જૂનાગઢમાં 300 વર્ષ જૂના આમલીના ઝાડ પર વીજળી પડતા બળીને ખાખ

PC: news18.com

ગુજરાતના અનેક શહેરો અને ગામડોઓમાં કમોસમી વરસાદે દેકારો મચાવ્યો છે, કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે અને કેટલાંક વિસ્તારોમાં પાણી પણ ભરાઇ ગયા છે. કેરીની સિઝનમાં માર્કેટમાં વેપારીઓની હાલત કફોડી બની છે, કારણકે વરસાદને કારણે અનેક બોક્સ પલળી જવાને કારણે મોટું નુકશાન થઇ રહ્યું છે. આ વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં 300 વર્ષ જૂના એક આમલીના ઝાડ પર વીજળી પડવાને કારણે ઝાડ આખું બળીને ખાખ થઇ ગયું છે. કમોસમી વરસાદને કારણે કેરીના ભાવો પણ નીચા આવી રહ્યા છે.

હજુ તો ચોમાસાની સિઝન શરૂ થવાને ખાસ્સી વાર છે પરંતુ આ માવઠાંએ આ વખતે બધું વેરણ છેરણ કરી નાંખ્યું છે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે વીજળી પડવાને કારણે મોત થયું, પરંતુ જૂનાગઢના મોણપરીમાં એક 300 વર્ષ જૂનું આમલીનું મજબુત ઝાડ વીજળી પડવાને કારણે આખું ખાખ થઇ ગયું છે. એના પરથી સમજી શકાય છે કે વીજળી પડવાની માત્રા કેટલી વધારે હશે.

ગામના લોકોનું કહેવું છે કે આ આમલીના ઝાડ પર મોડી રાત્રે વીજળી પડી હતી અને તેને કારણે જે આગ લાગી હતી કે આજે બપોરે પણ આગ ચાલું જોવા મળી રહી છે. ઝાડ પર વસવાટ કરતા પક્ષીઓના પણ મોત થયા હોવાનું ગામના લોકોનું કહેવું છે. આ આમલી વૃક્ષ ગામની ઓળખ હતું, આટલા જૂના વૃક્ષ પર વીજળી પડવાને કારણે ઝાડ બળી જતા ગામના લોકો દુખી થઇ ગયા છે.

આ વખતે કમોસમી વરસાદની મોસમ  માર્ચ મહિનાથી શરૂ થઇ ગઇ હતી. આમ તો અત્યાર સુધી માવઠું છતા કેરીનો પાક સારો ઉતર્યો હતો, પરંતુ જેવી માર્કેટમાં કેરીઓ આવી છે અને કમોસમી વરસાદ શરૂ થવાને કારણે યાર્ડમાં રાખેલા કેરીને બોક્સ પલળી ગયા છે, જેને લીધે ખેડુત, વેપારી, એજન્ટ બધાને નુકશાન થઇ રહ્યું છે. જાણવા મળેલી માહિતી મુજબ કેરીના ભાવ બોક્સ દીઠ 200થી 300 રૂપિયા તુટી ગયા છે. એક વેપારીના કહેવા મુજબ લગભગ 15,000 જેટલા કેરીના બોક્સ પલળી ગયા છે.

કેરીને તો નુકશાન થઇ જ રહ્યું છે, પરંતુ સાથે સાથે તલ, રાવણા, ચીકુને પણ લાખો રૂપિયાનું નુકશાન થયું છે. હજુ તો હવામાન વિભાગ વધુ 5 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp