રાજકોટની ઘટનામાં 2 PI સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ કરાયા

PC: Khabarchhe.com

રાજકોટની ઘટનામાં ગુજરાત સરકારે મોટું એક્શન લેતા  8 અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારીઓમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડનો પણ સમાવેશ થાય છે. આ સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે અને રાજકોટ શહેરના બે પોલીસ ઈન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસ વડા દ્વારા વી. આર. પટેલ અને એન. આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે.

સસ્પેન્ડ થયેલા અધિકારીઓ...

આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયર

ગૌતમ ડી. જોશી, RMCના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર

જયદિપ ચૌધરી, ટાઉનપ્લાનિંગ શાખાના આસિ. એન્જિનિયર

એમ. આર. સુમા, નાયબ કાર્યાલય ઈજનેર

વી. આર. પટેલ, પીઆઈ

એન. આઈ. રાઠોડ, પીઆઈ

પારસ એમ. કોઠિયા, નાયબ કાર્યપાલક ઇજનેર

રોહિત વિગોરા, ફાયર સ્ટેશન ઓફિસર

હાઇ કોર્ટે ઉધડો લીધો...

રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલી અગ્નિકાંડની ઘટના હવે ગુજરાત હાઈ કોર્ટમાં પહોંચી છે. આ મામલે સુઓમોટો હાથ ધરતા હાઈકોર્ટે આજે બીજી વખત સુનાવણી કરી હતી, જેમાં રાજકોટ મહાનગરપાલિકા (RMC)નો ઉધડો લઈ નાખ્યો હતો.  ગુજરાત હાઇ કોર્ટે તંત્ર અને સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે, 'અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?' આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા.

હાઇકોર્ટે કહ્યું હતું, કે 'અમને સરકારની મશીનરી પર ભરોસો રહ્યો નથી, કોર્ટના નિર્દેશો છતા આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદ્ઘાટનમાં RMC કમિશનર જાય છે, તો કોર્ટના નિર્દેશોનું શું થયું?  કોર્ટે RMCને સવાલ પૂછ્યો હતો, કે 'આ ગેમ ઝોન ક્યારે કામ કરતું થયો? પરમિશન ન માગી, પરંતુ તમારી જવાબદારી તો હતી ને.' હાઇકોર્ટના તીખા સવાલો પર સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું હતું, કે સરકાર તાત્કાલિક પગલાં ભર્યા છે અને રાજ્યના બધા ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે.

સરકાર આ ઘટના બાબતે ખૂબ જ ગંભીર છે અને કોઈને છોડવામાં નહીં આવે. 6 અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. 6 આરોપીઓ સામે FIR કરવામાં આવી છે અને 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.  સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું હતું કે રાજકોટ TRP ગેમ ઝોન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. મોટી સંખ્યામાં લોકોના મોત થયા. તેમાંય બાળકોના મૃત્યુ થયા તે હત્યાથી ઓછું નથી. નિયમોના પાલન કરવામાં જ ન આવ્યા.

અરજદારે દાવો કર્યો હતો કે આ ગેમ ઝોન એક ગેરકાયદે જગ્યાએ ચાલતું હતું છતા તંત્ર અને પોલીસ દ્વારા આંખ આડા કાન કરાયા હતા. તેના પર ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના ઢીલા વલણ અને 3 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, સ્પષ્ટ આદેશ હોવા છતા મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી એવું જ માનવું રહ્યું ને? ચાર વર્ષમાં 6 મોટી દુર્ઘટનાઓ બની હોવા છતાં મહાનગર પાલિકાએ શું કર્યું?

આપણે માણસો છીએ અને આપણાં પણ મીડિયા રિપોર્ટની અસર થાય છે પણ તંત્ર તો મીડિયાના રિપોર્ટને પણ ગણતું નથી. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે હાઇકોર્ટે  રાજકોટ મનપા પાસે સ્પષ્ટીકરણ અંગત કહ્યું હતું કે તમે શું આંધળા થઈ ગયા હતા? અઢી વર્ષથી આ બધુ ચાલતું હતું છતા તમે શું ઊંઘતા હતા. હાઇકોર્ટ દ્વારા મનપા કમિશનરને નોટિસ ફટકારવામાં આવી છે. હાઇકોર્ટે તેમની પાસે એ વાતનો જવાબ માંગ્યો છે કે શા માટે આ બાબતે કોર્ટ તેમને જવાબદાર ન ગણવા જોઈએ ? રાજકોટ મહાનગરપાલિકા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp