લજાઈ ગામે ગૌસેવાના લાભાર્થે લાખોનો ફાળો: સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નાટક કરાયું રજૂ

PC: Khabarchhe.com

અમારા ગામની ગાયો કદી કતલખાને નહિ જાય તેવા ઉમદા આશય સાથે ગૌસેવા કામધેનુ વિસામો ટ્રસ્ટ લજાઈના લાભાર્થે છેલ્લા 51 વર્ષથી ચાલતા સેવાયજ્ઞમાં દર વર્ષની જેમ આ વર્ષે પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ રજૂ કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં એક જ રાત્રીમાં રૂપિયા 10 લાખનો ફાળો નોંધાયો હતો.

મોરબી નજીક 51 વર્ષ પૂર્વે 1967મા લજાઈ ગામના લોકો દ્વારા કરાયેલા સંકલ્પને પરિપૂર્ણ કરી ગૌવંશને કતલખાને જતું બચાવવા ગૌ સેવાનો અનોખો યજ્ઞ ચલાવવામાં આવે છે. આ સેવા યજ્ઞના ભાગરૂપે નિરાધાર, અંધ, અપંગ ગાયોની સેવા કરવા માટે દર વર્ષે નવરાત્રીમાં લજાઈ ગામના યુવક મંડળ દ્વારા નાટક રજૂ કરી ફાળો એકત્રિત કરવામાં આવે છે. જેમાં ઉદ્યોગપતિ, ડૉક્ટરોથી લઈ તમામ ક્ષેત્રના લોકો ઊંચનીચનો ભેદભાવ ભૂલી નાટકના પાત્રો ભજવે છે અને સ્ત્રી પાત્ર પણ પુરુષો જ ભજવી અદ્ભુત માહોલ ખડો કરે છે.

શુક્રવારે લજાઈ યુવક મંડળના સભ્યો દ્વારા પ્રસિદ્ધ નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને હાસ્ય રસિક કોમિક નાટક રજૂ કરવામાં આવતા હકડેઠઠ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ સેવા યજ્ઞમાં એક જ રાતમાં લોકોએ ઉદાર હાથે ફાળો નોંધાવતા 10 લાખ જેવી માતબર રકમ ગૌ સેવા માટે એકત્રિત થઈ હતી. લજાઈ ગામે ચાલતા આ સેવા યજ્ઞ અંગે ગૌશાળાના સંચાલક અને મહંત સોમદત બાપુએ જણાવ્યું હતું કે 51 વર્ષથી આ સેવાયજ્ઞ ચાલે છે અને અમે પુરાતન સંસ્કૃતિ મુજબ ગાયોને પૂજનીય ગણી કતલખાને જતી બચાવવા પ્રયાસ કરીએ છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે લજાઈ ગામે દર નવરાત્રીમાં દિવાળી જેવાં માહોલ વચ્ચે તમામ બહેનો દિકરીઓ પણ આ ઉત્સવમાં જોડાવા બહારગામથી ખાસ મહેમાન બની અહીં આવે છે અને આ કાર્યક્રમનો આનંદ ઉઠાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp