારે માત્ર ત્રણ કે ચાર વર્ષનો હતો, પરંતુ મેં આમ કહ્યું હોવાનું મને બરોબર યાદ છે. ક્રિકેટ પ્રત્યેનો મારો પ્રેમ બહુ નાની ઉંમરે જ શરૂ થઇ ગયો હતો. મેં સચિનની ઘણી મહાન ઇનિંગ્સ ત્યારે જ જોઈ લીધી હતી, જ્યારે હું બાળોતિયા પહેરતો હતો, પણ જે રીતે તેણે મને પ્રભાવિત કરી દીધો હતો, તે હું આજ સુધી ભૂલી શક્યો નથી. હું તેની જેમ જ ક્રિઝમાં ઉભા રહેવાની કોશિશ કરતો, એકદમ બેલેન્સ્ડ અને બોલ રમવા માટે સદાય તૈયાર.

હું ચાર વર્ષનો થયો

મને બરોબર યાદ છે હું મારા એક મિત્ર સાથે અમારા બંનેમાંથી કોણ મોટો સચિન ફેન છે એ બાબતે અમે દલીલો કરતો. ઘણીવાર અમે એવું પણ વિચારતા કે અમારે સચિન કરતાં અઝહરુદ્દીનના ફેન થઇ જવું જોઈએ, કારણ કે અઝહર પાસે ચાર કારો હતો. પરંતુ તેમાંય અમારો સચિન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ખતમ ન થઇ શક્યો જેને અમે ‘ગોડ’ એટલે કે ભગવાન ગણવા લાગ્યા હતા. 1996ના વર્લ્ડ કપની યાદો મારા મનમાં હજીપણ ધૂંધળી-ધૂંધળી ફરી રહી છે. સચિનની ઓસ્ટ્રેલિયા સામેની 90 રનની ઇનિંગની અમુક બાબતો મને હજી પણ યાદ છે, ખાસ કરીને એક ઓવર જ્યારે તેણે ગ્લેન મેકગ્રાને એક જ ઓવરમાં ત્રણ વખત બાઉન્ડ્રી મારી હતી. બસ ત્યારથી જ મેકગ્રા-તેંડુલકરની સ્પર્ધા શરૂ થઇ ગઈ હતી.

હું છ વર્ષનો થયો

જિંદગી મસ્ત જઈ રહી હતી. પરંતુ એક બાબતની મને કાયમ ચિંતા રહેતી... ક્યાંક હું સચિનની કોઈ ઇનિંગ્સ મીસ ન કરી દઉં, અને એ આજકાલની નહીં, પરંતુ ભવિષ્યમાં આવનારી તમામ ઇનિંગ્સ પણ. વર્લ્ડ કપની પેલી ઇનિંગ પછી તેનું મારા હ્રદયમાં સ્થાન ઉત્તરોત્તર વધવા લાગ્યું. 1998માં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની ટૂર ઉપર આવી. સચિન તેના પ્રાઈમ ફોર્મમાં હતો અને શેન વોર્ન પણ. આ બંને વચ્ચે થનારા યુદ્ધને એટલો બધો હાઈપ આપી દેવામાં આવ્યો હતો કે મારા પિતા તેમનું બધું જ કામ પડતું મૂકીને ટીવી પર આ જોરદાર નજારો જોવા બેસી જતા. અને એમને ખૂબ આનંદ પણ નઠો. જ્યારે સચિને વોર્નની બોલિંગના છોતરાં કાઢી નાખતો ત્યારે મારા અને મારા પિતાના ચહેરા પરનો આનંદ આખા ઘરમાં ખુશીઓ ફેલાવી દેતો. લગભગ દરેક બોલે સચિન આગળ વધીને બેટિંગ કરતો અમને કાયમ એના સ્ટમ્પ આઉટ થઇ જવાની બીક લાગતી પરંતુ તે કાયમ અમને તેના સ્ટ્રોક્સથી આનંદ આપતો.

આ સિરીઝની એક વન-ડે મેચમાં તો ભારતના 311 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયા એક સમયે 203-3ના સ્કોરે પહોંચી ગયું હતું, પણ ત્યારે જ સચિને બોલિંગ નાખી અને માત્ર 32 રનમાં પાંચ વિકેટો લઇ લીધી! હવે તો હું પણ બોલને સ્પિન કરવા લાગ્યો હતો. હું તે વખતે ફૂજૈરામાં રહેતો ત્યાંથી શારજાહ ફક્ત 90 મિનિટના અંતરે હતું, સચિન મારાથી એટલો બધો નજીક હતો, મારે તેને મળવું હતું પણ મારા પિતાના બીઝી શેડ્યુલને લીધે તેમ ન થઇ શક્યું. ભારત – ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડની ટ્રાઈ સિરીઝ ત્યાં રમાઈ હતી અને સચિને તેનું શ્રેષ્ઠ ફોર્મ દેખાડ્યું. તેની પાસે દરેક બોલનો જવાબ હતો અને ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના દરેક બોલરો તેની સામે સ્કૂલના છોકરાઓ લાગી રહ્યા હતા. તે બોલને ફટકારતો નહોતો પણ કોઈ જાદુઈ છડી વખતે માત્ર સહેલાવતો હતો.

હું દસ વર્ષનો થયો.

જિંદગીની અન્ય અને કડવી સચ્ચાઈથી હું પરિચિત થવા લાગ્યો હતો, પહેલાં તો હું તેનાથી બેખબર રહેવા માગતો હતો, પણ પછી જોયું કે આવું તો બધા સાથે થાય છે એટલે ધીરે-ધીરે મેં એ બધું સ્વીકારી લીધું. પરંતુ આ બધામાં સચિન તો સૂર્યદેવની માફક હંમેશાં ચળકતો રહ્યો હતો. 2003ના વર્લ્ડ કપમાં જો મને બરોબર યાદ હોય તો સચિન ફરીથી તેના બેસ્ટ ફોર્મમાં આવી ગયો હતો. 'સચિને કેટલા બનાવ્યા?' મને બરોબર યાદ છે, મારા પિતા મને કોચિંગ ક્લાસમાં મને લેવા આવ્યા હતા. '98' આટલું કહીને તેમણે ઉમેર્યું, 'પછી શોએબે તેની છાતી ઉપર આવે એવો બોલ નાખ્યો અને એના ગ્લવ્સને અડીને તે એટલો ઉંચો ગયો કે ફિલ્ડરે તેને કેચ કરી દીધો.'

હું એકદમ વેરણ છેરણ થઇ ગયો, સેંચુરીથી ખાલી બે જ રન દૂર? પણ કોઈ વાંધો ન હતો, એની ઇનિંગ્સને લીધે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કદીયે ન હારવાનો રેકોર્ડ જાળવી તો રાખ્યો. હાઈલાઈટ જોતી વખતે સચિને શોએબને મારેલી પેલી સિક્સર જોતા મારી આંખો રીતસરની બહાર આવી ગઈ. આજ સુધી અખ્તરને મારેલી ‘પેલી સિક્સર’ મારા માટે સચિનની સૌથી શ્રેષ્ઠ બેટિંગ પળ રહી હતી, ભલેને તે સેંચુરીથી જરાક માટે દૂર રહ્યો હતો. એ વર્લ્ડ કપની ફાઈનલના દિવસે મેં મારી સ્કૂલના મિત્રો સાથે ત્રણ દિરહામની શરત મારીને કહ્યું હતું કે ભારત ટુર્નામેન્ટ જીતશે. પરંતુ જ્યારે સૌરવ ગાંગુલીએ ટોસ જીતીને કીધું કે, 'અમે પહેલા બોલિંગ કરીશું.' ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે હું મારા ત્રણ દિરહામ હારી ચૂક્યો છું અને પછી એમ જ થઈને રહ્યું. આજ સુધી કોઈ એક ટુર્નામેન્ટમાં સચિનની શ્રેષ્ઠ બેટિંગ આ વર્લ્ડ કપમાં જ રહી હતી, ભલેને પછી ભારત એ ટુર્નામેન્ટ જીતવાથી સહેજ માટે દૂર રહી ગયું હોય?

ત્યારબાદના સમયમાં ટેસ્ટ મેચમાં સચિનનું ફોર્મ ખૂબ ખરાબ રહ્યું હતું, મારી જિંદગીનો કોઈ જ મતલબ રહ્યો ન હતો. જ્યારે-જ્યારે એ બેટિંગ કરવા આવે ત્યારે હું દોડીને ટીવી સામે બેસી જતો, પણ એ અમુક મિનિટોમાં જ આઉટ થઇ જતો.

હું ચૌદ વર્ષનો થયો.

હવે હું બાળક રહ્યો નહોતો. ઘણું બધું બદલાઈ ગયું હતું, મારો અવાજ પણ. જિંદગીની તમામ કાળી બાજુઓ મારે સમક્ષ આવી ચૂકી હતી. પણ સચિન તેંદુલકરની ભક્તિ કાયમ રહી હતી. 2007નો વર્લ્ડ કપ મારા માટે સૌથી ખરાબ યાદ તરીકે ઉભરીને આવ્યો. મને યાદ છે કે મીડિયા ભારતની ટીમ પાછળ આદુ ખાઈને પડી ગયું હતું. દરેક ન્યૂઝ ચેનલ વર્લ્ડ કપ માટે પસંદ થયેલા તમામ પંદર ખેલાડીઓ પર એક સ્પેશિયલ ફિચર બતાડી રહી હતી. કદાચ આનાથી જ ટીમ ઉપર બહુ ભાર ઉભો થયો, જે એના માટે હારનું મોટું કારણ બની ગયું. આ ટુર્નામેન્ટ અગાઉ જ ઘણી બધી કોન્ટ્રોવર્સી થઇ ચૂકી હતી. ગ્રેગ ચેપલે મોટાભાગના ખેલાડીઓને નારાજ કરી દીધા હતા.

સચિને મને એકવાત જરૂર શિખવાડી હતી કે, ગમે તે થાય કોઈ વ્યક્તિ સમક્ષ તમારે સારી રીતે તમારી જાતને પેશ કરવાની હોય છે. પણ જ્યારે સચિને પણ ચેપલની જાહેરમાં ટીકા કરી ત્યારે મને થયું કે ભગવાનની પણ સહન કરવાની એક લિમિટ હોય છે. એ એકદમ ખરાબ ટુર્નામેન્ટ રહી હતી. ભારત ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગયું હતું. તેંદુલકરને ચોથે નંબરે રમવાની ફરજ પડાઈ હતી અને એ ત્રણ મેચોમાં તે માત્ર 64 રન જ બનાવી શક્યો હતો, જેમાંથી 57 રન તો બર્મુડા સામે આવ્યા હતા. ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે સચિન જેવો એક મહાન ખેલાડી એકપણ વર્લ્ડ કપ જીત્યા વીના જ રિટાયર થઇ જશે!

હું સોળ વર્ષનો થયો.

હવે મેં મારી જન્મભૂમી એટલે કે યુએઈ છોડી દીધી હતી અને મારી માતૃભૂમિ એટલે કે બાંગ્લાદેશમાં હું રહેવા આવી ગયો હતો. જિંદગીનું એક સ્તર પૂરું થઈને બીજું સ્તર શરૂ થયું હતું. આ એવો સમય હતો જ્યારે તમને સ્વીટ સિક્સટીનની ફીલિંગ થવા ઉપરાંત જિંદગીમાં તમે જે ઈચ્છો તે કરી શકો છો એવી પણ એક ફિલિંગ આવતી હોય છે. આથી જે લોકો તમને સમજી શકતા નથી તેને પડતા મૂકીને તમને ગમે એમ જીવવાની તમન્ના તમારા મનમાં ઉછાળા મારતી હોય છે.

આ જ વર્ષે મારું સ્વપ્ન પૂરું થયું. મેં સચિનને મારી નજર સમક્ષ જોયો, ફક્ત ત્રીસ વાર દૂર. જ્યારે ભારત ચિત્તાગોંગમાં ટેસ્ટ મેચ રમવા આવ્યું ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે મારે આ તક ગુમાવવી નથી. ભારત એ દિવસે ફીલ્ડિંગ કરી રહ્યું હતું, આથી હું તેને બેટિંગ કરતા તો નહોતો જોઈ શકવાનો પણ થોડા સમય માટે એ મારી નજર સામે જ ફીલ્ડિંગ ભરી રહ્યો હતો. તે સમયે મને કેવી લાગણી થઇ રહી હતી તે હું કહી શકતો નથી. બે ઘડી તો મને એવું લાગ્યું કે બાઉન્ડ્રી પર લાગેલી જાળી કૂદીને હું તેના પગમાં પડી જાઉં. ભગવાનને તમારી સામે જુઓ તો તમે પણ આમ જ કરો ને?

હું સત્તર વર્ષનો થયો.

જિંદગીના તમામ ઉતાર ચઢાવ જોઇને હું ભલે એક જ વર્ષ મોટો થયો હતો, પણ વધારે સમજદાર પણ થઇ ગયો હતો. પણ પેલી તેંદુલકર ભક્તિ તો હજી ચાલુ જ રહી હતી. એક મેચમાં જ્યારે હું મારા ટીચરને ઘેરે મેથેમેટિક્સનું ટ્યુશન લેવા ગયો હતો, ત્યારે તેણે હજી પચાસ રન પૂરા કર્યા હતા. આ સમયે મને મારા ટ્યુશનમાં જવાના નિર્ણય પર ખૂબ ગુસ્સો આવ્યો, કારણ કે ત્યાર પછી એક એવી ઇનિંગ બની કે જેને લાઈવ જોવાનું મારા નસીબમાં નહોતું.

હું જ્યારે મેથેમેટિક્સને મારા મનમાં ઉતારવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે જ મારા અંકલનો કોલ મારા સેલફોન પર આવ્યો અને તેમણે હલ્લો! કહ્યા વગર સીધું જ બોલી દીધું, 'ઉમિદ, સચિને હમણાં જ સઈદ અનવરનો રેકોર્ડ તોડી નાખ્યો!' હું એકદમ ડઘાઈ ગયો. અંકલ મજાક કરતા હશે. મેં એવું વિચાર્યું. મેં આ સમાચાર મારા ટિચર સાથે પણ શેર કર્યા, કારણ કે તે પણ એક ક્રિકેટ ફેન હતા, એ તરત જ તેમના ડ્રોઈંગરૂમમાં ગયા અને ટીવી ચાલુ કર્યું અને દોડીને પાછા આવ્યા અને આ સમાચાર કન્ફર્મ કર્યા. મારે ખુરશી પરથી કૂદકો મારવો હતો અને દોડીને ટીવી સામે ઉભું રહી જઈને આ ઐતિહાસિક પળના સાક્ષી થવું હતું. પણ હું એમ ન કરી શક્યો, મેં એમ કર્યું પણ નહીં. મેં કદાચ એટલા બધા સારા કર્મો નહીં કર્યા હોય કે મને આ લેજેન્ડ દ્વારા બનાવેલા રેકોર્ડને લાઈવ જોવાનો મોકો મળે. ફક્ત એવા જ લોકો એ પળને જોઈ શક્યા જેમને આ પવિત્ર આત્માના આશિર્વાદ મળ્યા હોય.

ત્યાં જ મારી બાજુમાં બેસેલી એક છોકરી બોલી, 'હવે એ આઉટ થઇ જશે, સચિન કાયમ 90sમાં આઉટ થઇ જાય છે.' બે ઘડી તો મને એમ થયું કે હું એ છોકરીનું મોં સીવી નાખું. પણ મેં એમ ન કર્યું, કારણ કે એક બીજો ફોન કોલ આવ્યો અને મને ખબર પડી કે સચિને એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે, વન-ડેમાં ડબલ સેંચુરી બનાવવાનો! – આ એક સમાચારે મારામાંથી એ સ્પેશિયલ ઇનિંગ ન જોઈ શકવાની હતાશાને ખંખેરી નાખી. એ આ પ્રકારના કાર્યો કરવા માટે જ જન્મ્યો છે, વન-ડેમાં બસ્સો રન કરનાર પ્રથમ બેટ્સમેન બનવા જેવા. એના પછી બીજા ઘણાએ ડબલ સેંચુરી બનાવી છે, પરંતુ આ ખજાના તરફ જવાનો રસ્તો તો સચિને જ બતાવ્યો હતો ને?

હું અઢાર વર્ષનો થયો.

પેલી ઇનિંગ પછી મારામાં કોઈ ખાસ મોટો ચેન્જ આવ્યો નથી. પરંતુ તેંદુલકરના જીવનમાં ઘણો બધો ફેરફાર આવી ગયો હતો. તેણે આટલા વર્ષોમાં જે વાવ્યું હતું તે હવે ઉગી નીકળવાનો વખત આવી ગયો હતો. મારા માટે હવે ક્રિકેટની મેચો ક્યારે છે એ જોઇને મારો દિવસ નક્કી કરવાના દિવસો જતા રહ્યા હતા, હા જો તેંદુલકર રમવાનો હોય તો વાત અલગ હતી. 2007માં જ્યારે મને એવું લાગ્યું હતું કે અત્યંત યોગ્ય વ્યક્તિ હોવા છતાં, કદાચ સચિન ક્યારેય વર્લ્ડ કપ નહીં જીતી શકે, ત્યાર પછીના વર્ષોમાં મેં મનોમન સ્વીકાર કરી લીધું હતું કે સચિન વર્લ્ડ કપ જીત્યા વગર જ રિટાયર થઇ જશે. કદાચ એ ટ્રોફીએ એટલા પુણ્યો નહીં કર્યા હોય કે તે આ ભગવાનના ચરણોમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે.

પણ હું ખોટો હતો.

ત્યાર પછીના વર્લ્ડ કપમાં સચિને તમામ બોલિંગ એટેકનો સામનો મજબુતીથી કર્યો અને નવ મેચોમાં 482 રન બનાવીને ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવ્યા. ફાઈનલમાં તેણે માત્ર 18 રન બનાવ્યા અને મલિંગાની બોલિંગમાં સંગાકારાના હાથે કેચ આઉટ થઇ ગયો. હું ગભરાઈ ગયો, મને લાગ્યું કે કદાચ હું આ માસ્ટર બેટ્સમેનને છેલ્લીવાર આઉટ થતા જોઈ રહ્યો છે. ભારતની ટીમ માટેનો મારો પ્રેમ તો ઘણા સમય પહેલાં જ પૂરો થઇ ચૂક્યો હતો, પણ આ કશુંક ખાસ હતું. આ તેંદુલકર માટે હતું. વર્લ્ડ કપ વિજેતાનો મેડલ તેના પર્સનલ શો કેસમાં હોવો જ જોઈએ. એટલે જ જ્યારે ધોનીએ પેલી વિજયી સિક્સર લગાવી ત્યારે હું એકદમ આનંદમાં આવી ગયો. એક લાંબા સમયની ઈચ્છા પૂરી થઇ હોય એવી લાગણી છેવટે મારા મનમાં આવી. એણે એ ટુર્નામેન્ટ જીતી હતી જેને જીતવાનું એક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. આ જ સમયે તેંદુલકર વિનાનું ક્રિકેટ ક્યારેય પોસિબલ નથી એવું મને લાગવા માંડ્યું હતું.

હું ઓગણીસ વર્ષનો થયો.

જિંદગીનું એક બીજું સ્તર પૂરું થયું. હું મારા મિત્રો સાથે બેસીને બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની એશિયા કપની મેચ જોઈ રહ્યો હતો. સમય કેવો બદલાઈ ગયો હતો? મેં તેંદુલકરને પહેલીવાર રમતા જોયો ત્યારે હું દૂધ પીતો હતો અને આજે હું પ્રતિબંધિત પીણું પી રહ્યો હતો. ધાર્મિક હોવાને લીધે મને આજે પણ એ વાતનું ખૂબ દુઃખ છે. એક એવી પ્રથા પડી ગઈ હતી કે જ્યારે જ્યારે સચિન સદી બનાવે, ભારત હારી જાય. અને આ પ્રથાને વેગ આપ્યો સચિનની સો મી સદીએ જે મેચમાં ભારત બાંગ્લાદેશ સામે હારી ગયું અને એક નવો ઈતિહાસ રચાયો. મને મારા દેશના વિજયથી અત્યંત આનંદ થયો હતો, પરંતુ સચિનને તેની રેકોર્ડ બ્રેકિંગ સદી પછી પણ કશું જ ન મળ્યું એનો રંજ હતો. મને આ સમયે એ વાતની કલ્પના પણ ન હતી કે સચિન આ ઇનિંગ પછી માત્ર એક વધુ ઇનિંગ જ રમશે. હું સ્વપ્નમાં પણ આવું વિચારી ન શકું. પણ એમ જ થયું.

હું એકવીસ વર્ષનો થયો – અને મારું બાળપણ પૂરું થયું.

જિંદગી પૂરેપૂરી બદલાઈ ગઈ હતી. લવ અને બે આત્માઓના મિલનની વાતોએ મને ક્યારેય આકર્ષિત નહોતો કર્યો. રોમાંસ વગેરે મને પૂરેપૂરો ટાઈમ વેસ્ટ લાગતો હતો. પણ હવે હું બદલાઈ ચૂક્યો હતો, મને એવું લાગી રહ્યું હતું કે આ મારો અત્યંત મૂર્ખામીભર્યો વિચાર હતો. હું પ્રેમમાં હતો..બસ થઇ ગયો. પણ હું તેને કહી શક્યો નહીં, મારા દિલમાં એક સતત ભાર હોય એવું મને લાગી રહ્યું હતું. વળી આ જ સમયે મારા પિતાને હાર્ટએટેક આવ્યો અને હું ઉદાસ રહેવા લાગ્યો. મારા પિતા તેમની જીવન-મરણની લડાઈ લડી રહ્યા હતા અને એ જ સમયે સચિને ટેસ્ટ મેચોમાંથી પણ નિવૃત્તિ લેવાની ઘોષણા કરી દીધી. મને તેનું વધારે દુઃખ થયું. મને ખબર છે કે આવા સંજોગોમાં આવું વિચારવું પાપ છે, પરંતુ મારા જીવનનો એક ભાગ મૃત્યુ પામ્યો હતો એટલું ચોક્કસ છે.

દરેક વ્યક્તિ પોતાની દુનિયા તમારી સામે રજૂ કરે છે, અને એ વ્યક્તિની પોતાની અંગત એક દુનિયા પણ હોય છે. મારા માટે તેંદુલકર એક મારી દુનિયા હતી અને એ દિવસે મારી દુનિયાનો એક મોટો ભાગ સદાય માટે ભૂંસી નાખવામાં આવ્યો. મારી દુનિયા પડી ભાંગી. મારા માતા-પિતાએ મને કાયમ નમ્ર રહેવાની સલાહ આપી છે અને ક્યારેય ઈગો ન રાખવાની વાત પણ કરી છે. પણ તેમને એ બાબતનો ખ્યાલ નથી કે સતત નમ્ર કેવી રીતે રહેવું એ મને તેંદુલકરે શિખવાડ્યું હતું. તેંદુલકરે મને શિખવાડ્યું હતું કે કેવી રીતે આપણી અંદર ઈગોને સ્થાન ન આપવું. સચિનની નિવૃત્તિ પહેલાના અમુક વર્ષ અગાઉ મારા એક કઝીને મને પૂછ્યું હતું કે જો ભગવાન તારી ત્રણ ઈચ્છાઓ પૂરી કરવાનું કહે તો તું શું માગે?તો મેં એને જવાબ આપ્યો હતો કે હું મારા માતા અને પિતાની સ્વસ્થ જિંદગીની પહેલી બે ઈચ્છા માગું અને ત્રીજી ઈચ્છા એ માગું કે તેંદુલકર અને રાઉલ ગોન્ઝાલેઝ આ પૃથ્વીનો અંત થાય ત્યાં સુધી રમતા રહે.

પણ, આપણી તમામ ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી.

સચિનની નિવૃત્તિનો વિચાર જ મારી આંખોમાં આંસુ લાવવા માટે પૂરતો હતો, પરંતુ જ્યારે એ સમય ખરેખર આવ્યો અને એની ફેરવેલ સ્પિચ મેં સાંભળી ત્યારે હું એક બાળકની જેમ રડવા લાગ્યો. મારી આસપાસ બેસેલા તમામ લોકો આ બાબતના સાક્ષી છે.

તે દિવસે મારી જિંદગી જીવવાનું કારણ મેં ગુમાવી દીધું હતું. સારું થાય કે ખરાબ થાય અત્યાર સુધી મને કોઈ જ ફર્ક પડતો નહોતો, કારણ કે હું એમ કહીને મન વાળી દેતો કે ગમે તે થાય, તેંદુલકરની બેટિંગ તો જોવાની જ છે ને? એ એક શક્તિ હતી જે મને સવારે વહેલા ઉઠવા માટે પ્રેરિત કરતી હતી, આ શક્તિ એટલે તેંદુલકર. જ્યારે મારી પાસે કશું જ ન હોય ત્યારે મારી પાસે તેંદુલકર રહેતો. પણ હવે એક ફિલ્મની જેમ જ તેની યાદ મારા મનમાં સચવાયેલી છે. મારું બાળપણ છેવટે પૂર્ણ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp